05 January, 2025 08:26 AM IST | Mumbai | Mukesh Pandya
ફાઇલ તસવીર
કુંભમેળાની વાત કરતા હોઈએ ત્યારે અખાડાની વાત તો આવે જ. શાસ્ત્રો અને શસ્ત્રોના જાણકાર સાધુઓના અખાડાઓનું કુંભમેળામાં ઘણું મહત્ત્વ છે. મૂળ તો આદિ શંકરાચાર્યે સનાતન ધર્મની રક્ષા માટે અખાડાઓની સ્થાપના કરી હતી. જ્યારે વાત સંસ્કૃતિની-ધર્મની રક્ષા કરવાની આવે ત્યારે શસ્ત્ર અને શાસ્ત્ર બન્ને શીખવાં પડે. આ અખાડાઓની શરૂઆત કઈ રીતે થઈ એનો પણ રસપ્રદ ઇતિહાસ છે. આજથી ૨૫૦૦ વર્ષ પહેલાં ભારતની વૈદિક પરંપરાનાં ઉત્તમ તત્ત્વો મહદંશે ભુલાઈ ગયાં હતાં અને એની જગ્યાએ હિંસા, યજ્ઞોમાં પશુબલિ, કર્મકાંડ, અંધશ્રદ્ધા, વર્ણપ્રથાના નામે અસ્પૃશ્યતા, ઊંચનીચના ભેદભાવ, આભડછેટ, દંભ અને પાખંડનું પ્રમાણ વધી ગયું હતું. એ જ અરસામાં લગભગ એક જ કહી શકાય એવા સમયગાળામાં ભગવાન મહાવીર તથા બુદ્ધે ધાર્મિક અને સામાજિક ક્રાન્તિ કરી.
આ બન્ને મૂળ તો સનાતનધર્મીઓ એવા ક્ષત્રિય જ હતા, પરંતુ વૈદિક પરંપરામાં જે ઉપરોક્ત દૂષણો ઘૂસી ગયાં હતાં એને ડામવાના એક ભાગરૂપે અહિંસા અને વર્ગવિહીન સમાજને તેમના દ્વારા પ્રોત્સાહન મળ્યું. એને લીધે વૈદિક ધર્મનું પોત નબળું પડ્યું. એ જ સમયે ભારતમાં આદિ શંકરાચાર્યનો જન્મ થયો. બાળપણમાં જ તેમણે વેદ-ઉપનિષદનો અભ્યાસ શરૂ કર્યો. લીલા ભેગું સૂકું બળે એ ન્યાયે વેદ પરંપરાની સારી બાબતો પણ ભુલાવા લાગી હતી. શિવનો જ એક અવતાર કહી શકાય એવા આદિ શંકરાચાર્યે ભુલાતા જતા સનાતન ધર્મને ફરી પાછો બેઠો કરવા કમર કસી.
ભારતમાં ભ્રમણ કરીને વૈદિક ધર્મનો પ્રસાર કરવા દેશના ચારે ખૂણે મઠ સ્થાપ્યા. જૈન અને બૌદ્ધ ધર્મ નિરીશ્વરવાદી છે ત્યારે આદિ શંકરાચાર્યે સનાતન ધર્મના મૂળ ઈશ્વરવાદને ફરી જીવંત કર્યો એટલું જ નહીં, જીવ અને શિવ (ઈશ્વર) એક જ છે એ દર્શાવતા અદ્વૈતવાદનો પ્રસાર કર્યો. માણસ ચાહે તો સાધના અને પ્રયત્નો દ્વારા ઈશ્વર બની શકે છે એ પ્રસ્થાપિત કર્યું. શિવ ઉપરાંત રામ અને કૃષ્ણ જેવા સનાતનધર્મીઓનું મહત્ત્વ વધાર્યું. આવાં કાર્યો કરવા તેમણે સાધુ સમાજના અનેક જથ્થા (બેડા) ઊભા કર્યો હતા. આ સાધુ-સંતોએ શંકરાચાર્યના માર્ગદર્શન હેઠળ વૈદિક ધર્મના પ્રસાર માટે અહાલેક જગાવી હતી. આ કામ માટે માત્ર શાસ્ત્રો (વેદો)નું જ જ્ઞાન નહીં, પરંતુ ધર્મનું રક્ષણ કરવા