દૂધ-દહીં સાથે લડ્ડુથી ખેલાય છે અહીં હોળી

10 March, 2025 06:57 AM IST  |  Mumbai | Alpa Nirmal

ભરતપુરના સ્થાનિક લોકો કહે છે કે નાગાબાવાનું ગાડું અહીં રોકાઈ ગયું અને તેઓ તો અકિંચન હતા.

હોળી

હોલિકાદહનની વાર્તા તો આપણને ખબર છે. અસુર રાજા હિરણ્યકશ્યપનો પુત્ર પ્રહલાદ વિષ્ણુનો પરમ ભક્ત હતો. આથી તેને મારી નાખવાના એક પ્રયત્નરૂપે રાજાની બહેન હોલિકા (જેને ભડભડતા અગ્નિમાં પણ ન બળવાનું વરદાન હતું) ભત્રીજાને લઈને બેઠી ને તેની ફરતે આગ લગાવાઈ જેથી પ્રહલાદ બળીને ભસ્મ થઈ જાય અને તેનો અંત આવે. પરંતુ પ્રભુકૃપાએ ઊલટું થયું. ન દાઝવાનું વર પામેલી હોલિકા અગ્નિમાં ભસ્મીભૂત થઈ ગઈ અને બાળ પ્રહલાદ હેમખેમ રહ્યો.

વેલ, આ સ્ટોરી તો બરાબર, પણ આ ઘટના ઘટી ક્યાં? તો એક સ્ટડી કહે છે કે મધ્ય પ્રદેશના ઝાંસી પાસે આવેલા એરચમાં આ ઘટના બની હતી, જેની સાબિતીરૂપે આજે પણ અહીં એ ચબૂતરો છે અને એની બાજુમાં હોલિકાનું મંદિર છે. ઇતિહાસવિદ કહે છે, ‘હોલિકાદહનની ઘટના બાદ આ સ્થાને જ વિષ્ણુ નરસિંહરૂપે પ્રગટ થયા હતા અને હિરણ્યકશ્યપનો વધ કર્યો હતો. રાક્ષસનો નાશ કર્યા બાદ પણ તેમનો ક્રોધ શાંત થયો નહીં ત્યારે ભક્ત પ્રહલાદે તેમને  શાંત પાડ્યા અને દેવ અને દાનવો વચ્ચે સંધિ કરાવી. એ સંધિના પરિપાકરૂપે
સુર-અસુરોએ એકબીજાને ગુલાલથી તિલક કર્યું. ત્યારથી હોળીદહન સાથે રંગોથી રમવાની પ્રથા શરૂ થઈ.’

જોકે મેવાડના એક સ્કૉલર અનુસાર આ આખીયે ઘટના રાજસ્થાનના જાવર ગામે ઘટી હતી. ઉદયપુરથી ૪૦ કિલોમીટર દૂર અમદાવાદ-ઉદયપુર હાઇવે પાસે આવેલા જાવરમાં આજે પણ એક પહાડી પર હિરણ્યકશ્યપના મહેલનું ખંડેર ઊભું છે. તેઓ દાવો કરે છે કે કેટલાંય વીઘાંમાં ફેલાયેલા આ મહેલમાં જ પ્રહલાદનો જન્મ થયો હતો અને હોલિકાદહનનો બનાવ પણ અહીં જ બન્યો હતો. અહીંના ગ્રામીણો કહે છે, ખૂબ પ્રાચીન કાળથી આ સ્થળે વિષ્ણુ ભગવાનનું મંદિર છે. એની સામે એક ધૂણી છે. ત્યાં જ હોલિકા પ્રહલાદને લઈને બેઠી હતી. મંદિરની નજીકમાં એક જળકુંડ પણ છે. એના વિશે કહેવાય છે પ્રહલાદે અગ્નિજ્વાળામાંથી નીકળી ત્યાં સ્નાન કર્યું હતું.

