બોલો, માતા ભીમેશ્વરી કી જય

28 June, 2026 09:03 PM IST  |  Mumbai | Alpa Nirmal

વૈદિક ગ્રંથો અનુસાર જેઠ સુદ અગિયારસે અન્ન અને પાણી વગરનો ઉપવાસ કરવાથી વર્ષભરની એકાદશી કર્યાનું પુણ્ય પ્રાપ્ત થાય છે.

બોલો, માતા ભીમેશ્વરી કી જય

પાંડવ ભાઈઓમાં અત્યંત બળવાન ભાઈ ભીમ પોતાની ભૂખ પર કાબૂ નહોતા રાખી શકતા અને ચાહવા છતાંય એકાદશીનું વ્રત નહોતા કરી શકતા ત્યારે ઋષિ વ્યાસજીએ તેમને જેઠ સુદ અગિયારસની નિર્જળા એકાદશીનું વ્રત કરવાની સલાહ આપી હતી જેથી તેમને આખા વર્ષની ૨૪ અગિયારસ કરવાનું પુણ્ય પ્રાપ્ત થાય. ગયા ગુરુવારે પચીસ જૂને જ અત્યંત પવિત્ર નિર્જળા એકાદશીનો તહેવાર ગયો. કુંતીપુત્ર ભીમના પ્રતાપે પામર મનુષ્યને પણ આ રીતે બોનસ લાભ મળવાનો ચાન્સ મળ્યો. આથી તેમના સન્માનમાં આજે જઈએ હરિયાણા રાજ્યના ઝજ્જર પાસે આવેલા ભીમેશ્વરી માતાના મઢે જેમની સ્થાપના ભીમે કરી છે

સૌપ્રથમ રવિવારની સવારની સલામ સાથે થૅન્ક યુ વેરી મચ વાચકમિત્રો. આભાર માનવાનું કારણ એ કે તમે ગયા અઠવાડિયે વરુણ મંદિરોની એવા સુંદર ભાવથી માનસયાત્રા કરી કે મેહુલિયાને ધરતી પર આવવું જ પડ્યું. એય પાછો મેઘો ખાલી મોઢું બતાવવા નહોતો આવ્યો. આવીને એવો ધમાધમ વરસ્યો કે આખા જૂન મહિનામાં એ જેટલું પાણી ધરતી પર વરસે એનું પચાસ ટકા પાણી બે જ દિવસમાં ઠાલવી ગયો.

તમારા આવા જ પ્રેમાળ સહકાર સાથે આજે આપણે જઈએ ભારતના ઉત્તરીય રાજ્ય હરિયાણામાં.

કલમના માધ્યમથી દેશના ખૂણે-ખૂણે આવેલી અદ્વિતીય ભૂમિ પર ફરતાં-ફરતાં એક વિચાર એવો આવે કે આ આર્યભૂમિ કેવી જાજરમાન છે કે એના અણુ-અણુમાં, દરેક પરમાણુમાં વિધવિધ સ્વરૂપે ઈશ્વરનો વાસ છે. ક્યાંક પ્રભુ સ્વયં પધાર્યા છે તો કોઈ માટીમાં ભગવાને ફાગ ખેલ્યા છે. ક્યાંક શક્તિરૂપી દેવીએ આસુરી શક્તિનો નાશ કર્યો છે તો ક્યાંક આ દૈવીય અવતારે પૃથ્વીના સજીવોને ભરણપોષણ અર્થે અન્ન આપીને સંવર્ધન કર્યું છે. મા નર્મદાનો દરેક કંકર શંકર છે તો પર્વતથી લઈને સાગર સુધી વિષ્ણુજીના વિવિધ અવતારોની શાશ્વત કહાનીઓ છે. કાનુડાએ કોઈક ભૂમિની માટી ખાધી છે તો કોઈ ભૂમિ ૧૦૦-૧૦૦ ગાંધારી પુત્રો સહિત લાખો શૂરવીરના રક્તથી રંજિત થઈ છે.

