01 February, 2026 02:38 PM IST | Mumbai | Aashutosh Desai
આદિ શંકરાચાર્યની ઓમકારેશ્વર નજીક આવેલી ૧૦૮ ફીટ ઊંચી પ્રતિમા
માઘમેળામાં મૌની અમાસના દિવસે થયેલા વિવાદ પછી સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીને ઉત્તરાખંડના જ્યોતિર્મઠના શંકરાચાર્યની પદવી કઈ રીતે મળી એ સવાલ ફરી ઊભો કરવામાં આવ્યો છે ત્યારે આદિગુરુ શંકરાચાર્યએ સનાતન ધર્મની રક્ષા અને એના પ્રચાર-પ્રસાર માટે સ્થાપેલા મઠ અને એ દરેકના શંકરાચાર્યની ભૂમિકાઓ વિશે જાણવા જેવું છે
ત્રીજી જાન્યુઆરીએ તીર્થોના રાજા એવા પ્રયાગરાજમાં ત્રિવેણી સંગમ પર માઘમેળાની શરૂઆત થઈ હતી. ૧૫ ફેબ્રુઆરી સુધી ચાલનારો આ મેળો ભારતવર્ષના અનેક શ્રદ્ધાળુઓને આકર્ષી રહ્યો છે. રોજ હજારો શ્રદ્ધાળુઓ આ મેળામાં ભાગ લેવા અને પવિત્ર સંગમમાં સ્નાન કરવા પ્રયાગરાજ પહોંચી રહ્યા છે, પરંતુ લાખોના માનવમહેરામણ વચ્ચે મેળામાં ૧૮ જાન્યુઆરીએ મૌની અમાસના દિવસે એક અણગમતી ઘટના બની ગઈ.
ઉત્તરાખંડના જ્યોતિર્મઠના શંકારાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી પોતાની પાલખીમાં બેસીને સમર્થકો સાથે સંગમતટ પર સ્નાન કરવા જઈ રહ્યા હતા ત્યારે તેમને અટકાવવામાં આવ્યા. મૌની અમાસને કારણે સ્નાન કરવા માટે ખૂબબધા લોકો આવ્યા હતા એટલે પાલખીને લીધે સ્ટૅમ્પીડ થઈ શકે એવી શક્યતા વ્યક્ત કરીને મેળાના પ્રશાસન દ્વારા સ્વામીજીને પગપાળા આગળ જવાનું કહેવામાં આવ્યું, જેનું તેમને અને તેમના ભક્તોને ખૂબ માઠું લાગ્યું. સ્વામીજી આ બાબતનો વિરોધ કરવા ધરણાં પર બેસી ગયા. સ્વામીજી અને મેળા-પ્રશાસન સામસામે આવી ગયાં. સ્વામીજીએ આ મામલામાં ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ સામે પણ તીર તાક્યું, સામે યોગીજીએ પણ સ્વામીજી સાચા સાધુ છે કે નહીં એના વિશે આડકતરી ટિપ્પણી કરીને બળતામાં ઘી હોમ્યું.
સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીના શંકરાચાર્યપદની યોગ્યતાનો મુદ્દો સુપ્રીમ કોર્ટમાં છે એટલે મેળાના પ્રશાસને તેમની પાસે શંકરાચાર્યની પદવી કઈ રીતે મળી એનો પુરાવો માગ્યો એનાથી વિખવાદ વધી ગયો. સ્વામીજી આખરે માઘમેળામાં સ્નાન કર્યા વગર બુધવારે વારાણસી તેમના મઠમાં જતા રહ્યા અને ત્યાંથી તેમણે યોગી આદિત્યનાથને પોતાને સાચા હિન્દુ પુરવાર કરવાનો પડકાર ફેંક્યો. ગોમાતાને ૪૦ દિવસમાં રાજ્યમાતા જાહેર કરીને ઉત્તર પ્રદેશમાંથી ગોમાંસની નિકાસ બંધ કરાવવાની ચેતવણી સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીએ યોગી આદિત્યનાથને આપી છે. તેમણે એવી પણ ચેતવણી આપી છે કે આ માગણીઓ પૂરી ન થઈ તો લખનઉમાં ૧૦-૧૧ માર્ચે સંતસંમેલન બોલાવવામાં આવશે.
