ધી વજાઇના મોનોલૉગ્ઝ ગુજરાતીમાં ભજવાઇ રહ્યું છે ત્યારે, સ્ત્રીત્વની બેબાક વ્યાખ્યા સમજવા તૈયાર છો

04 April, 2024 07:25 PM IST  |  Mumbai | Chirantana Bhatt

ગુજરાતીમાં મેં લખ્યું હોય એટલે હું વાંચી સંભળાવું અને આ નાટકના અમુક હિસ્સાઓ વાંચ્યા પછી રીતસરનો થાક લાગતો કારણકે એક સ્ત્રી તરીકે એમાંનું કેટલું બધું તમારી સાથે અથા તમારી સામે એક યા બીજા પ્રકારે થયું હોય છે

ધી વજાઇના મોનોલૉગ્ઝ ગુજરાતીની અભિનેત્રીઓ ડાબેથી - સ્વાતિ દાસ, કૃત્તિકા દેસાઇ, આરજે દેવકી, મહાબાનુ મોદી કોતવાલ, ગિરીજા ઓક

ધી વજાઇના મોનોલૉગ્ઝ, આ નાટકનું નામ તો ઘણીવાર સાંભળ્યું હતું પણ મુંબઈ આવ્યા પછી અહીં જ 2015માં પહેલીવાર જોયું. આ પછી 2018માં ફરી એકવાર જોયું. બંન્ને વખત અંગ્રેજીમાં જ જોયું હતું. એક અત્યંત રૂપાળાં મોટી વયનાં પારસી બહેન – મહાબાનુ મોદી કોતવાલ – સાથે ધુંઆધાર અને અફલાતુન અભિનેત્રીઓ સ્વાતી દાસ, દિલનાઝ ઇરાની, ડોલી ઠાકોર અને મોના અંબેગાંવકર – જે બે શોઝ મેં જોયા એમાં આ અભિનેત્રીઓમાંથી કોઇપણ પાંચ કાં તો કોઇ પણ ચાર હતી. ત્યારે એમ થયું હતું કે નાટક કરવાનું આવે તો આવું કંઇક કરવું જોઇએ.


મેં બંન્ને વખત આ નાટક પૃથ્વી થિએટરમાં જ જોયું હતું. તમારા હોવાપણા અંગે, તમે તમારી સાથે થવા દીધેલા પ્રહારો અંગે, તમારી ખોટું ચલાવી લેવાની આદત સામે, મજા આવે એવું કંઇપણ કર્યા પછી ગુનાઇત લાગણી અનુભવાય એવી લાગણી અંગે અને આવી કેટલી બધી બાબતો સામે આ નાટક તમને સવાલ કરતાં કરે છે.


 યોની, ચૂ##, સેક્સ વગેરેની વાતો કરતું આ નાટક તમને સ્તબ્ધ કરી દે એવું છે. કારણકે એ વાસ્તવિકતાનો આયનો તમારી સામે ધરી દે છે. ‘બોલ્ડ’ નાટક જોવાના મોહમાં જનારાઓની બોલતી બંધ કરી દે એવું નાટક એટલે ધી વજાઇના મોનોલૉગ્ઝ. આ નાટકનો ઇતિહાસ રચ્યો અમેરિકન લેખક, નાટ્યકાર, સામાજિક કાર્યકર્તા ઇવ એન્સ્લેરે – 200 સ્ત્રીઓ સાથે વાત કરીને આ એકોક્તિઓ લખાઇ છે. અમેરિકન નાટક છે તો હોય બોલ્ડ એવું માનવાની કંઇ જરૂર નથી કારણકે સ્ત્રીઓ તો અમેરિકામાં હોય કે આફ્રિકામાં કે પછી ભારતમાં – તેમની સાથે થતી જાતીય હિંસા તો બધે સરખી જ હોય છે. યોનીને સ્ત્રીઓ કેવી રીતે જુએ છે?, જુએ છે ખરી? એ કાચી માછલી ચિરીને મૂકી દીધી હોય એવું અંગ છે કે કરચલીઓને વચ્ચે કરમાઇ ગયેલું ફૂલ છે? તેની સાહજિકતા કેટલા લોકો સાંખી શકે છે? આવા સવાલોના જવાબ આપતું આ નાટક નારીવાદ અંગે છે, સેક્સ અંગે નથી – અને એ જ તેની સૌથી મોટી વાસ્તવિકતા છે. સ્ત્રીઓ સાથે થતી જાતીય હિંસાના પ્રકારો ક્યારેક તો એટલા બારીક હોય છે કે પુરુષો માટે એ સમજવું પણ ક્યારેક મુશ્કેલ થઇ જાય એમ છે. ઘણીવાર અજાણતા કોઇને કંઇ કહી દીધેલી બાબત સામી વ્યક્તિની ભાવનાને કેટલી ઘોંટી દઇ શકે છે તે કળવું મુશ્કેલ હોઇ શકે છે. 