અનેક મંદિરોમાં નવજાત શિશુઓના મુંડન સંસ્કાર થાય છે એમ અહીં પણ એ વિધિ તો થાય જ છે. આ ઉપરાંત આ મંદિરમાં નવવિવાહિત યુગલો ફરી સંપૂર્ણ લગ્નવિધિ કરે છે. માન્યતા છે કે માઈ બેરીના આશીર્વાદથી માતાની સાક્ષીએ તેમનું લગ્નજીવન સુખમય અને આનંદમય બની રહે છે.

વેલ, મેરે દેશ કી ધરતીની વાતો કરતાં-કરતાં શબ્દો ખૂટી પડશે. જોકે ભારતભૂમિની વિશેષતાઓને અક્ષરો દ્વારા વર્ણવી શકાશે નહીં, એની તો સ્પર્શના કરવી પડશે. અત્યારે ભલે તમે અક્ષરદેહે એ તીર્થની માનસયાત્રા કરો, પરંતુ મોકો મળે ત્યારે આ પવિત્ર ભૂમિ પર આવેલાં પાવન સ્થળોનાં દર્શન કરવા જવાનું ચૂકતા નહીં.


સેંકડો વર્ષોથી મંદિરમાં અખંડ દીપક ચાલે છે. આ દીપકની જ્યોતિ જ્ઞાનવર્ધક મનાય છે.

નાઓ લેટ્સ ગો ટુ જાટ લૅન્ડ હરિયાણા

હરિયાણામાં બેરી નામનું એક ગામ છે. વર્ષની બેઉ મુખ્ય નવરાત્રિમાં આ બસો-ત્રણસો ખોરડાંનું બેરી ચહેકી ઊઠે છે, કારણ કે એ દરમ્યાન અહીં બહુ મોટો મેળો લાગે છે અને દેશભરથી લાખો ભક્તો માતા ભીમેશ્વરીનાં દર્શન અને પૂજન કરવા આવે છે. આખા ગામમાં સેંકડો હાટડીઓ લાગી જાય છે. રોશની અને ધ્વજ-પતાકાથી ગામ શણગારવામાં આવે છે. મેળામાં હોય એવી જાતજાતની રમતોથી વાતાવરણમાં હર્ષ અને આનંદની ચિચિયારીઓ ગુંજતી હોય છે. સાથે ખાણી-પીણીની જ્યાફતો અને ગમ્મતભર્યા ખેલો બાળકો, મહિલાઓ, નરબંકાઓ, વડીલોને આકર્ષે છે અને જલસો કરાવે છે.

હા, મેળાની મોજ તો છે જ, સાથે બેરી માતાના આશીર્વાદ પણ અહીં આવનારા ભાવિકો માટે ઇમ્પોર્ટન્ટ છે. કેમ? એના જવાબ માટે જાણીએ આ બેરી માતાની કહાની.

ભીમથી માતા હલ્યાં-ચલ્યાં નહીં, પણ આજે એ જ માતા સવારે એક મંદિરમાં અને બપોરે બીજા મંદિરમાં હોય છે

આ પ્રથા શા માટે શરૂ કરવામાં આવી એનું પ્રમાણ શાસ્ત્રોમાં નથી, પરંતુ કહે છે કે અહીં એક સમયે ગીચ અરણ્ય હતું અને મહર્ષિ દુર્વાસા ચોરના ડરથી અહીંથી ૮ કિલોમીટર દૂર આવેલા દુબલધનમાં નિવાસ કરતા હતા. એ સમયમાં દરરોજ સવારે પાંચ વાગ્યે ઋષિ દુર્વાસા દેવીની મૂર્તિને ઊંચકીને બહારના મંદિરમાં મૂકતા અને મધ્યાહ‍્ને તેમને ફરી ભીતરના મંદિરમાં પ્રસ્થાપિત કરતા. આજે પણ આ પરંપરા એ જ પ્રમાણે પળાય છે. મૂર્તિને સવારે પરિસરમાં જ આવેલા બાજુના મંદિરમાં લઈ જવાય છે અને બપોરના ૧૨ વાગ્યે ફરી તેમને અંદરના મુખ્ય ગર્ભગૃહમાં મુકાય છે. એ સાથે દુર્વાસા ઋષિ જે આરતી ગાતા એ જ આરતી સવાર-સાંજ ગવાય છે. સ્પેશ્યલી આરતી સાંભળવા અનેક ભક્તો એ સમયે આવે છે.