ખેર, કઈ કથા સાચી, કેટલી સાચી એનાં પારખાં યોગ્ય વ્યક્તિઓ કરશે. આપણે તો ઊપડીએ ભરતપુરના બાંકેબિહારીજી મંદિરમાં, જ્યાંની જન્માષ્ટમી તથા રંગપંચમીની ઉજવણી અનોખી છે.

ઉત્તર પ્રદેશની સરહદને અડેલું ભરતપુર હાલમાં યુનેસ્કો હેરિટેજ પ્લેસ કેવલાદેવ રાષ્ટ્રીય ઉદ્યાન અને બર્ડ સૅન્ક્ચ્યુઅરી માટે પ્રસિદ્ધ છે પણ ૧૮મી સદીમાં આ સ્થળ લોહાગઢના કિલ્લા માટે જાણીતું હતું. આમ તો જાટ રાજવી સૂરજમલે બનાવેલા આ કિલ્લાની પૂર્વે પણ દસમી સદીથી આ નગરનું અસ્તિત્વ હતું જ. જુઓને, સ્વયંભૂ બાંકેબિહારીજી પણ ૬૦૦ વર્ષથી અહીં બિરાજે જ છેને.

આ લોહાગઢવાસીઓના પ્રિય બાંકેબિહારીજીની પ્રાગટ્યકથા પણ કાફી દિલચસ્પ છે. એનાં મૂળિયાં યમુનાજી અને વૃન્દાવન સાથે જોડાયેલાં છે. અહીંના પૂજારી જણાવે છે કે ૬૦૦ વર્ષોથી પણ પૂર્વે કલ્યાણગિરિ ચિંતામણિ નામે નાગાબાબા શ્રીનાથના પરમ ભક્ત હતા. તેઓ દરરોજ વ્રજની ચોર્યાસી કોસની પરિક્રમા કરતા. શ્રીકૃષ્ણનાં પગલાંથી પાવન થયેલી ભૂમિ પર અસંખ્ય ઝાડીઝાંખરાં સહિતના પથરાળ માર્ગ પર પરમાત્માનું નામસ્મરણ કરતાં-કરતાં ૮૪ કોસ એટલે ઑલમોસ્ટ અઢીસો કિલોમીટરની પગપાળા યાત્રા નિયમિતરૂપે કરતા. પરિક્રમા દરમિયાન એક દિવસ આ નાગાબાબાની લાંબી જટ્ટાઓ કાંટાળા થોરમાં ફસાઈ ગઈ, જે કેમે કરીને નીકળે નહીં. ત્યારે કહે છે કે કૃષ્ણ સ્વયં એક કિશોરરૂપે પ્રગટ થયા અને બાબાને મદદ કરવા લાગ્યા. મોહનના ભક્ત સાધુ બાબા પારખી તો ગયા કે આ તો મારા વહાલા પ્રભુજી છે. છતાંય તેમને ચૅલેન્જ કરી કે જો તમે સાચે શ્રીકૃષ્ણ હો તો મારા ખોળામાં પધારો. આ પ્રસંગ બાદ એક દિવસ કલ્યાણગિરિ સાધુ યમુનાજીમાં સ્નાન કરી રહ્યા હતા ત્યારે નહાતા નહાતા બાંકેબિહારીની પ્રતિમા તેમના ખોળામાં આવી ચડી. નાગાબાબાએ ભગવાનની ભક્તિનું ફળ સમજી એ રાખી લીધી અને બળદગાડા દ્વારા વૃન્દાવનથી આગળ નીકળી પડ્યા.

સાધુઓનું કોઈ કાયમી સરનામું તો હોય નહીં. ગાડું પોતાની મરજીથી જયે રાખતું હતું. બાબા કૃષ્ણ નામસ્મરણમાં ગુલતાન હતા. ત્યાં અચાનક એક દિવસ આ જ સ્થળે જ્યાં આજે બિહારીજી બિરાજમાન છે ત્યાં આવી ગાડાનાં પૈડાં રોકાઈ ગયાં. નાગા સાધુએ એને પણ હરિઇચ્છા સમજી બાંકેજીને અહીં સ્થાપિત કરી દીધા. ત્યારથી શ્યામ પથ્થરમાંથી નિર્મિત ખાસ અદામાં ઊભેલા બાંકેબિહારીજી રાધારાની સાથે અહીં બિરાજે છે.