તો શિયાળાની ઋતુમાં ગરમાયેલા આ મામલા વચ્ચે ચાલો આપણે પહેલાં એ જાણવાનો તો પ્રયત્ન કરીએ કે સનાતન ધર્મમાં શંકરાચાર્યની પદવી કેમ આટલીબધી મહત્ત્વની છે? ભારતમાં આ પરંપરા ક્યારથી અને કઈ રીતે શરૂ થઈ? અચ્છા, એમાં વળી નવા શંકરાચાર્યની પદવી કોઈ ચોક્કસ વ્યક્તિને જ મળશે એવું કઈ રીતે નક્કી થાય છે? અને ધારો કે નક્કી થયું તો શંકરાચાર્યનું કામ શું હોય છે?
ભારત વર્ષની આ પવિત્ર ભૂમિ પર આઠમી સદીમાં એક મહાન અને દૂરંદેશી યુગપુરુષ થઈ ગયા. જેમને આપણે આદિગુરુ શંકરાચાર્ય તરીકે ઓળખીએ છીએ. ભારતીય વેદશાસ્ત્રના પ્રકાંડ પંડિત અને સનાતન ધર્મનો વારસો આખાય ભારતવર્ષમાં ઉજાગર કરનારા આદિગુરુ શંકરાચાર્યજીએ અનેક હિન્દુ શ્લોકો, મંત્રો, શાસ્ત્રો અને સાહિત્યની રચના કરી છે. રાજા રવિ વર્માએ તેમનાં અનેક તૈલચિત્રો પણ બનાવડાવ્યાં હતાં. આપણને કોઈ પૂછે કે સનાતન ધર્મમાં આદિગુરુ શંકરાચાર્યનું શું યોગદાન છે? તો આંગળીના વેઢે કે આપણી મર્યાદિત સમજ દ્વારા એ ગણાવવું પણ મુશ્કેલ છે. છતાં પ્રયત્ન કરી જોઈએ તો આદિગુરુએ બ્રહ્મસૂત્ર, ભગવદ્ ગીતા અને પ્રમુખ દસ ઉપનિષદોનાં ભાષ્ય આપ્યાં છે. તેમના આ યોગદાનને કારણે સનાતની પેઢીઓ માટે વેદાંતનું જ્ઞાન સરળ અને સુલભ થયું. આ સિવાય દેવી-દેવતાઓની સ્તુતિ, અનેક કાવ્યાત્મક સ્તોત્રની રચના કરી જેમાં કનકધારા, શિવ પંચાક્ષર સ્તોત્ર, શિવાષ્ટકમ, શિવ સ્વરમાળા જેવા અનેક ગણાવી શકાય. ભક્તિ અને દર્શનના એ અદ્ભુત ખજાનાએ ભારત વર્ષને એટલું સમૃદ્ધ કર્યું છે કે આટલી સમૃદ્ધિ કદાચ બીજા કોઈ દેશ કે કોઈ ધર્મ પાસે નથી. ત્યાર બાદ પ્રકરણ ગ્રંથોને કઈ રીતે ભુલાય. વિવેક ચૂડામણિ, આત્મબોધ, અપરોક્ષાનુભૂતિ અને ઉપદેશસહસ્ત્રી જેવા સનાતન ધર્મમાં આજે અતિ મહત્ત્વપૂર્ણ ગણાતા એવા અનેક ગ્રંથોની તેમણે રચના કરી હતી. આ બધાંય પુસ્તકો દ્વારા તેમણે અદ્વૈત દર્શનના સિદ્ધાંતો સ્પષ્ટ કર્યા. અને દાર્શનિક સમન્વય? તેમનો દાર્શનિક સમન્વય જાણીએ તો આપોઆપ આદિગુરુનાં ચરણોમાં નતમસ્તક થઈ જવાય. હિન્દુ ધર્મના વિભિન્ન સંપ્રદાયો જેમાં શૈવ, વૈષ્ણવ, શાક્ત વગેરેને એકીકૃત કર્યા અને પંચાયતન પૂજાવિધિની પણ સ્થાપના કરી; જેને કારણે સનાતન હિન્દુ ધર્મમાં એ સત્ય સ્થાપિત થઈ શક્યું કે દરેક દેવી અને દેવતા એક જ બ્રહ્મનાં રૂપ છે અને આ બધાં મહાન કાર્યો સિવાય તેમણે સનાતન હિન્દુ ધર્મની જાળવણી, રક્ષા અને ઉન્નતિ હેતુ ભારત વર્ષની ચારેય દિશાઓમાં ચાર મઠોની સ્થાપના કરી હતી, જેના વિશે આપણે બધા જ જાણીએ છીએ. આ ચાર મઠો એટલે શૃંગેરી, દ્વારકા, પુરી અને જોશીમઠ. આ ચારેય મઠોની સ્થાપના પાછળનો મુખ્ય ઉદ્દેશ હતો અદ્વૈત વેદાંતના જ્ઞાનના પ્રસાર અને પ્રચારનો સુવ્યવસ્થિત માર્ગ પ્રશસ્ત કરવાનો.