કટ ટુ... લેટ્સ ગો ઇન મહાભારત કાળ. દુર્યોધનને ઘણુંય સમજાવ્યા પછી પણ તે જ્યારે પિતરાઈ ભાઈઓને તસુ પણ જગ્યા આપવા તૈયાર ન થયો એટલે પછી પાંડવો પાસે ‘હવે તો યુદ્ધ એ જ કલ્યાણ’નો વિકલ્પ બચ્યો. આથી શ્રીકૃષ્ણએ કુરુક્ષેત્રમાં કોઈ ધિંગાણું થાય એ પહેલાં પાંડુપુત્ર ભીમને તેમનાં કુળદેવીને યુદ્ધક્ષેત્રમાં લઈ આવવાનો અનુરોધ કર્યો. ભીમભાઈ તો ઊપડ્યા તેમનાં કુળદેવી માતાના સ્થાને હિંગલે પર્વત (જે હાલ પાકિસ્તાનમાં છે) અને માતાના સ્થાનકે પહોંચીને કુળદેવીને પ્રાર્થના કરવાની સાથે પોતાની સાથે આવવાની વિનંતી કરી. કુળદેવી માતા ભીમની સાથે જવા તૈયાર થઈ ગયાં, પરંતુ એક શરત રાખી કે જો શક્તિશાળી ભીમ કોઈક કારણોસર તેમની મૂર્તિ નીચે જમીન પર મૂકી દે પછી તેઓ એ જ સ્થળે સ્થિર થઈ જશે.

અગેઇન, અહીં એક વિચાર આવે છે કે આ પ્રકારની શરતો ઘણાં ભગવાનો, દેવીઓ-દેવતાઓ રાખે છે. વળી જ્યારે-જ્યારે આવી શરતો મુકાય છે ત્યારે-ત્યારે કોઈ ને કોઈ કારણસર ભક્ત પોતે ચાહે એ જગ્યાએ તો ભગવાનને લઈ જ નથી શકતો. પ્રભુને કે માતાને જે ભૂમિ યોગ્ય લાગે ત્યાં જ સ્થિર થઈ જાય છે. પછી ભલેને ક્યારેક કારણ વગર ગાડાનું પૈડું કીચડમાં ફસાઈ ગયું હોય, ક્યારેક ગાડું હલકું થઈ જતાં ભાવિકને પાછું વળીને જોવું પડ્યું હોય કે પછી શક્તિશાળી રાજાઓ, તપસ્વીઓ આદિને શૌચક્રિયાએ જવું પડે એવું હોય. આખરી વિજય તો પુણ્ય ભૂમિનો જ થાય છે. આ કહાનીમાં પણ એવું જ થયું. માતાએ શરત મૂકી ને ભીમ ભાઈ થોડું ચાલ્યા ત્યાં તો તેમને નેચરનો કૉલ આવ્યો. ભીમ ભાઈને શૌચક્રિયાએ જવું પડે એવું હતું એટલે તેમણે સાક્ષાત્ કુળદેવી માતાની મૂર્તિને રસ્તામાં આવતા બોરડીના એક ઝાડ નીચે મૂકી. અને... અને... અને માતા એ જ અવસ્થામાં રહી ગયાં. શક્તિશાળી ભીમે પોતાનું કાર્ય કર્યા બાદ માતાની મૂર્તિને પાછી ઉપાડવાના પ્રયત્નો કર્યા, આજીજીઓ પણ કરી પરંતુ માતાએ મૂકેલી શરત મુજબ તેઓ કાંટાડી બોરડીની નીચેથી ન ઊઠ્યાં. અંતે ભીમે તેમનાં કુળદેવીને ત્યાં જ સ્થાપિત કર્યાં અને માતાના આશીર્વાદ લઈને ભાઈઓ પાસે પાછા ફર્યા.

