✕

જ્યાં વેદ અને પ્રસ્વેદ છે ત્યાં જ સફળતા છે

30 September, 2026 02:45 PM IST  |  Mumbai | Morari Bapu

સફળતા બધા માટે સુલભ છે. એ માટે પાંચ બાબતોનો ખ્યાલ રાખવાનો છે. જીવનમાં સફળતા તેને મળે છે જેની પાસે વેદ હોય અને જેની પાસે પ્રસ્વેદ હોય

મોરારીબાપુ

સફળતા બધા માટે સુલભ છે. એ માટે પાંચ બાબતોનો ખ્યાલ રાખવાનો છે. જીવનમાં સફળતા તેને મળે છે જેની પાસે વેદ હોય અને જેની પાસે પ્રસ્વેદ હોય. આ જ સફળતાની ચાવી છે.
વેદનો અર્થ જાણકારી અને પ્રસ્વેદનો અર્થ પુરુષાર્થ છે. તમે લાખ પુરુષાર્થ કરો પણ જો તમારી પાસે જાણકારી ન હોય તો તમારો પુરુષાર્થ બે કોડીનો બની જાય છે. તમને એ પુરુષાર્થ કૂવામાં ફેંકી દે છે. આપણે યુવાન હોઈએ, પગમાં ખૂબ શક્તિ હોય, માઇલો ચાલી શકતા હોઈએ; પણ માર્ગની જાણકારી ન હોય તો ભટકી જવાના. તો બે વસ્તુથી - વેદ અને પ્રસ્વેદથી - સફળતા મળે છે. કોઈ પણ ક્ષેત્રમાં સફળ થવું હોય તો તમારી પાસે વેદ હોવો જોઈએ અને સાથે પ્રસ્વેદ એટલે કે પુરુષાર્થ પણ હોવો જોઈએ.
બીજા અર્થમાં કહું તો વેદનો અર્થ પ્રસાદ છે, એક પ્રકારનું બળ છે. એની જાણકારી કૃપાથી મળે છે. એ એક વરદાન છે અને એની સાથે હોય છે કર્તવ્ય કર્મ.
જ્યાં વેદ અને પ્રસ્વેદ છે ત્યાં સફળતા છે અને એમની સાથે ૩ વસ્તુ દૂર કરવી પડશે. તો જીવનનાં સત્રોને બરાબર સમજશો. 
૧. ભેદને દૂર કરવો પડે છે. 
૨. મનનો ખેદ દૂર કરવાનો હોય છે. રામચરિતમાનસમાં જેને ‘માનસ ખેદ’ કહે છે.
૩. ચારિયમાં કોઈ છેદ ન હોવો જોઈએ. 
જે છેદને દૂર કરશે તેની બુદ્ધિમાં ભેદ નહીં હોય. મનમાં ક્યાંય ખેદ ન હોય, આંખો સામે વેદ હોય અને પગમાં પ્રસ્વેદ હોય તો માણસ ધન્ય થઈ જાય છે. જે સાધક આને પોતાના જીવનમાં શીખી લે છે તે માણસ ધન્ય થઈ જાય છે અને જીવનમાં પરમની ઉપલબ્ધિ પ્રાપ્ત કરી લે છે.
ઉપરના ત્રણને દૂર કરવા માટે તમારે ઊડવું પડશે. તમે જેટલું ઊડશો એટલો જ તમારો વિકાસ થવા માંડશે અને તમે પોતે જ કોઈના મૂળને નિર્મૂળ કરતાં ભૂલી જશો. કૂવામાં જુઓ. વધારે ઊંડો કૂવો હશે તો નીચે પોતાને નહીં જોઈ શકાય. આકાશમાં જોશો તો તારાઓ દેખાશે. આંખનો મહિમા તો જુઓ! 
તમે અને હું જ્યારે નીચે જોઈએ છીએ ત્યારે એટલું નહીં દેખાય, પરંતુ રાત્રે જ્યારે ઉપર જોઈશું તો બહુ દૂર સુધી જોઈ શકાશે. આંખ ઉપર તો ઘણું સરસ દેખાય છે, નીચે જ ગરબડ થાય છે. આસપાસ પણ ન જુઓ. જ્યારે જુઓ ત્યારે અનંત આકાશને જુઓ, જેને શાસ્ત્રની ભાષામાં ‘વિકાસ આયામ’ કહેવાય છે. જેનાં મૂળ ઉપર છે, ડાળી જેની નીચે છે અને ડાળી એટલા માટે નીચે આવે છે કે આપણે એને, ડાળીઓને પ્રાપ્ત કરી શકીએ. ઉપર મૂળમાંથી આવેલી નીચેની શાખાને જે પકડી લે છે, એ શાખા પકડવાથી એની શિખાને પકડી લે છે એટલે કે શિખર પર ચડી જાય છે.

lifestyle news life and style culture news Morari Bapu