08 December, 2025 02:45 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)
સામાન્ય રીતે એવું જોવામાં આવે છે કે જ્યારે પણ કોઈ વ્યક્તિ કોઈ સંત, મહાત્મા કે કોઈ આધ્યાત્મિક ગુરુને મળે છે ત્યારે તે પોતાનો અનુભવ વ્યક્ત કરતી વખતે કહે છે કે ‘આ મહાન આત્માઓના ચહેરા પર કેટલો આંતરિક સંતોષ, શાંતિ તેમ જ પવિત્રતાની રેખાઓ દેખાય છે.’ વાસ્તવમાં જોવા જઈએ તો આવી નિર્મળતા માત્ર એક અભ્યાસની ઊપજ નથી; પરંતુ લાંબા ગાળાના ધ્યાન, જ્ઞાન અને સ્વયંનિયંત્રણના પરિણામરૂપે જોવા મળે છે. આવા સંતોના જીવનમાં શ્રદ્ધા અને વિશ્વાસનું આગવું સ્થાન હોય છે જે તેમને કોઈ પણ પરિસ્થિતિમાં નિશ્ચિતતા અને સ્થિરતા તરફ દોરી જાય છે, પરંતુ આધુનિક જીવનના ચડાવ અને ઉતાર વચ્ચે જીવી રહેલી એક સામાન્ય વ્યક્તિ એવા આંતરિક સંતોષ અને શાંતિનાં કારણો વિશે કદાચ જ વિચાર કરતી હશે.
મનુષ્ય જ્યારે બધા જ પ્રકારની ચિંતાઓ, સાંસારિક પ્રાપ્તિઓ તેમ જ અધિકારોની ઇચ્છાથી ઉપરામ થઈ જાય છે ત્યારે જ ‘શાંતિ’નો જન્મ થાય છે. અને આ શાંતિ તેને એ સમયે મળે છે જ્યારે તે સંપૂર્ણપણે પોતાના આત્માના મૂળ સ્વરૂપને ઓળખે છે અને તેની સાથે એકરૂપ થાય છે. પરંતુ આ બધું ત્યારે જ સંભવ થઈ શકે છે જ્યારે કોઈ વ્યક્તિ અધ્યાત્મિક જ્ઞાનનો નિરંતર અભ્યાસ કરતી રહે, કારણ કે આધ્યાત્મિકતા વગર મનુષ્ય આંતરિક શાંતિનો નથી અનુભવ કરી શકતો અને નથી તે એને કાયમ રાખી શકતો.
આધ્યાત્મિક પ્રગતિ માત્ર વ્યક્તિગત લાભ માટે નથી, એ સમાજમાં પણ એક શાંતિપૂર્ણ અને સમાનતાભર્યું વાતાવરણ સર્જવા માટે અનિવાર્ય છે. જોકે સમસ્યા એ છે કે આધુનિક યુગમાં જીવનારા લોકો સામાન્ય રીતે એમ સમજે છે કે આધ્યાત્મિક જ્ઞાન રસપ્રદ નથી, કઠિન છે અને કેવળ શ્રદ્ધાનો વિષય છે અને મંત્રઉચ્ચારણ તથા કર્મકાંડ પર આધારિત છે. જોકે વાસ્તવિકતા એ નથી, કારણ કે આધ્યાત્મિક જ્ઞાન એટલું જ રસપ્રદ છે જેટલું કે અન્ય કોઈ જ્ઞાન હોય છે. એવી જ રીતે યોગ(ધ્યાન) પણ ન કોઈ કર્મકાંડ છે અને ન એને માટે કોઈ મંત્ર યાદ રાખવાની આવશ્યકતા છે. મનન કરવું, યાદ કરવું અને અનુભવ કરવું – આ જ સહજ યોગ છે અને એ ખરેખર એટલું જ સહજ છે. યોગ માત્ર શારીરિક વ્યાયામ નહીં પણ મન અને આત્માનું અનોખું મિલન છે જે જીવનને એક નવી દિશા આપવાનું શક્તિશાળી સાધન છે. હા, શરૂઆતમાં એને શીખવા માટેની તાલીમ લેવી આવશ્યક છે, પરંતુ અમુક સમયના અભ્યાસ બાદ મનુષ્ય સંતુષ્ટતા અને શાંતિરૂપી જીવનની અમૂલ્ય ભેટોની પ્રાપ્તિ આ સહજ યોગ દ્વારા ચોક્કસપણે કરી શકે છે.
આજના યુગમાં જ્યારે તનાવ અને અવ્યવસ્થા વધતાં જાય છે ત્યારે આધ્યાત્મિકતા માત્ર એક વિકલ્પ નહીં પણ આવશ્યકતા બની ગઈ છે. અતઃ મનુષ્યને માટે એ જરૂરી છે કે તે સર્વપ્રથમ આધ્યાત્મિકતાને પોતાના જીવનમાં ઉતારે અને ત્યાર બાદ તે સહજ યોગના માધ્યમ દ્વારા સાચા સુખ અને શાંતિને પ્રાપ્ત કરે.
- રાજયોગી બ્રહ્માકુમાર નિકુંજજી