10 March, 2025 06:56 AM IST | Prayagraj | Gujarati Mid-day Correspondent
શ્રી નાથેશ્વર મહાદેવ મંદિરમાં ભક્તો તાળું લગાડીને માનતા માને છે અને ઇચ્છા પૂરી થઈ જાય ત્યારે પાછા આવીને તાળું ખોલીને લઈ જાય છે: મંદિરમાં પચાસેક હજાર તાળાં લાગેલાં છે
ઉત્તર પ્રદેશના પ્રયાગરાજના મધ્યમાં એક નાની ગલીમાં એક પ્રાચીન શિવમંદિર છે. આ મંદિરમાં નજીકથી અને દૂરથી ભાવિકો આવે છે અને ફૂલ, પ્રસાદ સાથે તાળું ચડાવે છે. તાળું ચડાવતી દરેક વ્યક્તિ મનમાં કંઈ ને કંઈ ઇચ્છા રાખે છે અને એ ઇચ્છાની પૂર્તિ માટે તાળું ચડાવે છે.
જો વ્યક્તિની ઇચ્છા પૂરી થાય તો એ તાળું ખોલવા માટે અને એ તાળાને ઘરે લઈ જવા માટે તે પાછી મંદિરમાં આવે છે. જોકે તાળું લગાવવા માટે આ મંદિરમાં જગ્યા શોધવી એ મુશ્કેલ કાર્ય બની શકે છે, કારણ કે આ મંદિરમાં આવનારને મંદિરમાં ચારે તરફ ફક્ત તાળાં જ નજરે પડે છે.
આ મંદિરને શ્રી નાથેશ્વર મહાદેવ મંદિર કહેવામાં આવે છે અને સ્થાનિક લોકો બોલચાલની ભાષામાં મંદિરને તાલેવાલે મહાદેવ તરીકે ઓળખે છે. મહાકુંભ વખતે અન્ય રાજ્યોના ભાવિકો અને કેટલાક પોલીસ-કર્મચારીઓએ પણ પોતાની ઇચ્છાઓની પૂર્ણતા માટે અહીં તાળું લગાવ્યું હતું.
મંદિરમાં ચળકતાં તાળાંઓની હરોળ દેખાય છે જેમાંનાં ઘણાં પર નામ કોતરેલાં છે. મંદિરના ગર્ભગૃહની દીવાલો પર ચોતરફ ફક્ત તાળાં જ જોવા મળે છે.
આશરે ૫૦,૦૦૦ તાળાં
આ મંદિરમાં કેટલાં તાળાં લગાવવામાં આવ્યાં છે એની કોઈ ગણતરી કરવામાં આવી નથી, પણ મંદિરના મહંત શિવમ મિશ્રાનું કહેવું છે કે આશરે ૫૦,૦૦૦ તાળાં તો હશે જ. ભારતના ખૂણે-ખૂણેથી ભાવિકો તેમની ઇચ્છાઓની પૂર્તિ માટે અહીં તાળું લગાવવા આવે છે. ભારતના લગભગ દરેક રાજ્યમાંથી ભાવિકો અહીં આવે છે અને રોજ આશરે ૧૦૦થી ૧૫૦ નવાં તાળાં લગાવવામાં આવે છે. આ મહંતે દાવો કર્યો હતો કે એક વ્યક્તિ થાઇલૅન્ડથી અને એક વ્યક્તિ યુનાઇટેડ કિંગડમથી અહીં આવી હતી અને તેણે તાળું લગાવ્યું છે.
આ મંદિર ખૂબ પ્રાચીન છે અને ગર્ભગૃહની પાછળની દીવાલ પર જડેલો ખૂબ જૂનો શિલાલેખ છે. મહંતે જણાવ્યું હતું કે મંદિરની ચોક્કસ ઉંમરની અમને ખબર નથી એથી હું ઉત્તર પ્રદેશ સરકારને વિનંતી કરું છું કે તેઓ મંદિરના પથ્થરોનો આર્કિયોલૉજિકલ સ્ટડી કરાવે, જેનાથી મંદિરની ઉંમર ખબર પડી શકે. આ મંદિર સ્થાનિક ભાવિકોમાં ખૂબ જ લોકપ્રિય છે અને રોજ સાંજે આરતી માટે ઘણા લોકો એમાં ભાગ લેતા હોય છે.
આ મંદિર પ્રયાગરાજના મુઠ્ઠીગંજ વિસ્તારની એક ગલીમાં આવેલું છે અને જમીનના નાનકડા પ્લૉટ પર કૉન્ક્રીટથી બાંધવામાં આવ્યું છે. આ મંદિર ગંગા, યમુના અને પૌરાણિક સરસ્વતી નદીના પવિત્ર ત્રિવેણી સંગમથી આશરે ૬ કિલોમીટર દૂર છે.