ટૂંકમાં સનાતન હિન્દુ ધર્મ સંસ્કૃતિના મહાન યુગપુરુષ આદિ શંકરાચાર્યજીએ સ્વરચિત કૃતિઓ અને શિક્ષણ દ્વારા સનાતન ધર્મ અને સંસ્કૃતિને પુનર્જીવિત કરી અને અદ્વૈત વેદાંતના દાર્શનિક આધારને સુદૃઢ કર્યો હતો, આ જ્ઞાન એ સમયે જેટલું શાશ્વત હતું એટલું જ આજે પણ છે.
ભારતવર્ષમાં મુખ્ય ચાર મઠો છે જેની સ્થાપના સ્વયં આદિગુરુ દ્વારા કરવામાં આવી હતી જેમાં ભારતની પૂર્વમાં આવેલા પુરીમાં ગોવર્ધન મઠ છે. એના વર્તમાન શંકરાચાર્ય છે સ્વામી નિશ્ચલાનંદ સરસ્વતી. ત્યાર બાદ દક્ષિણમાં કર્ણાટક રાજ્યમાં આવેલી શૃંગેરી શારદા પીઠમના મઠાધીશ શંકરાચાર્ય છે ભારતી તીર્થ સ્વામી. એ પછી આ તરફ પશ્ચિમમાં આવીએ તો ગુજરાતના દ્વારકામાં આવેલી દ્વારકા શારદાપીઠના શંકરાચાર્ય છે સ્વામી સદાનંદ સરસ્વતી અને ઉત્તરમાં આવેલા જોશીમઠમાં જે ચોથો મઠ છે એ જ્યોતિર્મઠના શંકરાચાર્ય તરીકે હાલ સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી છે. તેમના શંકરાચાર્ય પદ વિશે હજીયે વિવાદ ચાલે છે અને મામલો સુપ્રીમ કોર્ટમાં છે.
તો હવે સ્વાભાવિક રીતે જ પ્રશ્ન એ થાય કે મામલો કોર્ટમાં ગયો શા માટે? આ ચારેય મઠોમાં શંકરાચાર્યની નિમણૂક કઈ રીતે થાય છે? શું એની કોઈ નિશ્ચિત પદ્ધતિ કે નિયમો છે? જી હા, શંકરાચાર્યની વરણી એટલે એમ સમજો કે જાણે મઠાધીશ તરીકે ઉત્તરાધિકારીની વરણી કરવી. હવે જો મઠોની સ્થાપના એક ચોક્કસ હેતુથી થઈ હોય અને એના દ્વારા ચાલતી પ્રવૃત્તિ આખાય સમાજને દોરવણી આપનારી સાબિત થવાની હોય તો સ્વાભાવિક છે કે એ વિશેના નિર્ણયો પણ ચોક્કસ આધાર પર થાય.
