22 February, 2025 06:52 AM IST | Mumbai | Mukesh Pandya
કુંભ મેળો
શિવજીને સ્નાન અને અભિષેક પ્રિય છે એની ચર્ચા આપણે અગાઉ કરી. એ જ રીતે શિવજીને વહાલું બીલીપત્ર ચડાવવાથી શિવજીને તો ગરમીથી રાહત થાય જ છે, પણ એનો ઉપયોગ ખાસ કરીને ગરમીમાં કરવાથી આપણને પણ અનેક ફાયદા થાય છે. બીલીપત્ર પર તો આખું બિલવાષ્ટકમ લખાયું છે, પરંતુ એની પહેલી કડી પણ ઘણું બધું કહી જાય છે.
ત્રિદલં ત્રિગુણાકારં ત્રિનેત્રં ચ ત્રિઆયુધમ્।
ત્રિજન્મપાપસંહારં એક બિલ્વં શિવાર્પણમ્॥
અર્થાત્ ત્રણ પાંદડીઓ ધરાવતું, ત્રિગુણાતીત, શિવજીની ત્રણ આંખ સમાન, ત્રણે પ્રકારના દોષ શમાવતું એક બીલીપત્ર ભગવાન શિવને અર્પણ કરવાથી ત્રણ જન્મના પાપનો નાશ થાય છે.
માત્ર શિવલિંગ પર નહીં, આપણી અંદર બેઠેલા શિવને પણ પ્રસન્ન રાખવા આપણે બીલીપત્રનું સેવન કરવું જોઈએ.
મહાશિવરાત્રિ પછી હવે ગરમીની માત્રા વધતી જશે એ સમયે જ બીલીપત્રના અભિષેક અને સેવનની વાત મૂકીને ભારતીય તહેવારો અને સંસ્કૃતિએ આપણા પર ઉપકાર કર્યો છે. આ નિઃશુલ્ક અને હાથવગી દવાને શિવલિંગ પર ચડાવીને પછી કૂડામાં ન જવા દેતાં પેટમાં પધરાવશો તો ફાયદામાં રહેશો.
બીલીપત્રમાં ભરપૂર માત્રામાં પોષક તત્ત્વો હોય છે. વિટામિન A, C, B1 અને B6 ઉપરાંત બીલીપત્રમાં કૅલ્શિયમ અને ફાઇબર પણ ખૂબ પ્રમાણમાં હોય છે. દરરોજ સવારે બીલીપત્રનું ખાલી પેટે સેવન કરવાથી ગૅસ, ઍસિડિટી અને કબજિયાતમાં રાહત મળે છે. બીલીપત્રમાં ફાઇબર્સ પણ પૂરતા પ્રમાણમાં મળી આવે છે જેનાથી પાચનક્રિયા ઝડપી અને સરળ બને છે.
ડાયાબિટીઝના દરદીઓ માટે પણ બીલીપત્ર વરદાન સમાન છે. લોહીમાં સાકર (બ્લડ-શુગર)ને નિયંત્રણમાં રાખવા માટે દરરોજ સવારે ખાલી પેટ બીલીપત્ર ખાવાં જોઈએ.
બીલીપત્રમાં વિટામિન C હોય છે એટલે એ સ્વાદમાં થોડું ખાટું-તૂરું હોય છે. વિટામિન C રોગપ્રતિકારક શક્તિને મજબૂત રાખે છે.
યાદ છેને કોરોના વખતે રોગપ્રતિકારક શક્તિ વધારવા ડૉક્ટરો વિટામિન Cનો ઉપયોગ વધારવાની સલાહ આપતા હતા? શિવરાત્રિના દિવસે બીલીપત્રનું સેવન કરવાનો સંકલ્પ લેશો તો કોરોના કે એના જેવા અન્ય ચેપી રોગોથી બચાવવા ભગવાન શિવની કરુણા તમારા પર વરસતી રહેશે.