શસ્ત્રોની તાલીમ પણ જરૂરી હતી. આક્રમણ માટે નહીં પરંતુ જંગલી પશુ-પક્ષીઓ અને આસુરી અસામાજિક તત્ત્વોના હુમલા સમયે સ્વરક્ષણ માટે પણ આ જરૂરી હતું. ભારતની સનાતન પરંપરામાં જે દેવ-દેવીઓનાં વર્ણન આવે છે તેમના હાથમાં અનેક પ્રકારનાં શસ્ત્રો હોય છે. આ સાધુ-સંતોએ જે અહાલેક જગાવી એનું અપભ્રંશ થઈને અલખ શબ્દ આવ્યો. અલખ પરથી છેવટે અખાડા શબ્દ આવ્યો જે આજે વિવિધ સાધુ-સંતોના સમૂહ માટે વપરાય છે. નાગાબાવાઓ પણ આ અખાડાઓનો ભાગ હોય છે. અખાડાઓને તેમના ઇષ્ટદેવના આધારે વિભાજિત કરવામાં આવે છે, જેમાં ૩ શ્રેણી હોય છે : શિવ અખાડા, વૈષ્ણવ અખાડા અને ઉદાસીન અખાડા. શરૂઆતમાં ચાર અખાડા હતા, પરંતુ આચાર-વિચારની વિભિન્નતા અને ભેદને કારણે આજે અખાડાની સંખ્યા ૧૩ પર પહોંચી છે.
ભૂતકાળમાં ભારત પર વિદેશી ધરતીથી આવેલા વિધર્મીઓ દ્વારા આક્રમણો થયાં ત્યારે ઘણી વાર આ ત્રિશૂળ અને તલવારધારી સાધુઓ અને નાગાબાવાઓએ પ્રજાનું રક્ષણ કર્યું હોવાના દાખલા મળી આવે છે. વૈદિક પરંપરામાં માનતા શિવ, રામ અને કૃષ્ણે પણ અહિંસાને જ પ્રાધાન્ય આપ્યું છે; પરંતુ અધર્મીઓ જ્યારે હદ વટાવે ત્યારે ધર્મને બચાવવા અને એનું પુનઃ સ્થાપન કરવા તેમણે શસ્ત્રો ઉઠાવ્યાં છે. આમ વેદ પરંપરામાં શસ્ત્રો અને શાસ્ત્રોનો સમન્વય ઉચિત ગણાયો છે. સોમનાથ મંદિર અનેક વાર લૂંટાયું કે આજે મંદિરોને ઢાંકી દઈને એના પર જ મસ્જિદો બની ગઈ છે એવા સમાચારો રોજ આવે છે એવી ઘણી ઘટનાઓથી બચી શકાયું હોત જો એ વખતે ધાર્મિક સ્થળોની અને સંસ્કૃતિની રક્ષા અને સલામતી માટે યોગ્ય પગલાં લેવાયાં હોત.
અહિંસા પરમ ધર્મ છે જ, પરંતુ પ્રજાની રક્ષા માટે શસ્ત્રવિદ્યા શીખવી એ પણ ધર્મ જ છે. સરહદ પર જવાનો સશસ્ત્ર પહેરો ભરે છે ત્યારે આપણે શાંતિથી ઊંઘી શકીએ છીએ. શંકરાચાર્યના સમયે ભારત અનેક રાજરજવાડાંઓમાં વહેચાયેલું હતું. હિન્દુ રાજાઓ પોતાના ઝંડા લહેરાવવા આપસમાં ઝઘડતા રહેતા હતા. સંપ, સાથ અને સહકારની ભાવના નષ્ટ થવાના આરે હતી. ભોગવિલાસની આડમાં શાસકો ધર્મ અને જ્ઞાનની વાતો ભૂલવા લાગ્યા હતા. આવા સમયે ધર્મરક્ષા માટે સાધુ-સંતોને શાસ્ત્ર સાથે શસ્ત્રોની તાલીમ આપવાની પહેલ શંકરાચાર્યે કરી હતી અને આ શસ્ત્રધારી સાધુબાવાઓથી મોગલો અને અંગ્રેજો પણ ડરતા હતા તથા તેમની અડફેટમાં આવવાનું ટાળતા હતા.
(ક્રમશઃ)