સૌપ્રથમ વાર જ્યારે આદિગુરુ શંકરાચાર્યજીએ ચાર મઠોની સ્થાપના કરી ત્યારે તેમણે પોતાના સૌથી શ્રેષ્ઠ અને પ્રકાંડ પંડિત એવા ચાર મુખ્ય શિષ્યોને આ ચારેય મઠોના મઠાધીશ તરીકે એટલે કે શંકરાચાર્ય તરીકે નીમ્યા. પદ્મપાદ, હસ્તમલક, સુરેશ્વરા અને તોટકા. જેને કારણે આમ જોવા જઈએ તો આ મઠોમાં વરણીને આધારે પહેલી વાર ગુરુ-શિષ્ય પરંપરાનો આરંભ થયો હતો. શંકરાચાર્યજીના નિધન બાદ તેમના સૌથી યોગ્ય શિષ્યને આ પદ મળે એવી પરંપરા ચાલતી રહી, પરંતુ તેનો અર્થ એ નથી કે શંકરાચાર્યના શિષ્ય હોય એટલે મઠાધીશનું પદ મળી જાય. એ માટે યોગ્યતા સાબિત કરવી અનિવાર્ય છે અને એના નિયમો પણ અત્યંત કઠણ છે. દક્ષિણમાં શૃંગેરી શારદાપીઠનો ભાર સંભાળ્યો પદ્મપાદજીએ. પશ્ચિમમાં દ્વારકા શારદાપીઠનું ઉત્તરદાયિત્વ સોંપાયું હસ્તમલક સ્વામીજીને. ત્યાર બાદ પૂર્વ તરફ મુખ કરીએ તો પુરી ગોવર્ધન પીઠના શંકરાચાર્ય બન્યા સ્વામી સુરેશ્વરા અને જ્યોતિષ બદ્રીનાથ પીઠ એટલે કે ઉત્તરમાં આજે જે જોશીમઠ તરીકે પ્રસિદ્ધ છે એના શંકરાચાર્ય થયા તોટકાચાર્યજી.
આ ચાર સૌથી પહેલા શંકરાચાર્ય. પછી ગુરુ-શિષ્ય પરંપરા અંતર્ગત મઠાધીશના દેહત્યાગ બાદ તેમના સૌથી યોગ્ય અને કાબેલ શિષ્યને મઠના શંકરાચાર્ય તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. એ સાથે જ આ નિયુક્તિ માટેના માટે નિયમો અને વ્યવસ્થા પણ બનવવામાં આવી. આ નિયમો, સિદ્ધાંત અને વ્યવસ્થાનું બંધન જે ગ્રંથમાં કરવામાં આવ્યું એ ૭૩ શ્લોકોના ગ્રંથને મઠાન્માય અથવા મઠામાન્ય મહાનુશાસન કહેવામાં આવે છે.
૭૩ શ્લોકોના આ ગ્રંથમાં શંકરાચાર્ય પદ માટેની સૌથી પહેલી શરત એ છે કે જે-તે પાત્ર સંન્યાસી અને બ્રાહ્મણ હોવો જોઈએ એટલું જ નહીં, એ સંન્યાસી દંડ ધારણ કરવાવાળો હોવો જોઈએ. હવે દંડધારણ એટલે શું? માત્ર હાથમાં વાંસની લાકડી પકડી લેવાથી જે-તે સંન્યાસી દંડધારક નથી થઈ જતો. તમામ ઇન્દ્રિયો પર નિયંત્રણ, તન અને મન બન્નેથી પવિત્ર હોવું અત્યંત આવશ્યક છે. હજી આટલું ઓછું હોય એમ સૌથી કપરી શરત એ છે કે જે-તે દંડધારક સંન્યાસી વાગ્મી હોવો જોઈએ. વાગ્મી અર્થાત? તેને ચારેય વેદનું અને છએ છ વેદાંગોનું સંપૂર્ણ જ્ઞાન હોય એવો વિદ્વાન હોવો જોઈએ. તો વળી પાછો પ્રશ્ન એ આવે કે ચાર વેદ અને વેદાંગમાં વિદ્વાન છે એ કઈ રીતે નક્કી થાય? તો એ માટે સંન્યાસીએ વેદ અને વેદાંગના બીજા વિદ્વાન સંત, મહાત્મા અને પ્રકાંડ પંડિતો સાથે શાસ્ત્રાર્થ કરવો પડે છે. એ શાસ્ત્રાર્થમાં પોતાની નિપુણતા સાબિત કર્યા બાદ જ તેને વેદ અને વેદાંગના જાણકાર વિદ્વાન હોવાની માન્યતા પ્રાપ્ત થાય છે.