૨૦૨૦માં જીર્ણોદ્ધાર થયો
આ મંદિરમાં સૌથી પહેલાં કોણે તાળું માર્યું હતું અને અહીં તાળાં લગાવવાની શરૂઆત ક્યારથી થઈ એ વિશે પૂછતાં મહંત શિવમ મિશ્રાએ પોતાનો મોબાઇલ ફોન કાઢીને થોડાં વર્ષ પહેલાંના ફોટો અને વિડિયો બતાવ્યા અને મંદિર કેવું દેખાતું હતું એ દર્શાવ્યું. તેઓ મંદિરની ગલીમાં જ રહે છે. તેમણે કહ્યું, ‘૨૦૨૦માં આ મંદિર સારી સ્થિતિમાં નહોતું, પણ ભગવાનની કૃપા અને ઘણા ગુરુઓના આશીર્વાદ અને માર્ગદર્શનથી એના જીર્ણોદ્ધારનું કામ શરૂ થયું હતું. ૨૬ ફેબ્રુઆરીએ મહાશિવરાત્રિએ કુંભમેળાના છેલ્લા દિવસે મંદિરમાં રુદ્રાભિષેક અને મહાઆરતી યોજાઈ હતી જેમાં અનેક ભાવિકો જોડાયા હતા.’
પહેલું તાળું કોણે લગાવ્યું એ સવાલના જવાબમાં મહંત મિશ્રા કહે છે, ‘મેં ૨૦૨૩માં પહેલું તાળું લગાવ્યું હતું અને પછી સંખ્યા વધવા લાગી હતી. એના કારણે આ મંદિરને તાલેવાલે મહાદેવનું ઉપનામ મળ્યું હતું.’
સાધનામાં મળ્યો આદેશ
તાળાં લગાવવાના મુદ્દે મહંત શિવમ મિશ્રા કહે છે, ‘હું દર વર્ષે એક વાર નેપાલ જાઉં છું અને કાઠમાંડુના પશુપતિનાથ મંદિરમાં પ્રાર્થના કરું છું. મારી સાધના દરમ્યાન મને પશુપતિનાથ તરફથી આ દિવ્ય આદેશ મળ્યો હતો એટલે મેં પહેલું તાળું લગાવ્યું હતું. હવે દર મહિને કોઈ પણ જાતની ઇચ્છા રાખ્યા વિના હું એક તાળું લગાવું છું. ૨૦૨૩માં લગભગ ૧૫૦ તાળાં હતાં. ઘણાં તાળાં ખોલી નાખવામાં આવ્યાં છે જેનો અર્થ છે કે ભાવિકોની ઇચ્છા પૂરી થઈ છે.’
લોકો ઇચ્છા જાહેર કરતા નથી
રોજ કેટલા લોકો તાળાં ખોલવા આવે છે એવા સવાલના જવાબમાં મહંત શિવમ મિશ્રા કહે છે, ‘૮૦ ટકા લોકો તાળાં ખોલી નાખ્યા બાદ તેમની કઈ ઇચ્છા પૂરી થઈ છે એ કહેતા નથી. તાળાંની સંખ્યા અતિશય વધારે હોવાથી ક્યારેક ભક્તો તેમણે લગાવેલું તાળું શોધી શકતા નથી. એવા કેસમાં અમે મહાદેવ પાસે ક્ષમા માગીએ છીએ અને તેમને ચાવીઓ જમા કરાવવા કહીએ છીએ.
આટલી મોટી સંખ્યામાં તાળાંઓ જોઈને ક્યારેક એવું લાગે કે ભાવિક જાણે જિજ્ઞાસાની દુકાનમાં આવ્યો હોય. કોઈ તાળું ગોલ્ડન માછલીના આકારમાં છે તો કોઈ પર ભગવાન ગણેશની મૂર્તિ છે. ઘણાં તાળાં ખુલ્લાં જ હોય છે અને એમાં ચાવી પણ હોય છે. આવાં તાળાં ભાવિકો ઇચ્છાપૂર્તિ માટે નહીં પણ ભોલેબાબાના શ્રૃંગાર માટે ચડાવે છે.’
ઑનલાઇન સર્વિસ
મહંત શિવમ મિશ્રા કહે છે કે દૂર રહેતા ભાવિકો અહીં આવી શકતા ન હોય તો તેઓ તેમના નામ પર તાળું લગાવવા ઑનલાઇન અરજી કરી શકે છે.