સરળતા ભક્તિનું ભૂષણ છે, એ અહંકારને રહેવા નથી દેતી

04 March, 2026 01:11 PM IST  |  Mumbai | Morari Bapu

શરીર વગર ભજન ન થઈ શકે. ભજન કરનાર કહે કે હું મરી જાઉં તો સમજવું કે તેને ભજનમાં રસ નથી. ભજનાનંદી મરવાની વાત ન કરે.

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

ભક્તિ પ્રાપ્ત કરવાની બે રીત છેઃ ૧. ક્રમશઃ ૨. સીધી છલાંગ મારીને.

જે ભક્તિની પાસે જવા માગે છે તેણે પોતાના અહંકારને ત્યાગવો પડે. તો જ સુંદરકાંડમાં પ્રવેશ મળી શકે. અહંકારના પર્વતને સમાપ્ત કરવો જ પડશે. આ તો બૌદ્ધિક અહંકારને હરાવવાની વાત છે.

તમે એવરેસ્ટ પર ચડી જાઓ, પણ ચડ્યા પછી ઊતરવું પડે છે. એ પછી તો ક્યાંય પણ જઈ શકાતું નથી પણ સાહેબ, ભક્તિના શિખર પર ચાલો તો ઊતરવું જ નથી પડતું. તમે જેટલા આગળ વધો શિખર એટલું જ ઊંચું થતું જાય છે.

આ પ્રેમજગતનું સત્ય છે. આ ભાવજગતનું સત્ય છે. જેટલો પ્રેમ જાગે એટલો ભાવ વધે. જેટલી એકાગ્રતા વધે, શિખર ઊંચાઈમાં એટલું વધે છે. સાધક ભજનાનંદી ઉપર ને ઉપર ચડતો જાય છે. તેનો ક્યારેય અંત નથી આવતો. આ હકીકત છે અને આ હકીકત સાથે જ ભજનની પહેલી શરત આવે છે, પ્રસન્નતા.

આપણે ઇચ્છીએ છીએ કે બંદગી થઈ જાય પછી પ્રસન્ન થઈશું તો એ તો ખોટનો વેપલો થયો કહેવાય, એટલા માટે માનસમાં જેટલી સ્તુતિઓ છે કે પ્રાર્થના છે એ મોટે ભાગે કરતાં પહેલાં જે કરનાર છે એ રોમાંચિત હોય છે અથવા તો પુલકિત કે સજલ હોય છે.

શરીર વગર ભજન ન થઈ શકે. ભજન કરનાર કહે કે હું મરી જાઉં તો સમજવું કે તેને ભજનમાં રસ નથી. ભજનાનંદી મરવાની વાત ન કરે.

સરળતા ભક્તિનું ભૂષણ છે. ભક્તિ અહંકારને રહેવા નથી દેતી. ભક્તમાં અહંકાર હોય જ નહીં. હે હરિ, હે હરિ બોલતાં-બોલતાં જો તમારી આંખો ભરાઈ જાય અને બોલવાનું બંધ થઈ જાય તો જરા પણ ચિંતા ન કરતા, કારણ કે એ આંખોમાંથી જ્યારે અશ્રુબિંદુ નીકળે છે એ ભજનથી સહેજ પણ ઊતરતું નથી, એ જ ભજન છે. કથાશ્રવણ પણ ભક્તિ છે અને કોઈ ગરીબનો પોકાર સાંભળો તો એ પણ ભક્તિ જ છે. કોઈ ભૂખ્યાની આંખોમાં ભૂખ વાંચી બેસો અને તેનું પેટ ભરવા હાથ લાંબો થઈ જાય તો માનવું કે તમારી અંદર ભજન અત્યારે પણ ચાલુ જ છે.

જેની પાસેથી ભક્તિ મળે તે ગમેતેટલો નાનો હોય તો પણ જો તેની પાસેથી પરમહિત સાથેની ભક્ત‌િ મળે તો એને પ્રેમ કરો. ચતુર માણસ ભજનમાં ક્યારેય સફળ નથી થતો, થાય જ નહીં. આંતરિક સાધના માટે ચતુરાઈ ખતરનાક છે.

એક વાત તમે સમજી લો, ભક્તિ કરવામાં નથી આવતી. જો કોઈ એમ કહે કે હું ભક્તિ કરી રહ્યો છું તો એ ખોટી વાત છે. ભક્ત‌િ કરવામાં આવે જ નહીં, એ એવી રીતે થાય જ નહીં. તુલસીદાસજીએ બહુ સરસ વાત લખી છે. જો કોઈ ભક્તિ કરવાની કોશિશ કરે તો બહુ મુશ્કેલ પડશે. ભક્તિ કરી નથી શકાતી, ભક્તિ આપોઆપ થતી પણ નથી, થવી પણ મુશ્કેલ છે. ભક્તિ તો પરમાત્માની એક અચિંતક, આહ્‍લાદક રસની શક્તિ છે. એ પરમાત્માના રસની શક્તિ છે. તે ભગવાન જેને આપે છે તેને જ પ્રાપ્ત થાય છે. ભગવાન કૃપા કરે ત્યારે જ કોઈકને પ્રાપ્ત થાય છે.

culture news life and style lifestyle news columnists Morari Bapu