જે સાંભળો એ કરવાનું શરૂ કરો તો ઘટના ઘટે અને તો જ સફળતા મળે

15 July, 2026 04:04 PM IST  |  Mumbai | Morari Bapu

આંખો ખોલવી વિચાર છે, આંખો બંધ કરવી વિશ્વાસ છે. આંખો ક્યારે ખોલવી અને આંખો ક્યારે બંધ કરવી એનું નામ પુરુષાર્થ છે

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

માનસના આધારે વ્યક્તિને ૩ રીતે સન્માન મળે.

પહેલું, પુરુષાર્થથી કશુંક કરી બતાવો. જેમ કે આપણી ભારતની ક્રિકેટ ટીમ અત્યારે જે રીતે ક્રિકેટજગતમાં રાજ કરે છે. સુનીતા વિલિયમ્સે જે રીતે અવકાશયાત્રા કરી. પુરુષાર્થ કરીને સફળતા મેળવો તો સન્માન મળે.

બીજું, કોઈ વિચારથી. કોઈ તેજસ્વી વ્યક્તિ પોતાના વિચારોથી દુનિયામાં પ્રકાશ ફેલાવે, દરેક શબ્દ પવિત્ર વિચારોથી પ્રકાશિત બને તેને સન્માન મળે. તમે જુઓ, શંકરાચાર્યજીએ શુભવિચારો આપ્યા અને વંદનીય બની ગયા. જીઝસ, મોહમ્મદ કેટલું ભણ્યા હતા? છતાં તેમણે અદ્ભુત વિચાર આપ્યા માટે સન્માનયોગ્ય બન્યા. શુભ વિચાર હંમેશાં સન્માન આપવાનું કામ કરે.

ત્રીજું અને અંતિમ કારણ. ઈશ્વર પર પૂરો વિશ્વાસ રાખો. તમે જુઓ, ઈશ્વર પર વિશ્વાસ અને શ્રદ્ધા રાખનારા કેટલા સંતો આજે પોતે પૂજાય છે. તેમણે બીજું કંઈ નહોતું કર્યું. તેમણે ભગવાન પર શ્રદ્ધા રાખી, તકલીફોમાં પણ શ્રદ્ધા અકબંધ રાખી અને ભગવાને એ વિશ્વાસને સાર્થક કરી દેખાડ્યો.

આંખો ખોલવી વિચાર છે, આંખો બંધ કરવી વિશ્વાસ છે. આંખો ક્યારે ખોલવી અને આંખો ક્યારે બંધ કરવી એનું નામ પુરુષાર્થ છે. ફક્ત વિચાર હશે, માણસ સન્માન દેશે; પરંતુ માણસ અકર્મણ્ય થઈ જશે. ફક્ત વિચારતા રહેશે તો કોઈ પરિણામ નહીં મળે. માણસના જીવનમાં વિચાર, વિશ્વાસ અને પુરુષાર્થ પણ હોય. આવી રીતે જેઓ જગતમાં ચાલતા રહેશે તેમને લોકો પ્રેમ આપતા રહેશે અને તેમને પણ સફળતા પ્રાપ્ત થશે.

રામાયણમાં સુગ્રીવ વિચાર કરે છે, પણ વિચારને આચરણમાં મૂકવામાં ઘણો સમય પસાર કરે છે. સામે હનુમાનજીને જુઓ. હનુમાનજી વિચારને તરત જ આચરણમાં મૂકી બતાવે છે. ઘણા લોકો માત્ર વિચાર જ કરે પણ કર્મ નથી કરતા. કર્મ ન કરે એ પણ યોગ્ય નથી. એટલે માનવી વિચારવાન બને અને સાથે-સાથે તે કર્મશીલ પણ બને.

એક માણસને તરતાં શીખવું હતું. શીખવનાર તેને એક મોટા તળાવ પાસે લઈ ગયો. એ જોઈને તે ગભરાઈ ગયો. શીખવનારે કહ્યું, ‘ઊતર પાણીમાં.’ 

પેલાએ જવાબ આપ્યો, ‘પહેલાં તરતાં શીખી જાઉં, પછી પાણીમાં ઊતરીશ. હમણાં ઊતરીશ તો ડૂબી જઈશ. મને પહેલાં તરતાં શીખવો.’ 

શીખવનારે કહ્યું, ‘પાણીમાં ઊતર્યા સિવાય તરવાનું કેમ શીખી શકશો? ઊતરવું તો પડશે જ. તો જ તરતાં શિખાશે.’ 

જીવનમાં સફળતા માટે અનેક વાતો, અનેક રત્નો મહાપુરુષો આપે છે. એનો જો અભ્યાસ કરવામાં આવે તો ઘણું થઈ શકે છે. જોકે માત્ર અભ્યાસથી નહીં ચાલે, એને આચરણમાં પણ મૂકવાનું રહેશે.

culture news life and style lifestyle news columnists Morari Bapu