આટલી પરીક્ષાઓ પછી પણ સનાતન ધર્મ સંસ્કૃતિની આખરી પરીક્ષા તો હજી બાકી છે. એ આખરી પરીક્ષા એટલે સનાતન ધર્મ સંસ્કૃતિના મુખ્ય તેરેતેર અખાડાના પ્રમુખ, આચાર્ય મહામંડલેશ્વર અને સંતોની સભામાં તે સંન્યાસીએ પોતાની યોગ્યતા સાબિત કરવાની અને તેમની સહમતી મેળવવાની. જો તેમની આ આખરી સંમતિ પ્રાપ્ત થાય તો ત્યાર બાદ કાશી એટલે કે વારાણસીની વિદ્વત પરિષદ તે સંન્યાસીને મઠના શંકરાચાર્ય તરીકે આરૂઢ કરવાની પરવાનગી આપે છે. આ રીતે કોઈ એક મઠના શંકરાચાર્ય તરીકે પદભાર સંભાળ્યા પછી તે સંન્યાસી દસનામી સંપ્રદાયમાંથી કોઈ પણ એક સંપ્રદાય પદ્ધતિએ પોતાની સાધના શરૂ કરે છે.
પરંતુ જે રીતે એક બાપની વારસાઈ મેળવવા માટે તેનાં સંતાનોમાં હુંસાતુંસી થતી હોય છે એ જ રીતે શંકરાચાર્યની પદવી પણ એનું માહાત્મ્ય ધીરે-ધીરે ખોવા માંડી અને બદલાવ કંઈક એવા થયા કે જે ઇચ્છનીય અને સર્વસ્વીકાર્ય નહીં રહ્યા. જેમ કે દસનામી સંપ્રદાયના મહંત અને મહામંડલેશ્વર દ્વારા નિયુક્તિ થતી હતી એ ધીરે-ધીરે પરંપરા તૂટી અને મઠોના મઠાધીશ શંકરાચાર્ય પોતે જ પોતાના ઉત્તરાધિકારીના નામની ઘોષણા કરવા માંડ્યા એટલું જ નહીં, કેટલાક શંકરાચાર્યએ તો પોતાની વસિયત બનાવી અને એમાં ઉત્તરાધિકારીના નામનો ઉલ્લેખ કર્યો. પરિણામ એ આવ્યું કે મઠાધીશના નિધન બાદ શંકરાચાર્યના પદને લઈને વિવાદ શરૂ થઈ ગયા. એથીયે આગળ એનું વરવું સ્વરૂપ એ આવ્યું કે બીજી અનેક પીઠો સ્થાપિત થવા માંડી. અને કેટલાકે તો જાતે જ પોતાને શંકરાચાર્ય ઘોષિત કરવા માંડ્યા. કંઈક આવો જ કિસ્સો સ્વામી અવિમુક્તેશ્વરાનંદજી સાથે થયો છે જેને કારણે વિવાદ અને ચર્ચા એટલાં વધી ગયાં કે આખરે મામલો કોર્ટમાં પહોંચ્યો અને કોર્ટે હસ્તક્ષેપ કરવો પડ્યો. સાચું કહીએ તો આ વર્ષો પુરાણી અને યથાયોગ્ય પુરવાર થયેલી પરંપરા તૂટી ભારતમાં અંગ્રેજોનું શાસન આવ્યા બાદ, જેને કારણે મોટા ભાગના અખાડા અને કાશીની વિદ્વત પરિષદની ભૂમિકા નગણ્ય રહી જવા પામી.
