21 January, 2025 10:06 AM IST | Mumbai | Mukesh Pandya
પ્રતીકાત્મક તસવીર
બાહ્ય પ્રવાસ કરીને આપણે પ્રયાગરાજ સુધી તો પહોંચી શકીએ. સંગમ સ્નાન અને દર્શન-પૂજા કરીને પાછા ઘરે આવી શકીએ, પણ જો આંતર જગતને પામવું હોય તો આંતર યાત્રા અર્થાત્ અંતરની યાત્રા કરવી પડે. આપણી ભીતરમાં વસેલા ઈશ્વરનાં દર્શન કરવાં પડે. મતલબ કે અંદરની શક્તિ ‘ઇનર પાવર’ને જાગૃત કરવો પડે.
અત્યાર સુધી આપણે બાહ્ય પ્રવાસ ખૂબ કર્યો. બાળપણ, રમતગમત, શિક્ષણ, લગ્ન, નોકરી, વ્યવસાય જેવી પ્રવૃત્તિઓ કરી. હરવાફરવા અને ખાવા-પીવાના શોખ પૂરા કર્યા. આ બધી કિયાઓ કરવા આપણને આંખ, કાન, નાક, જીભ અને સ્પર્શેન્દ્રિય જેવી પાંચ ઇન્દ્રિયોની જરૂર પડી. હાથ અને પગ જેવી કર્મેન્દ્રિયની જરૂર પડી, પણ હવે ઇનર પાવરને પામવો હોય તો શરીરના આ અવયવોને વિશ્રામ આપી આપણી અંદર રહેલા મન અને આત્માને ઉજાગર કરવાં પડે. બાહ્ય જગતમાં કાર્ય કરવા શરીરના ઉપર જણાવેલાં અંગો અર્થાત્ જ્ઞાનેન્દ્રિયો અને કર્મેન્દ્રિયોની શક્તિ કામ લાગે છે. આ કાર્યને સફળ બનાવવામાં એકાગ્રતા (કૉન્સન્ટ્રેશન) જરૂરી છે. એ જ રીતે આંતર જગતની યાત્રા કરવા મનની શક્તિ અર્થાત્ મનોબળની જરૂર ૫ડે છે અને આ યાત્રાને સફળ બનાવવા ધ્યાનની જરૂર પડે છે. ધ્યાનક્રિયા માટે શરીર તેમ જ એની ઇન્દ્રિયો (આંખ, કાન, નાક, જીભ અને ત્વચા) તેમ જ કર્મેન્દ્રિયો (હાથ-પગ)ને આરામ આપી મનને સ્થિર કરવું પડે છે. જેમ પાણી વેગમાં હોય અને ડહોળું (અશુદ્ધ) હોય તો એની અંદર રહેલો પદાર્થ દેખાતો નથી, પરંતુ પાણી સ્થિર અને શુદ્ધ થાય તો અંદરની વસ્તુનાં દર્શન થાય. એ જ રીતે મનને સ્થિર અને શુદ્ધ કરીએ તો અંતરાત્મા અર્થાત્ ઇનર પાવરનાં દર્શન થાય. શરીર છે અને દેખાય છે એટલે એના પર જ આપણે દેખીતો વિશ્વાસ કરીએ છીએ અને બાહ્ય યાત્રા તેમ જ એની સફળતામાં જ રચ્યાપચ્યા રહીએ છીએ .
જ્યારે આત્મા તો દેખાતો જ નથી તો એના પર વિશ્વાસ કેવી રીતે બેસે? શ્રદ્ધા ક્યાંથી આવે?
બસ અહીં જ આપણો ટર્નિંગ પૉઇન્ટ આવે છે. આત્મામાં વિશ્વાસ ન હોવાથી આપણામાંના મોટા ભાગના લોકો બાહ્ય જગતની યાત્રા કરીને જ સંતુષ્ટ રહે છે. આંતર જગતમાં પ્રવાસ કરવા કે ઇનર પાવરને પામવા પ્રયત્ન કરતા જ નથી અને કરે તો પણ વગ૨ વિશ્વાસે, વગર શ્રદ્ધાએ કરે છે એટલે સફળતાના ચાન્સિસ ઘટી જાય છે.
આ લોકોને એટલું જ કહેવાનું કે ભાઈ મારા, આ જગતમાં જે દેખાય છે એ જ હોય છે એવું જરૂરી નથી, ન દેખાતી ચીજો પણ જગતમાં હોઈ શકે અને છે. આપણને મોટું મકાન દેખાય, પરંતુ એના પાયા જે જમીનની અંદર છે એ દેખાય છે? નથી દેખાતા પણ છેને?
નાક દેખાય છે, પરંતુ એની અંદર-બહાર જતી હવા દેખાતી નથી, પણ છેને? આપણને ઘણી બધી ચીજો પ્રકાશની મદદથી દેખાય છે, પણ ખુદ પ્રકાશ દેખાતો નથી.
આ જ રીતે આત્મા આપણા શરીરના પાયામાં છે. એ જ શરીરનો આધાર છે, પણ ઇમારતના પાયાની જેમ દેખાતો નથી. જે ક્ષણે આત્મા શરીરથી ચાલ્યો જાય છે એ જ ક્ષણે શરીર નિશ્ચેતન થઈ જાય છે. બધી જ ઇન્દ્રિયો-બધાં જ અંગો કામ કરતાં બંધ થઈ જાય છે. એ જ સાબિત કરે છે કે આપણા શરીરની અંદર આત્મા નામનું ચાલકબળ છે. આ આત્મા સુધી પહોંચવા જ આંતર જગતની યાત્રા કરવી જરૂરી બની જાય છે. પ્રથમ તમારામાં એટલી શ્રદ્ધા ઉત્પન્ન કરો કે આત્મા છે અને મારા શરીરમાં જ છે. આ શ્રદ્ધાના બળથી તમને આંતર જગતની યાત્રા કરવા માટેનો વિશ્વાસ પ્રાપ્ત થશે અને ત્યાર બાદ કલ્પવાસના જે નિયમો છે એ તમારા માટે આંતર યાત્રામાં મદદ કરતાં વિશ્વાસુ સાધનો બની જશે. ઉપદેશ શ્રવણ, બહ્મચર્ય ઉપવાસ, ધ્યાન અને સ્નાન જેવી ક્રિયાઓ શરીર અને મનને સ્થિરતા અને શુદ્ધતાની નજીક લઈ જશે.
સાવ એવું પણ નથી કે આ બધી ક્રિયાઓ આપણા પોતાના ઘરની અંદર રહીને શક્ય ન બને, પણ ઘરે આ કામ કરવાથી ઘર-સંસારનાં કાર્યો અને વિચારો બાધારૂપ બની શકે છે, જ્યારે કલ્પવાસમાં એક પ્રકારના આત્માની ઓળખનો અર્થાત્ અધ્યાત્મનો માહોલ બને છે. માર્ગદર્શન મળે છે. બીજાની દેખાદેખીથી પણ આપણે ઉપરોક્ત ક્રિયામાં સંલગ્ન થઈએ છીએ. મગ્ન થઈએ છીએ અને ધીરે-ધીરે પણ મક્કમપણે આપણી આંતર જગતની યાત્રા પ્રશસ્ત થાય છે.
(ક્રમશ:)