વય, વાળ ને વ્યાજ વધતાં જ રહેશે એથી હંમેશાં સાવધાની રાખવી

07 October, 2025 11:45 AM IST  |  Mumbai | Jainacharya shree Udayvallabhasuri

ચાર ચીજો એવી છે કે એ નાની લાગે તો પણ મસમોટા નુકસાનને ખેંચી લાવવા સમર્થ છે માટે નાની સમજીને એની ઉપેક્ષા ન કરવી જોઈએ... નાના રાઈના દાણા જેવી મજેદાર વાત અહીં પ્રસ્તુત છે

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

નાની લાગતી મધમાખી મોટા કદના પ્રાણીને પણ હેરાન-પરેશાન કરી શકે છે એટલે તાકાત નાનાની વધારે કે મોટાની? આ પ્રશ્નનો જવાબ સાપેક્ષ રીતે જ મેળવવો રહે. નીતિશાસ્ત્રો ચાર નાની ચીજો તરફથી થઈ શકનારા ભયંકર નુકસાન તરફ આંગળી ચીંધણું કરે છે. ચાર ચીજો એવી છે કે એ નાની લાગે તો પણ મસમોટા નુકસાનને ખેંચી લાવવા સમર્થ છે માટે નાની સમજીને એની ઉપેક્ષા ન કરવી જોઈએ. નાના રાઈના દાણા જેવી મજેદાર વાત અહીં પ્રસ્તુત છે.

નાનું દેવુંઃ ઉછીના લીધેલા પૈસા ક્યારે મોટો આંકડો અને મોટી સમસ્યા બનીને ગળાફાંસો બની જાય એ કહી ન શકાય. વય, વાળ અને વ્યાજ કાયમ વધ્યા જ કરે. આ ચક્કર છેવટે મોત માટેનો ભમ્મરિયો કૂવો સાબિત થાય છે. દેશમાં થતા આપઘાતોમાં દેવાની સમસ્યાનો માતબર રોલ છે. પૈસાની હાજરી હજી મૌન પાળી શકે પણ એની ગેરહાજરી ચીસો પાડીને માણસને ઉધારી કરવા પ્રેરે છે અને સરવાળે એ વ્યાજના ચક્રવ્યૂહમાં ફસાય છે.

નાનો ઘાઃ શરીર ઉપરનો નાનો પડેલો ઘા પણ જીવલેણ સાબિત થઈ શકે. આમ તો જરાક ટેબલનો ખૂણો માથામાં વાગ્યો હતો પણ એ હૅમરેજ લાવી શકે. દાઢી કરતાં-કરતાં બ્લેડનો લાગેલો નાનો ઘા પણ સામાન્ય જખમથી આગળનું જોખમ નોતરી શકે.

નાનો તણખોઃ ઍર-કન્ડિશનરમાં થયેલો નાનકડો સ્પાર્ક શયનખંડ આખાને લપેટમાં લઈ શકે છે. વૃક્ષની બે ડાળી વચ્ચે થયેલા ઘર્ષણમાંથી પેદા થતા તણખા ઍમેઝૉનના જંગલની એકરોની જમીન સાફ કરી દે એવી આગ બની વિસ્તરે છે. ફૅક્ટરીઓમાં લાગતી આગનો પ્રારંભ તેા નાની અમથી શૉર્ટ સર્કિટમાંથી થયો હોય છે.

નાનો ગુસ્સોઃ વાતનું વતેસર કોને કહેવાય? નાની વાતમાંથી મોટો સંઘર્ષ પેદા થઈ શકે છે. ઉગ્રતાથી બોલાયેલા એક વાક્યથી સામી વ્યક્તિને કાળ ચડી જાય અને તે છરી હુલાવીને બદલો વાળે એવું પણ બને. ગુસ્સાનું એક વાક્ય હાઈ ટેન્શન વાયરના નજીવા સ્પર્શ જેવું બની શકે છે. કેટલાય સંબંધ વિચ્છેદોનું મૂળ બે-ચાર વાક્યોની ગરમીમાં પડ્યું હોય છે.

છંટાયેલા ઍસિડનાં ચાર ટીપાં જેમ ચહેરાના સમગ્ર રૂપને ગ્રસી લે છે એમ નાનો પણ ગુસ્સો ઘરના આખા શાંત વાતાવરણને ભરખી જાય છે. શહેરનું તાપમાન તો બધા માટે સરખું હોય છે પણ શબ્દોનું તાપમાન અસર લેનારી વ્યક્તિએ-વ્યક્તિએ બદલાય છે.

આ ચારથી બચવાની પ્રેરણા આપતો શ્લોક પણ આમ તો નાનો જ છેને! છતાં જીવનને બહુ મોટી આફતમાંથી બચાવે છે. આર્થિક, શારીરિક, આકસ્મિક અને કૌટુંબિક કલેશોની તકલીફોમાંથી જીવનને બચાવે એવી માર્મિક ટકોર એક નાનકડા નીતિવાક્યમાં છે. આવાં આર્ષ વચનો સ્વસ્થ જીવનની દીવાદાંડી બનતાં હોય છે. જીવનની વીમા-પૉલિસી જેવા સંદેશાઓને નજરઅંદાજ કરવાની ભૂલ ન થઈ શકે.

culture news life and style lifestyle news columnists exclusive gujarati mid day