કમલા ભસીન નામના નારીવાદી લેખક અને કાર્યકરે એક ઇન્ટવ્યુમાં કંઇક એવી વાત મુકી હતી કે, “સ્ત્રી સાથે બળાત્કાર થાય તો એની આબરુ લુંટાઇ એવું કેવી રીતે કહી શકાય? કારણકે બળાત્કાર એણે કર્યો નથી એની સાથે થયો છે તો બેઆબરુ તો એ જ માણસ કહેવાય જેણે આ કૃત્ય કર્યું.” આપણા સમાજમાં દાખલો જ ખોટો મંડાય છે. વાંક પણ ભોગ બનનારનો જ. સ્ત્રીઓના સન્માનને ઠેસ પહોંચાડનારાઓ તો સ્ત્રીના યોનીને, તેના જનનાંગને હંમેશા એક નિર્વસ્ત્ર ગુનાઇત હિસ્સા તરીકે જ ઓળખે છે અને આ નાટક એ બધાંને ચૂપ કરી દે એવું છે. વળી જે સ્ત્રીના સન્માનને ઠેસ નથી પહોંચાડતા પણ સ્ત્રીઓ પ્રત્યે માલિકી ભાવ ધરાવતા હોય, તેમની લાગણીઓને ક્યારેય પ્રાથમિકતા ન આપતા હોય એ તમામને તે વિચારતા કરી મુકે છે. વળી સ્ત્રીઓ જે આ નાટક જુએ છે તેમને સમજાય છે કે તેઓ પોતાની સાથે શું ખોટું થવા દે છે, તેઓ જે આવી જાતીય હિંસાને ‘આપણે તો વેઠવું પડે’ એમ માનીને જીવી જતા હોય છે તેઓ આ નાટકના અનુભવ પછી આ ચલાવી લેવાની ચુંગાલમાંથી છૂટવાની દિશામાં જુએ છે. આ નાકટના દેશભરમાં 1000થી વધારે શોઝ કરનારા મહાબાનુને એવી સ્ત્રીઓ મળી છે જેમણે આ નાટક જોયા પછી પોતાના હિંસક લગ્ન સબંધમાંથી બહાર આવવાનો નિર્ણય લીધો તો ઑડિયન્સમાં બેઠેલી એક છોકરીને તેની બહેન સાથે તેના કાકાએ કરેલી જાતીય સતામણીની દુર્ઘટનાની યાદ તાજી થઇ ગઇ. આ નાટક જેણે જોયું છે, સ્ત્રી કે પુરુષ, એ આ નાટક જોયા પછી બદલાયું તો છે જ. 

આમ તો આ નાટક 1994માં લખાયું હતું. ભારતમાં ધી વજાઇના મોનોલૉગ્ઝ 22 વર્ષ પહેલા અંગ્રેજીમાં અને પછી હિન્દીમાં ભજવાયું. 2019ની વાત છે જ્યારે મારે પહેલીવાર મહાબાનુ મોદી કોતવાલને મળવાનું થયું. ધી વજાઇના મોનોલૉગ્ઝનું ગુજરાતી નાટક ભજવવાની વાત આવી અને મારા સદનસીબે એ કામ કરવાની જવાબદારી મને મળી. નાટક  તૈયાર તો થયું, એ પણ ખાસ્સી બધી બેઠકો પછી. લખાતું ગયું, બદલાતું ગયું, ફરી કંઇક પરિવર્તન, ઉમેરા અને એવું બધું ઘણું. પછી નાટકના સહ દિગ્દર્શક અને સહ પ્રોડ્યુસર એવા કૈઝાદ કોતવાલે પણ ગુજરાતી નાટક આખું એકથી વધુ વાર સાંભળ્યું. ગુજરાતીમાં મેં લખ્યું હોય એટલે હું વાંચી સંભળાવું અને આ નાટકના અમુક હિસ્સાઓ વાંચ્યા પછી રીતસરનો થાક લાગતો કારણકે એક સ્ત્રી તરીકે એમાંનું કેટલું બધું તમારી સાથે એક યા બીજા પ્રકારે થયું હોય, અથવા એ થવાની અણી પર હોય અને તમે તમારી જાતને માંડ બચાવી હોય અથવા તમે એવી કોઈ સ્ત્રીને જાણતા હો જેણે આ વખ જેવા અનુભવોને આધારે જિંદગી કાઢી નાખી હોય અથવા તો ખલાસ કરી દીધી હોય. વળી ઘરમાં રહેતી સ્ત્રી હોય કે પછી કોર્પોરેટ વિશ્વમાં કે  જાહેર જીવનમાં પોતાનું સ્થાન બનાવનારી સ્ત્રીઓ પણ રોજેરોજ ક્યારેક સીધી રીતે, ક્યારેક આડકતરી રીતે તો ક્યારેક પીઠ પાઠળ જાતીય ટિપ્પણીઓ, ટિકા, અફવાઓનો ભોગ બને જ છે- જેનું કારણ છે નકરી ગેરસમજ અને ધારણાઓ. આ નાટક સ્ત્રીત્વના સન્માનને નવી વ્યાખ્યા આપે છે, ઉઘાડા સત્યોને તમારી આંખ સામે મુકી દઇને તમને જ સવાલ કરે છે. આ નાટક જોવા અને સમજવા માટે તમારે સ્ત્રી હોવું જરૂરી નથી પણ માણસાઇના નાતે સન્માનની ભાવનાને તમે અગત્યની ગણતા હો તો આ નાટક ચોક્કસ જોવું જોઇએ. ગુજરાતી નાટકમાં મહાબાનુ મોદી કોતવાલ, કૃતિકા દેસાઇ, સ્વાતિ દાસ, આરજે દેવકી અને ગિરીજા ઓક અભિનય કરે છે અને તેમનાં પરફોર્મન્સ અફાલતુન છે એમ કહેવામાં કોઇ અતિશયોક્તિ નથી. 


