12 December, 2024 01:29 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
બીજે બધેથી રાગ ખેંચી લઈને કોઈ પણ જગ્યાએ; કોઈ પણ કાળે; કોઈ પણ પ્રાણી, પદાર્થ કે ક્રિયામાં આસક્તિ રાખ્યા વિના એકમાત્ર શ્રીહરિમાં જ સમર્પણભાવથી સૌથી અધિક સ્નેહ બાંધવો એનું નામ ભક્તિ. આ દુનિયામાં પ્રેમ કરવાયોગ્ય એક શ્રીહરિ જ છે. બીજી જગ્યાએ કરેલો પ્રેમ મોહ છે, પ્રેમ નથી. એટલે કે અનેક વાર આવો પ્રેમ દુઃખનું કારણ બને છે. શ્રીહરિ આવી અનન્ય પ્રેમભક્તિથી વશ થાય છે. ભક્ત ભગવાનમાં બધું જુએ છે અને ભગવાન ભક્તમાં બધું જુએ છે.
જ્યારે બધી વસ્તુ ભગવાનની છે ત્યારે ચિંતા કે મમતા રાખવાનું સ્થાન જ ક્યાં છે? આપણે કોઈ વસ્તુ આપણી પોતાની ન હોવા છતાં એના પર મમતા રાખી શકીએ? જીવ અજ્ઞાનવશ જેના પર પોતાનો અધિકાર નથી એને પોતાના ગણીને એને મમતાપૂર્વક વળગી પડે છે અને છેવટે જે વસ્તુ એની નથી તે વસ્તુ ભગવાન લઈ લે છે ત્યારે જીવ ધમપછાડા કરે છે. સમજપૂર્વક ‘કોઈ વસ્તુ મારી નથી’ એવો પાકો નિશ્ચય થશે તો કદી ચિંતા સતાવશે નહીં એટલે જે વસ્તુ જેની છે તેને જ એ વસ્તુ અર્પણ કરીને ચિંતામુક્ત બનવું.
મમતાભાવ છોડવો હોય તો આપણે જે કોઈ વસ્તુ ઉપયોગમાં લેવાની હોય એને પ્રથમ શ્રીહરિને અર્પણ કરવી અને પછી જ તેમના તરફથી મળેલી પ્રસાદીરૂપે એનો ઉપભોગ કરવો. ‘આ વસ્તુ મારી છે, હું એનો સંપૂર્ણ માલિક છું, હું એનો ઉપભોગ કરવા માટે અધિકારી છું અને ગમે ત્યાં ગમે ત્યારે હું સ્વેચ્છા ઉપભોગ કરવા માટે અધિકારી છું’ એમ કદી માનવું નહીં. આપણા જીવનના અધિકારરૂપ એક શ્રીહરિ છે. તેમની જ આ બધી વસ્તુઓ છે, તે જ સાચો માલિક છે એટલે જે કંઈ આપણે ભોગવીએ એ તેમની જ કૃપાનું ફળ છે એવી ભાવના જાગ્રત રાખીને વ્યવહાર કરવાથી સ્વાભાવિક રીતે અહંતા-મમતાનો નાશ થશે અને જીવ શોક, મોહ, લોભ વગેરેથી મુક્ત થશે.
એક બાજુ ભગવાનની સેવા કરીએ, ભગવાન ખાતર બધી બાહ્ય ક્રિયાઓ થતી રહેતી હોય છતાં જો મન સંસારાક્ત હોય તો ભગવાનનાં દર્શનનો લાભ આપણને મળતો નથી. ખરી રીતે તો મન સંસારના સઘળા પદાર્થો પરથી ઉપરામ પામી જવું જોઈએ. લૌકિકના વિચાર ક્યાંય પણ મનમાં ઘુસાડવા નહીં. માત્ર શ્રીહરિના સુખનો વિચાર કરવો. ભગવાન આનંદ સ્વરૂપ છે, તેમની સેવા કરવાથી હંમેશાં આપણે આનંદિત જ રહેવાનું છે. લૌકિક વસ્તુઓના અભાવમાં દીન બનવાનું નથી, ક્લેશ કરવાનો નથી. જો લૌકિક ચિંતા થઈ, ક્લેશ થયો તો નક્કી માનવું કે ભગવત્સેવા છૂટી ગઈ. ભગવત્સેવા કરનાર કદી શોકમગ્ન બનતો નથી. દરેક અવસ્થામાં તેને આનંદ હોય છે, કેમ કે આનંદરૂપ પ્રભુ તેના હૃદયમાં બિરાજે છે, તેની તદ્દન નજીક છે.
- વૈષ્ણવાચાર્ય ૧૦૮ શ્રી પૂજ્ય દ્વારકેશલાલજી મહારાજશ્રી