24 March, 2026 01:34 PM IST | Mumbai | Jainacharya shree Udayvallabhasuri
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
થોડા વખત પહેલાં એક જૂની તસવીર જોવા મળી. ઐતિહાસિક સંદર્ભ અને મહત્ત્વ ધરાવતી એ તસવીરમાં નવા લોકશાહી દેશ ભારતનો પાયો નાખતી એ ક્ષણ કેદ થઈ હતી. સરદાર પટેલ, બલદેવ સિંહ, રાજકુમારી અમૃતકૌર તથા કેટલાક અન્ય નેતાઓ ભારતના નવા બંધારણ પર ૧૯પ૦ની ૨૪ જાન્યુઆરીએ હસ્તાક્ષર કરી રહેલાં એ તસવીરમાં ઝિલાયાં હતાં.
લોકશાહી એક સાવ નવો જ વિચાર હતો. આમ તો ઈસવીસન પૂર્વે પાંચમી સદીમાં ઍથેન્સમાં જન્મેલો આ વિચાર છે. અઢારમી અને ઓગણીસમી સદીમાં અમેરિકામાં અને વીસમી સદીમાં એણે ભારતમાં પણ મૂળિયાં નાખ્યાં હતાં. લોકશાહીની સાથે જ એક નવી જીવનશૈલી, વિચારશૈલી અને શાસનપદ્ધતિની આ દેશને ભેટ મળી. હકથી મળતા રાજ્યને જતું કરીને પિતાના વચન ખાતર વનવાસ લેનારા રામની કર્તવ્યનિષ્ઠા આ નવા બંધારણમાં ગૌણ થઈ અને નાગરિકોના હક, અધિકારો મુખ્ય થયા. દેખાવે ખૂબ રૂપકડું લાગતું આ બંધારણ અધિકારોની જાગીરી લઈને નાગરિકોને ન્યાલ કરી દેતું લાગ્યું, પણ એનાં કટુ પરિણામો વિશે ત્યારે અંદાજ નહીં હોય. વૃદ્ધ મા-બાપે પણ ભરણપોષણ મેળવવા દાવો દાખલ કરવો પડે અને કોઈ વિધર્મી સાથે સહમતીથી ભાગીને લગ્ન કરી લેતી પુખ્ત કન્યા સામે મા-બાપો લાચાર બની બેસે છે. બાળકનું પણ શોષણ કે ઇચ્છા-વિચ્છેદ ન થાય એનું વધુપડતું ધ્યાન રાખવામાં એક પારંપરિક સંસ્કાર સત્ય વિલોપાયું.
પોતપોતાની મરજી મુજબના ધર્મના આચાર-પ્રચારનું સ્વાતંત્ર્ય આપવામાં પણ જબરી કુનેહ (!) જોવા મળે છે. ભારતીય બંધારણના શરૂઆતના આર્ટિકલ્સમાં વેશ, વ્યાપાર આદિના અધિકારો આપતી વખતે ‘એવરી સિટિઝન’ એવા શબ્દથી પ્રારંભ થતો જોવા મળે છે. ધાર્મિક આચાર-પ્રચારનું સ્વાતંય આપતા આર્ટિકલ ૨૬ની શરૂઆત ‘એવરી સિટિઝન’થી નહીં પણ ‘એવરી પર્સન’થી થાય છે. એકધારા પ્રવાહમાં ચાલતા ડ્રાફ્ટિંગમાં આવો શબ્દફેર કેમ? બહારથી આવીને ખ્રિસ્તી મિશનરીઝને અહીં પોતાના ધર્મનો પ્રચાર કરવાનું બંધારણીય કવચ અહીં અપાયેલું તો નથીને? કારણ કે એ લોકો ‘સિટિઝન’ નથી પણ ‘પર્સન’ છે. કેરલમ, નાગાલૅન્ડ, સિક્કિમ જેવાં રાજ્યોમાં સ્વતંત્રતા બાદના સેન્સસને ધ્યાનથી જોતાં ઘણું સમજાઈ જશે. આ માટે અરુણ શૌરી લિખિત ‘મિશનરીઝ ઇન ઇન્ડિયા’ વાંચવાની ભલામણ કરું છું.
ભારતના બંધારણને સૈકાઓથી ચાલ્યા આવતા રીતરિવાજો (બધા નહીં તો પણ ઘણાખરા) સાથે સંગતિ રહે એવું બંધારણ ઘડાયું હોય તો દર ૯૦ દિવસે એક એટલા બંધારણીય સુધારાઓ આ ૭પ વર્ષમાં ન કરવા પડ્યા હોત. ભારતનું ઇન્ડિયનાઇઝેશન કરનારા બંધારણનું સંપૂર્ણ ભારતીયકરણ કરવું અનિવાર્ય બનતું જાય છે. વિદ્વાનો, કાયદાવિદો, વિચક્ષણો આમાં અજાણતાં રહી ગયેલી કોઈ ક્ષતિ જણાય તો એને દરગુજર કરીને પણ આ દિશામાં જરૂરથી સક્રિય વિચારમંચની રચના કરે.