ભરતપુરના સ્થાનિક લોકો કહે છે કે નાગાબાવાનું ગાડું અહીં રોકાઈ ગયું અને તેઓ તો અકિંચન હતા. આથી તેમણે એ વિગ્રહ ત્યાંના રાજાને આપી દીધું હતું અને પછી
રાજા-મહારાજાઓ જ તેમનાં દર્શન કરી શકતા. ધીરે-ધીરે આ પ્રથા બંધ થઈ અને આમ જનતા માટે પણ આ મંદિર ખુલ્લુ મુકાયું. એમાંય રાણા સૂરજમલે તો મંદિરનો વ્યાપ વધાર્યો. એને ભવ્ય બનાવડાવ્યું અને કહે છે કે તેમણે જ અહીં હોળી દરમિયાન ઊજવાતો બ્રજ મહોત્સવ શરૂ કરાવ્યો. જોકે અહીંના પૂજારીઓને ખ્યાલ નથી કે ક્યારથી આ પરંપરા ચાલુ થઈ, પણ એ હકીકત છે કે દરેક વર્ષે અહીં આ ઉત્સવમાં નવા-નવા કાર્યક્રમો ઉમેરાય છે અને આખો જલસો ભવ્ય થતો જાય છે.

હવે વાત કરીએ વ્રજ મહોત્સવની તો જ્યારે તમે આ લેખ વાંચતા હશો ત્યારે ઑલરેડી અહીં મહોત્સવનું મંગલાચરણ થઈ ગયું હશે. આખા કાર્યક્રમની વાત કરતાં પૂર્વે એ જણાવીએ કે અહીં થતો વ્રજ મહોત્સવ ફક્ત શ્રી બાંકેબિહારીજી મંદિર પૂરતો સીમિત નથી. ભરતપુરનાં અન્ય મંદિરો, કિલ્લાઓને પણ એમાં જોડવામાં આવે છે. આખાય જશ્નની શરૂઆત ઐતિહાસિક સ્થળ ડીગ પૅલેસથી થાય છે. ૧૭મી સદીમાં બનેલા આ લક્ઝુરિયસ મહેલમાં ભારતીય પારંપરિક ખેલોત્સવ યોજાય છે. રસ્સીખેંચ, કબડ્ડી, લીંબુ-ચમચી રેસ સાથે મેંદી, રંગોળી, ચિત્રકળાની સાથે મૂછની અને સાફા બાંધવાની પણ પ્રતિયોગિતા થાય છે. રમત-ગમતની સાથે રાજસ્થાન અને વ્રજ સંસ્કૃતિને ઉજાગર કરતી રાસલીલા, મયૂર નૃત્ય, કલબેલિયા નૃત્ય જેવા કાર્યક્રમ પણ ખરા જ. જોકે ઉત્સવનો બીજો દિવસ અતિ મહત્ત્વનો હોય છે. આ વર્ષે ૧૦ માર્ચની સવારે ભરતપુરના ગોકુલચંદ્રમા મંદિરમાં ગુલાલ હોળીથી શરૂઆત કર્યા બાદ ઘેરૈયાઓ અને ભક્તોની ટોળી મદનમોહન મંદિરમાં કુંજ ગુલાલ હોળી રમશે અને પછી શરૂ થશે આ તહેવારનું મુખ્ય આકર્ષણ દૂધ, દહીં, લડ્ડુ હોળી.