દરરોજ સવારે ખાલી પેટ બીલીપત્રનાં બે-ત્રણ પાન ચાવવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે. ઉપરાંત ખાંસી અને શરદી જેવી સમસ્યાઓ પણ દૂર રહે છે. જે લોકોને હરસ-મસા-પાઇલ્સની સમસ્યા રહેતી હોય તેમના માટે ખાલી પેટે બીલીપત્ર ખાવું લાભદાયક પુરવાર થઈ શકે છે. ખરેખર, બીલીપત્ર પાચનતંત્રને મજબૂત બનાવે છે. એ પેટ સંબંધિત સમસ્યાઓને દૂર કરવામાં મદદ કરે છે.
હવે આવનારા ઉનાળામાં તો બીલીપત્ર ખૂબ કામ લાગશે. બીલીપત્રની ઠંડક આપનારી પ્રકૃતિને કારણે એના ઉપયોગથી પેટ પણ ઠંડું રહે છે. ઉનાળામાં એનું સેવન કરવાથી ગરમ લૂ કે હીટ-સ્ટ્રોકથી રક્ષણ મળે છે. મોંમાં ગરમી-ચાંદાં હોય તો પણ રોજ સવારે ખાલી પેટે બીલીપત્રનાં પાન ચાવવાથી ઘણો ફાયદો થાય છે. લીલાં બીલીપત્ર ગરમીમાં આંખોને પણ શીતળ અને નીરોગી રાખે છે.
બીલીપત્રના પાનમાં કૅલરી ઓછી હોય છે અને ફાઇબર્સ વધારે હોય છે એટલે વજન નિયંત્રિત કરવામાં પણ સહાયરૂપ નીવડે છે.
બીલીપત્રનાં પાનનો રસ પીવાથી કિડનીને પણ સ્વસ્થ રાખી શકાય છે, કારણ કે બીલીપત્રમાં રહેલાં પોષક તત્ત્વો કિડનીના સ્વાસ્થ્યને સુધારવામાં મદદરૂપ થાય છે અને પેશાબ સંબંધિત સમસ્યાઓને ઘટાડવામાં પણ મદદ કરે છે. જો યોગ્ય માત્રામાં બીલીપત્રના રસનું સેવન કરવામાં આવે તો એની સ્વાસ્થ્ય પર સકારાત્મક અસર પડે છે. વધુ મહિતી માટે કોઈ નિષ્ણાતની સલાહ લઈ શકાય.
શિવરાત્રિએ ઘણા ભક્તો ભગવાન ભોલેનાથને બીલીફળ પણ ચડાવતા હોય છે. બીલીના ફળનું શરબત પણ ઔષધની ગરજ સારે છે. બીલીફળમાં ભરપૂર વિટામિન્સ ઉપરાંત કાર્બોહાઇડ્રેટ્સ, પ્રોટીન, ફાઇબર્સ, કૅલ્શિયમ અને લોહતત્ત્વ પૂરતા પ્રમાણમાં હોય છે. ઉનાળામાં બીલીના ફળનું શરબત પીવાથી ભરપૂર તાજગી અને ઠંડક મળે છે. આ શરબત ડાયાબિટીઝ, હાર્ટની સમસ્યા અને અલ્સર જેવી બીમારીઓથી બચાવવામાં અસરકારક નીવડે છે. બીલીફળના શરબતથી શરીરને બિટા કૅરોટિન, પ્રોટીન, રાઇબોફ્લેવિન, વિટામિન C, વિટામિન B અને B2, થાયમિન, નિયાસિન, કૅરોચિન, કૅલ્શિયમ, પોટૅશિયમ જેવાં પોષક તત્ત્વો મળે છે.
બીલાંનું શરબત વિષદ્રવ્યો દૂર કરી શરીરને શુદ્ધ કરવાનું કામ કરે છે. આ ફળની રચના એવી રક્ષણાત્મક કવચથી મઢેલી હોય છે કે ફળ ત્વરિત બગડી નથી જતું. એનો અનેક દિવસ સુધી ઉપયોગ કરી શકાય છે. જે લોકો બીલીફળનું શરબત પસંદ નથી કરતા તેઓ એને સૂકવી પાઉડર બનાવીને પણ ઉપયોગમાં લઈ શકે છે.
આમ જે-જે ચીજો ભગવાન શિવને અતિ પ્રિય છે એના સેવનથી તમે પણ આગામી ગરમીના દિવસોમાં શીતળતા અને આરોગ્ય પામી શકશો.
(ક્રમશ:)