એક ખાસ વાત, આ નાટક જ્યારથી સ્ટેજ પર થઇ રહ્યું છે ત્યારથી, એટલેકે અમેરિકામાં પણ જ્યારે પહેલીવાર ભજવાયું ત્યારે તેનાં લેખિકા જે હવે પોતાની જાતને ‘V’ તરીકે ઓળખાવે છે તેમણે એક વાત બહુ સ્પષ્ટ રીતે જણાવી હતી. ધી વજાઇના મોનોલૉગ્ઝમાં જે પણ એકોક્તિઓ છે, જે પણ ભજવાય છે એ બધું વાસ્તવિક અનુભવો પર આધારિત છે – તે બળાત્કારની વાત હોય, બાળપણમાં થયેલી જાતીય સતામણીની વાત હોય કે પછી બાળ જન્મની વાત હોય કે પછી સ્ત્રીઓના ભગ્નને કાપી નાખવાની પરંપરા ખતનાની વાત હોય- આ તમામ સત્ય હકીકત છે, અને માટે જ દર્શકો અને અભિનેતાઓ વચ્ચે એક દિવાલ રચાય, એક આડશ રહે, એક મર્યાદા રહે એ માટે દરેક એક્ટર હાથમાં કાર્ડ્ઝ રાખીને આખું નાટક ભજવે છે. જેમને ધી વજાઇના મોનોલૉગ્ઝ નાટકનો ઇતિહાસ નથી ખબર તેઓ કદાચ આનાથી પરિચિત ન હોય અને એમ જજમેન્ટ બાંધી બેસે કે, ‘લે આ લોકો તો વાંચીને નાટક પરફોર્મ કરે છે’ – તે તમામે સમજવાની જરૂર છે કે હાથમાં પકડેલા કાર્ડ એક ડિવાઇસ છે – આ તમામ ઘટનાઓમાં સ્ત્રી સાથે કંઇક જુદું, અજુગતુ થાય છે અને માટે જ અભિનેતાઓ માટે પણ આ ડિવાઇસ અનિવાર્ય છે જેથી સંવેદનાઓનું સંતુલન, તેમની પ્રસ્તુતી તમામમાં સંતુલન જળવાય અને કશું પણ એ રીતે દર્શકોની નજર સામે ન ધરી દેવાય જે આઘાતની માત્રા વધારી દે. 

આવા આ ઐતિહાસિક નાટકને ગુજરાતીમાં રૂપાંતરિત કર્યું અને તેનો પહેલો શો ધી વજાઇના મોનોલૉગ્ઝને ભારતમાં પહેલીવાર ભજવાયાને 22 વર્ષ પુરાં થતા હતા ત્યારે મહાલક્ષ્મીના જી5એમાં યુ.એસ. કોન્સ્યુલેટ અને રૉટરી ક્લબ ઑફ નરીમાન પોઇન્ટના સંયુક્ત ઉપક્રમે ભજવાયો. ત્યાર બાદ તેજપાલ ઑડિટોરિયમમાં ગુજરાતી દર્શકોએ પહેલાં સ્તબ્ધતા અને બાદમાં આશ્ચર્ય સાથે આ નાટક માણ્યું. અમદાવાદમાં 15મી માર્ચે નટરાણીમાં ફરીથી યુ.એસ. કોન્સ્યુલેટ અને રૉટરી ક્લબ ઑફ નરીમાન પોઇન્ટના નેજા હેઠળ ગુજરાતીમાં ધી વજાઇના મોનોલૉગ્ઝ ભજવાયું. આ નાટક પછી 74 વર્ષનાં એક બહેને કહ્યું કે તેમણે આ નાટક જોયું તો તેમને પોતાના વિશે પણ નવી રીતે વિચારવાનું બળ મળ્યું. એક 19 વર્ષનાં દીકરાની મમ્મીએ કહ્યું કે નાટક શરૂ થયું ત્યારે તો તેમને થયું કે આ નાટક જોવા દીકરાને લઇને નહોતું આવવાનું પણ થોડીવાર બાદ તેમને થયું કે બરાબર છે કે દીકરો આ નાટક જુએ કારણકે તે સ્ત્રીઓ પ્રત્યે વધુ સન્માન કેળવી શકશે. 
બળાત્કાર અને છેડતીના સમાચારો વાંચનારા, વાઇરલ વીડિયો ઉંધા પડીને જોનારાઓએ કોઇપણ શેહ શરમ રાખ્યા વિના આ નાટક જોવું જ જોઇએ કારણકે તેમને ