06 January, 2025 08:10 AM IST | Mumbai | Mukesh Pandya
કુંભ મેળો
સનાતન ધર્મના પુનરુત્થાન માટે આદિ શંકરાચાર્યે બનતા પ્રયાસો કર્યા. વૈદિક જ્ઞાનનો ફેલાવો પણ કર્યો, સુધારા પણ કર્યા અને આ જ્ઞાનનું રક્ષણ કરવા સાધુબાવાઓ માટે શસ્ત્રોની તાલીમ ફરજિયાત બનાવી. આ તાલીમનો ઉપયોગ વિધર્મીઓના આક્રમણ સામે ઘણી વાર થયો અને સફળતા મળી, પરંતુ આ ઇતિહાસમાંથી બહુ ઓછા લોકોએ બોધપાઠ શીખવાની તસ્દી લીધી. વૈદિક અને જૈન ધર્મની ફિલોસૉફી વચ્ચે ભારતીય પ્રજાનું માનસ ઝોલા ખાવા લાગ્યું. દશેરા આવે ત્યારે શસ્ત્રની પૂજા કરે અને અહિંસા જ પરમો ધર્મ છે એવું પણ એ વખતનો માણસ માનવા લાગ્યો. સામાન્ય અને રોજિંદા જીવનમાં અહિંસક લાઇફસ્ટાઇલ અતિ ઉપયોગી અને લાભદાયી છે, પરંતુ પરદેશીઓ શસ્ત્રોના સથવારે હાવી થતા હોય ત્યારે સામે પક્ષે પણ શસ્ત્રોની તાલીમ અને ધાક તો હોવી જ જોઈએ. ભારતની હિંસા-અહિંસા વચ્ચે ઝોલા ખાતી નીતિનો સૌથી વધુ લાભ પરદેશી વિધર્મીઓએ જ લીધો. મુઠ્ઠીભર મોગલો અને બ્રિટિશરોએ શસ્ત્રોની ધાકથી જ કરોડો ભારતીયો પર સેંકડો વર્ષ રાજ્ય કર્યું. આઝાદીના સંગ્રામમાં અહિંસક ગાંધીવાદનો ઉદય થયો, પરંતુ એમ કહેવું કે માત્ર ગાંધીજીની અહિંસક નીતિથી જ ભારતને સ્વતંત્રતા મળી એ બેશક અતિશયોક્તિ જ ગણાશે. આ વાક્ય સમજવા માટે ફરી પાછી આપણે ઇતિહાસ તરફ નજર નાખીએ. આ માટે ઈસવી સન ૧૯૪૦ પછી બનેલી ત્રણ ઘટનાઓ અને એમાં રહેલી સામ્યતાનો વિચાર કરીએ.
૧૯૪૫માં વિશ્વયુદ્ધ શરૂ થયું ત્યારે બ્રિટને પણ એમાં ભાગ લીધો. એ પૈસેટકે ખુવાર થવા લાગ્યું હતું. એશિયાઈ દેશોમાં રાજ કરવા માટે જે ઍડ્મિનિસ્ટ્રેશનનો ખર્ચ કરવો પડે અને એના માટે જે ક્ષમતા જોઈએ એે યુદ્ધ અને એને લીધે ઉત્પન્ન થયેલી આર્થિક મંદીને કારણે ખૂબ ઓછી થઈ ગઈ હતી.
બીજી ઘટના જોઈએ. બ્રિટિશ શાસન સામે આઝાદીની લડાઈ ૧૮૫૭માં સિપાઈઓના બળવાથી શરૂ થઈ હતી તો આઝાદીનો છેલ્લો બળવો પણ લશ્કરી બળવો હતો. ઈસવી સન ૧૯૪૬નો નૌકાદળનો આ બળવો હતો જે ઇતિહાસમાં રૉયલ ઇન્ડિયન નેવી મ્યુટિનીના નામથી ઓળખાય છે. ૧૮ ફેબ્રુઆરીએ બ્રિટિશ રૉયલ ઇન્ડિયન નેવીના સૈનિકોએ બ્રિટિશરાજ સામે બળવાનું બ્યુગલ ફૂક્યું હતું. આ બળવો મુંબઈ-બેઝમાં થયો હોવાથી એ બૉમ્બે વિપ્લવ તરીકે પણ ઓળખાય છે. આ બળવા પછી અંગ્રેજોને થયું કે હવે ભારત છોડી દેવામાં જ મજા છે. ઇતિહાસકારો પણ રૉયલ ઇન્ડિયન નેવી બળવાને આઝાદી માટેની છેલ્લી લડાઈ માને છે જેણે ભારતમાંથી અંગ્રેજોને ભગાડ્યા હતા.
ત્રીજી ઘટના એ હતી કે સુભાષચંદ્ર બોઝની આઝાદ હિન્દ ફોજ બળવત્તર બનતી જતી હતી. બોઝ અને તેમની આ સેના અંગ્રેજો માટે માથાનો દુખાવો બની ગયાં હતાં.
હવે આ ત્રણે ઘટનાઓમાં એક વસ્તુ કૉમન (સામાન્ય) છે અને એ છે શસ્ત્ર. વિશ્વયુદ્ધ શસ્ત્ર વગર લડાય નહીં. નેવીમાં ભારતીય સશસ્ત્ર સૈનિકોએ બળવો કર્યો અને સુભાષબાબુએ અંગ્રેજો વિરુદ્ધ શસ્ત્રદળ ઊભું કર્યું.
શસ્ત્રોના ઉલ્લેખ સાથે આટલી બધી પિષ્ટપેષણ કરવાનો હેતુ એટલો જ છે કે શસ્ત્રોની ધાક વગ૨ ધર્મ (અહીં ધર્મ એટલે સદવિચાર, સદવાણી અને સદવર્તન) સમજાવી શકાય છે પરંતુ ટકાવી શકાતો નથી.
મહાભારતનું ધર્મયુદ્ધ જ લડાયું હતું ધર્મની રક્ષા માટે અને હકીકત એ છે કે ધર્મનો ઉત્તમોત્તમ બોધ પણ શ્રીકૃષ્ણે યુદ્ધભૂમિ પર જ આપ્યો છે.
આમ ધર્મ માટેનું યુદ્ધ અને ધર્મનું જ્ઞાન બન્ને જરૂરી છે એ શ્રીકૃષ્ણે ૫૦૦૦ વર્ષ પૂર્વે દર્શાવ્યું અને આ જ વાત ૨૫૦૦ વર્ષ પૂર્વે આદિ શંકરાચાર્યે ફરી દોહરાવી. જોકે કૃષ્ણથી લઈને કુંભમેળા સુધીના ઐતિહાસિક પ્રસંગો આપણે ગોખ્યા કર્યા પણ એમાંથી શીખ્યા કેટલું એ પ્રશ્નાર્થચિહન છે.
(ક્રમશઃ)