યસ, રાધાવલ્લભ મંદિરમાં દૂધ, દહીં, લાડવાથી ખેલાતો હોળી ઉત્સવ જોવા લોકલ તો ખરા જ પણ ભારતનાં અન્ય રાજ્યોના કૃષ્ણભક્તો, સહેલાણીઓ તેમ જ વિદેશીઓ પણ હજારોની સંખ્યામાં જોડાય છે. દૂધ, દહીં ભરેલાં સેંકડો માટલાંમાંથી ભક્તો ઉપર દૂધ-દહીંની છોળો ઉડાડાય છે, પિચકારી ભરી પલાળવામાં આવે છે અને લાડુઓની વર્ષા કરવામાં આવે છે. (અમુક વર્ગને આ પરંપરા ખાધાખોરાકીનો વેસ્ટેજ લાગશે પણ હકીકતે આ પરંપરા કાનુડા પ્રત્યેનો પ્રેમ દર્શાવે છે, આપણે જોયું હશે કે ખૂબ મહેનત કરી ઉચ્ચ ડિગ્રી મેળવતા યુવાનિયાઓ ખુશી પ્રદર્શિત કરવા કૅપ હવામાં ઉછાળે છે. બસ, એવા જ અનહદ ઉમંગે અહીં દૂધ, દહીં, લાડુ ઉછાળાય છે). બ્રજ સંગીત ગાતા-ગાતા અહીં હાજર સમસ્ત ભક્તો આ માહોલમાં એવા રમમાણ થઈ જાય છે જાણે ખરેખર કૃષ્ણ હાજર હોય અને આપણે તેની સાથે જ ફાગણલીલા ખેલતાં હોઈએ એવી અનુભૂતિ થાય છે.

લાડુ, દૂધ, દહીં હોળી ખેલ્યા બાદ શરૂ થાય છે લઠ્ઠમાર હોળી. ગોપીનાથજી મંદિરથી શરૂ થતી શોભાયાત્રામાં દેશનાં વિવિધ નૃત્યો, ભવાઈ, બૅન્ડ, શહનાઈવાદન સાથે સ્ત્રીઓના લઠ્ઠ (કાપડ વીંટાળેલી વાંસની લાકડી)થી બચવા ઢાલ સાથે ચાલતા પુરુષો આખી શોભાયાત્રાને જીવંત બનાવી દે છે. આ યાત્રામાં વિવિધ રચનાઓ સાથે ઠાકુર ગોપીનાથજીની પણ ઝાંકી હોય છે. આખીયે યાત્રા લઠ્ઠમાર હોળી
ખેલતાં-ખેલતાં શ્રી રાધાવલ્લભ મંદિર પહોંચે છે. એક બાજુ ફૂલો-ફુવારાઓથી સમસ્ત વાતાવરણ રંગીન અને મહેકી ઊઠે છે તો મ્યુઝિક અને લઠ્ઠમારથી વાઇબ્રન્ટ થઈ જાય છે. આખા દિવસની જોશીલી ધમ્માલ પછી વિમલકુંડમાં મહાઆરતી અને દીપદાન બાદ ઉત્સવના બીજા દિવસનું સમાપન થાય છે. ત્રીજા દિવસે અગેઇન ખેલોત્સવ યોજાય છે અને દરેક સ્પર્ધાના વિજેતાને ઇનામો અપાયા બાદ બ્રજ મહોત્સવ પૂર્ણ થાય છે.

જોકે મહોત્સવ પૂર્ણ થયા હોવા છતાં દરેક મંદિરમાં ધુળેટીના દિવસ સુધી ભગવાન અને ભક્તોને ફૂલો, રંગો, સુગંધિત જળથી હોલી ખેલાવાય છે. રાજસ્થાન આમેય સંસ્કૃતિથી સમૃદ્ધ રાજ્ય છે. એમાંય રંગોનો આ તહેવાર તો એવો આનંદદાયક છે કે એક વખત જેણે અનુભવ કરી લીધો તે વારંવાર અહીં આવવા ચાહે છે. અરે, વ્રજોત્સવની વાતો કરવામાં શ્રી બિહારી મંદિરની વિશેષતાઓ જણાવવાનું રહી જ ગયું. હા, તો વિશાળ પરિસરમાં ફેલાયેલું બંસીપુર પહાડના પથ્થરમાંથી નિર્મિત આ મંદિર હજી વિસ્તરણ પામી રહ્યું છે. જોકે અંદરનું દેવાલય રાજવીઓની હવેલી જેવું છે જેની મધ્યમાં બાંકેબિહારી અને ધાતુનાં રાધારાણીની બ્યુટિફુલ મુરત છે. રંગમંડપમાં અન્ય દેવી-દેવતાઓ પણ ઉપસ્થિત છે. અન્ય કૃષ્ણ મંદિરની જેમ સમયે-સમયે ભોગ આરતી વગેરે કરવામાં આવે છે. ભાવિકો, બિહારીજીનાં દર્શને જાઓ ત્યારે મંદિરના ટાઇમિંગ ચેક કરી લેજો.