આ ચારેય મઠોને સનાતન ધર્મના ધર્મ અને અધ્યાત્મના શિક્ષણ માટેની સૌથી મોટી સંસ્થા ગણવામાં આવે છે. એનું શિક્ષણ અને કાર્ય બન્ને ગુરુ-શિષ્ય પરંપરાથી ચાલે છે. આ સિવાય આ ચારેય મઠો દ્વારા અનેક સામાજિક કાર્યો પણ કરવામાં આવતાં હોય છે. ઉત્તરાખંડના બદ્રીનાથમાં સ્થિત જ્યોતિર્મઠ અંતર્ગત અથર્વવેદને રાખવામાં આવ્યો છે. જ્યોતિર્મઠનું મહાવાક્ય છે, ‘અયમાત્મા બ્રહ્મ!’ આ મઠના ૪૪મા મઠાધીશ હતા સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતી. અને તેમના દેહત્યાગ બાદ ૪૫મા શંકરાચાર્ય તરીકે સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી આવ્યા, પરંતુ તેમની વરણી પર ૨૦૨૨થી લઈને આજ સુધી અનેક પ્રશ્ન ઊઠતા રહ્યા છે. આ ચર્ચા એટલી ચાલી કે મામલો છેક સુપ્રીમ કોર્ટ સુધી લઈ જવાયો છે.
ત્યાર બાદ દક્ષિણમાં સ્થિત શૃંગેરી મઠ અંતર્ગત યજુર્વેદ રાખવામાં આવ્યો છે. ચિકમગલુરમાં સ્થિત આ મઠનું મહાવાક્ય છે, ‘અહં બ્રહ્માસ્મિ!’ જેના વર્તમાન એટલે કે ૩૬મા શંકરાચાર્ય સ્વામી ભારતી તીર્થ છે.
ત્યાંથી પૂર્વમાં આવીએ તો ગોવર્ધન મઠ કે જે ઓડિશાના પુરીમાં સ્થિત છે અને એની અંતર્ગત ઋગ્વેદ રાખવામાં આવ્યો છે. આ મઠનું મહાવાક્ય છે ‘પ્રજ્ઞાનં બ્રહ્મ!’ અને એના હાલના ૧૪૫મા મઠાધીશ તરીકે સ્વામી નિશ્ચલાનંદ સરસ્વતી જવાબદારી સંભાળે છે.
અને પશ્ચિમમાં ગુજરાતના દરિયાકાંઠે સ્થિત દ્વારકાનો શારદામઠ અંતર્ગત સામવેદ રાખવામાં આવ્યો છે. દ્વારકા મઠનું મહાવાક્ય છે ‘તત્ત્વમસિ!’, જેના વર્તમાન ૭૯મા શંકરાચાર્ય તરીકે આરૂઢ થયા સ્વામી સદાનંદ સરસ્વતી.
આ ચારેય મઠોના મઠાધીશને સનાતન ધર્મના સૌથી મોટા ગુરુ માનવામાં આવે છે. કંઈક એમ સમજો કે બૌદ્ધ ધર્મમાં દલાઈ લામા અને ખ્રિસ્તી ધર્મમાં જે રીતે પોપને સર્વોપરી ગણાય છે એ જ રીતે સનાતન ધર્મમાં આ ચારેય શંકરાચાર્યને સૌથી મોટા ગુરુ ગણવામાં આવે છે. આ મઠોના રચયિતા આદિગુરુ શંકરાચાર્યને આપણે જગતગુરુ તરીકે માન આપીએ છીએ. કહેવાય છે કે સમસ્ત હિન્દુ ધર્મ આ ચારેય મઠો અંતર્ગત આવે છે. આવી માન્યતાનું એક મુખ્ય કારણ એ છે કે સમગ્ર સનાતન ધર્મ ચારે વેદોમાં સમાહિત છે અને ચારેય વેદ અને એની સંસ્કૃતિના સંરક્ષણ, પ્રસાર અને પ્રચારની જવાબદારી આ મઠો પર છે. એક માન્યતા એવી પણ છે કે હિન્દુ ધર્મમાં માનનારી કોઈ પણ વ્યક્તિએ જેણે આ મઠમાંથી જ્ઞાન અને દીક્ષા મેળવી હોય તેને જ પોતાના ગુરુ બનાવવા જોઈએ.