આગળની કથાથી બધા વિદિત છે. કુરુક્ષેત્રમાં રણશિંગું ફૂંકાયું અને પૂરા ૧૮ દિવસ ભીષણ યુદ્ધ ખેલાયું. એમાં સોએ સો કૌરવોનાં મૃત્યુ થયાં. ત્યારે માતા ગાંધારી બહાવરાં બનીને કુરુક્ષેત્રના મેદાનમાં પહોંચ્યાં જ્યાં શ્રીકૃષ્ણએ તેમને સમસ્ત માયામાંથી મુક્ત કરીને શાંત કર્યાં. એ પછી તેઓ એ સ્થળે પહોંચ્યાં જ્યાં તેમનાં કુળદેવી પ્રતિષ્ઠિત થયાં હતાં. તેમણે દેવી માતાનાં દર્શન કર્યાં અને મંદિરનું નિર્માણ પણ કરાવ્યું. જોકે હવે ૫૦૦૦ વર્ષ પૂર્વના એ મંદિરના અવશેષ પણ મોજૂદ નથી, પણ કુરુવંશનાં એ કુળદેવી માતાનું સ્થાન આજે પણ અકબંધ છે. હવે અહીં સુંદર બે મંદિર પણ બન્યાં છે. માતાનો મઢ સવારે પાંચ વાગ્યાથી બપોરે ૧૨ વાગ્યા સુધી અને ફરી બપોરે ૩ વાગ્યે ખૂલીને રાતે ૧૧ વાગ્યા સુધી ખુલ્લો રહે છે.

બોરના વૃક્ષની નીચે સ્થાપિત થયાં હોવાથી આ માતા બેરી માતા તરીકે પણ ઓળખાય છે અને ભીમે સ્થાપિત કર્યાં હોવાથી તેમને ભીમેશ્વરીદેવી પણ કહેવાય છે. હરિયાણાના ઝજ્જરથી બેરીવાલા માતા મંદિરનું અંતર ૧૪ કિલોમીટર છે તો એજ્યુકેશન સિટી તરીકે ઓળખાતા કૅપિટલ સિટી દિલ્હીના પડખે આવેલા રોહતકથી બેરી ગામનું ડિસ્ટન્સ ૨૮ કિલોમીટર છે અને જો કુરુક્ષેત્રની પણ યાત્રા સાથે કરતા હો તો ભગવદ્ગીતાના જન્મસ્થળથી ભીમેશ્વરી માતા ૧૮૯ કિલોમીટરના અંતરે સ્થાપિત છે. બેરીમાં તો રહેવાની સુવિધા નથી. રહેવા માટે રોહતક કે ઝજ્જરની જ પસંદગી કરવી પડે. એ જ રીતે જમવાની સગવડ પણ એ શહેરોમાં જ મળી રહે. હા, નવરાત્રિમાં અહીં ખાણી-પીણીના ઠેલાઓ લાગે. બાકીના દિવસોમાં અહીં ખૂબ શાંતિ હોય છે. બેરીમાં ભીમેશ્વરી માતાના મંદિર ઉપરાંત બે બાલાજી મંદિરો, લક્ષ્મણદાસ મંદિર, દોખલિકા મંદિર તથા પંડિત ભગવત દયાળ શર્માનું સમાધિસ્થળ છે. જોકે બેરીની મુખ્ય ખાસિયત તો અહીંનાં માતાજી ઉપરાંત મંદિરની સમીપે આવેલું સુંદર તળાવ છે. કહે છે કે આ તળાવ પણ દ્વિતીય પાંડવ ભીમે જ પ્રગટ કર્યું છે. કથા અનુસાર તેઓ અહીં આવ્યા ત્યારે તેમને તૃષા લાગી હતી અને આજુબાજુમાં ક્યાંય પાણી ન મળતાં ભીમે આ ભૂમિ પર જોરથી ફૂંક મારી અને પૃથ્વીના પેટાળમાંથી પાણી ફૂટી આવ્યું, જ્યાં આજે તળાવ બની ગયું છે.

culture news gujarati mid day lifestyle news life and style alpa nirmal columnists