મુંબઈથી ભરતપુરનું ડિસ્ટન્સ બારસો કિલોમીટર છે પણ ડાયરેક્ટ ટ્રેન હોવાથી રેલવે સબસે સસ્તા, સુગમ ઔર સરલ વિકલ્પ છે. છતાં હવાઈ યાત્રા કરવી જ હોય તો ફ્લાય ટુ ઉદયપુર અથવા જયપુર અને ત્યાંથી બાય રોડ ભરતપુર. દેશી-વિદેશી પર્યટકોમાં આ શહેર લોકપ્રિય હોવાથી અહીં રહેવા-જમવાના ઘણા ઑપ્શન છે. બાંકેબિહારી મંદિરથી ફક્ત ત્રણથી પાંચ કિલોમીટરમાં
ગેસ્ટહાઉસ, જંગલ લૉજ, ફાર્મ સ્ટે, રિસૉર્ટ્‍સ અને લક્ઝરી હોટેલ્સ છે. અને રાજસ્થાનમાં યાતાયાત માટે રિક્ષા-ગાડીઓની તો તમને ખબર જ છે. એક જોઈતી હોય તો દસ મળી જાય. હા, સીઝન દરમ્યાન તેઓ માગે એટલા પૈસા આપવા તૈયાર રહેવું પડે. એ જે હોય તે, જીવનમાં એક વખત રાજસ્થાનની રિચનેસ માણવા જેવી તો ખરી જ. એમાંય અહીંની હોળી-ધુળેટી તો ખૂબ ચોખી (આઉટસ્ટૅન્ડિંગ) સે.

પૉઇન્ટ‍્સ ટુ બી નોટેડ

સ્થાન ભારતનું બિગેસ્ટ રાજ્ય છે. અહીંના દરેક પ્રાંતની સંસ્કૃતિ, કળા, રિવાજોમાં વિવિધતા છે. આથી ઉત્સવોની ઉજવણીની રીતોમાં પણ ભિન્નતા જોવા મળે છે. આ વેરિએશન જ રાજસ્થાનને રંગીન બનાવે છે.

ભરતપુરમાં આગળ જણાવ્યાં એ મંદિરો ઉપરાંત લક્ષ્મણ મંદિર, શ્રી ગંગા મહારાણીનું મંદિર, આદિ બદરીનાથ ધામ મસ્ટ ગો પ્લેસ છે. તો કેવલાદેવ નૅશનલ પાર્ક, ભરતપુર મ્યુઝિયમ તેમ જ ડીગ પૅલેસ, લોહાગઢ ફોર્ટ, બયાના કિલ્લો, કિશોરી મહલ રાજસી વૈભવનાં પ્રતીક છે.

આ તો જસ્ટ જાણ ખાતર કે ભરતપુર રાજસ્થાનનું શહેર ખરું, પણ ઉત્તર પ્રદેશની યુનેસ્કો વર્લ્ડ સાઇટ ફતેહપુર સીકરી અહીંથી ફક્ત ૨૩ કિલોમીટર, આગરા ૫૬ કિલોમીટર અને વૃન્દાવન-મથુરા માત્ર ૪૦ કિલોમીટર દૂર છે.

life and style culture news photos festivals