ભારત પુરાણકાળથી અધ્યાત્મ અને યોગનો દેશ રહ્યો છે. સાથે જ વિશ્વામિત્ર, વશિષ્ઠ જેવા મહર્ષિ હોય કે ચાણક્ય જેવા મહાજ્ઞાની, ભારતના ઇતિહાસે એ સિદ્ધ કર્યું છે કે જો પ્રદેશના શાસકને સંત, મહાત્માનો ગુરુ તરીકે સાથ, પ્રેરણા અને જરૂરી માર્ગદર્શન મળતું રહે તો તે શાસક એક મહાન શાસક હોવાનું ઉદાહરણ પૂરું પાડી શકે છે. સાથે જ આવા ગુરુઓ દેશ અને પ્રજા બન્નેની ઉન્નતિનો માર્ગ પ્રશસ્ત કરે છે. આ ઉદ્દેશ્ય અને હેતુને આગળ વધારતા આ મઠોમાં અનેક શાસ્ત્રાર્થ, સામાજિક ઉત્થાન, વેદજ્ઞાન, આધ્યાત્મ અને યોગ જ્ઞાન, સમાજ સુવ્યવસ્થા અને પ્રકૃતિ સંરક્ષણ માટેનાં કાર્યો થતાં હોય છે.
જ્યોતિર્મઠના વર્તમાન શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી સાથે કોઈ એક નહીં પણ અનેક વિવાદો સંકળાયેલા છે. સૌથી પહેલાં બે જૂથની વાત કરીએ તો સ્વામીજીની તરફેણમાં વાત કરનારું જૂથ કહે છે કે સ્વામીજીને કાશીની વિદ્વત પરિષદ દ્વારા શંકરાચાર્યની પદવી માટે પ્રમાણપત્ર અપાયું હતું. તો બીજું તેમની વિરુદ્ધમાં બોલતું જૂથ કહે છે કે ૨૦૨૨માં અવિમુકેતશ્વરાનંદના ગુરુ સ્વામી સ્વરૂપાનંદનું નિધન થયું ત્યાર પછીથી અવિમુક્તેશ્વરાનંદ કહેવા માંડ્યા છે કે સ્વરૂપાનંદજીએ જાતે જ તેમના ઉત્તરાધિકારીનું નામ જણાવ્યું હતું, પરંતુ આ પદના સાચા અધિકારી સ્વામી સદાનંદ સરસ્વતી છે.
હવે જોવા જેવી વાત એ છે કે ૧૯૪૧માં બ્રહ્માનંદજી શંકરાચાર્ય હતા ત્યારે તેમણે એવું નિવેદન કર્યું હતું કે શંકરાચાર્યની નિયુક્તિમાં અખાડાઓની એક અત્યંત મહત્ત્વની અને મુખ્ય ભૂમિકા છે. અને બ્રહ્મલીન શંકરાચાર્યના કહી જવાથી કે બનાવી દેવાથી કોઈ શંકરાચાર્ય નથી બની જતું. એથી સાવ ઊલટું, અવિમુક્તેશ્વરાનંદના ગુરુભાઈ એવા સ્વામી સુબોધાનંદ કહે છે કે અખાડા પરિષદને કોઈ હક નથી શંકરાચાર્યની નિયુક્તિ કરવાનો. મામલો આખરે કોર્ટમાં પહોંચ્યો અને જ્યોતિર્મઠના મઠાધીશ તરીકે સત્તાવાર પટ્ટાભિષેક ત્યારથી અટકી પડ્યો છે. જોકે અવિમુક્તેશ્વરજીના હિમાયતીઓ કહે છે કે સ્વરૂપાનંદજીની ભૂસમાધિ થવા પહેલાં જ અવિમુક્તેશ્વરાનંદજીનો જ્યોતિર્મઠના મઠાધીશ તરીકે અને દ્વારકા મઠના મઠાધીશ તરીકે સ્વામી સદાનંદજીનો પટ્ટાભિષેક થઈ ચૂક્યો હતો.