06 November, 2024 03:21 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
ઇન્દ્રને આવેલા અભિમાનને દૂર કરવા માટે ભગવાન શ્રીકૃષ્ણએ લોકોને નવા પ્રકારના જે યજ્ઞો કરવા માટે પ્રેર્યા એ ત્રણ યજ્ઞોની વાત આપણે કરી, પણ સાથોસાથ શાસ્ત્રોમાં જે યજ્ઞો દેખાડ્યા છે એનું પણ મહત્ત્વ ભગવાન શ્રીકૃષ્ણએ ભગવદ્ગીતામાં બતાવ્યું છે.
બ્રહ્માજીએ સૃષ્ટિનું સર્જન કર્યું ત્યારથી લઈને અત્યાર સુધી માનવજીવનના ઉત્કર્ષ માટે બ્રહ્માજીએ જે શ્રેષ્ઠ સાધન મનુષ્યને બતાવ્યું એનું નામ યજ્ઞ. હા, યજ્ઞ. આ યજ્ઞ શબ્દ ભલે લખવામાં નાનો લાગે, પણ એનો અર્થ બહુ વિશાળ છે. યજ્ઞ એટલે માત્ર હોમ-હવન નહીં, પણ આ જે હોમ-હવન છે એ પણ યજ્ઞનો એક ભાગ છે. યજ્ઞ માટે શાસ્ત્રોમાં અનેક સ્તુતિઓ છે અને એનું વિશાળ વર્ણન પણ છે. યજ્ઞ એ ભગવાન વિષ્ણુનું સ્વરૂપ છે.
શ્રીમદ ભગવદ્ગીતામાં ભગવાન વિષ્ણુના, ભગવાન નારાયણના ચોવીસ અવતારની જે વાત છે એમાં એક યજ્ઞ-પુરુષ ભગવાનના અવતારની પણ કથા છે. યજ્ઞનો શાસ્ત્રોક્ત અર્થ થાય છે યજન. સમગ્ર સૃષ્ટિના કલ્યાણ માટે થઈને પ્રેમપૂર્વક, કરુણાપૂર્વક, વિશુદ્ધ મનથી કરવામાં આવતી પ્રવૃત્તિને યજ્ઞ કહી શકાય. એટલે જ આપણે ત્યાં નેત્ર-યજ્ઞ અને નિદાન-યજ્ઞ જેવા શબ્દો આવ્યા છે. ભૂખ્યાને ભોજન કરાવવું એ પણ યજ્ઞ છે અને આગળ કહ્યું એમ હોમ-હવન પણ યજ્ઞનો જ એક પ્રકાર છે. ભગવાન શ્રીકૃષ્ણ કહે છે કે તમે યજ્ઞ દ્વારા દેવતાઓને ઉન્નત કરો, સમૃદ્ધ કરો, પ્રસન્ન કરો. તમારા યજ્ઞથી પ્રસન્ન થયેલા દેવતાઓ તમને ઇચ્છિત ભોગ પ્રદાન કરશે. સૂર્યદેવતા, ચંદ્રદેવતા, અગ્નિદેવતા, વાયુદેવતા, પ્રકૃતિનાં બધાં તત્ત્વો જેનાથી આપણું જીવન ચાલે છે એ તમામ તત્ત્વો દેવતા છે, એમનું આપણે પૂજન કરવું રહ્યું. એ દેવતાઓને નિમિત્તે અગ્નિમાં આહુતિ અપાય છે અને એ આહુતિમાં જે દ્રવ્યો-હવ્યો હોમવામાં આવે છે એ અગ્નિદેવતા સુધી પહોંચાડે છે એવું શાસ્ત્રોનું કથન છે. ભગવાન શ્રીકૃષ્ણ ભગવદ્ગીતામાં કહે છે કે તમારા યજ્ઞ દ્વારા પ્રસન્ન થયેલા દેવતાઓ તમને ઇચ્છિત ભોગ આપશે.
એ પાણી વરસાવશે એને કારણે અન્ન ઉત્પન્ન થશે. એ અન્નને કારણે પ્રાણીઓનું જીવન ચાલશે. આ વાયુદેવતા તમારા પ્રાણને ટકાવી રાખવા માટે પ્રાણવાયુ બનીને તમારી અંદર આવશે. વરુણદેવતા આકાશમાંથી વરસશે. જળ તમારા માટે જીવન છે. ધરતી તેમને ધારણ કરશે. એ ધરતીની પૂજા કરો. જોકે પછી ભગવાન શ્રીકૃષ્ણ ગીતામાં સમજાવે છે કે દેવતાઓ દ્વારા પ્રાપ્ત થયલા ભોગને પુનઃ દેવતાઓને આપ્યા વિના જે એકલા ભોગવે છે તે ચોર છે અને એટલા માટે દેવતાઓની કૃપાથી જે કંઈ પ્રાપ્ત થયું છે એને પાછું યજ્ઞ દ્વારા તેમના માટે વાપરવાનું. હવે મળીએ ત્યારે આ વાતને દૃષ્ટાંત સહિત સમજાવીશ. ત્યાં સુધી જય શ્રીકૃષ્ણ.
-ભાઈશ્રી રમેશભાઈ ઓઝા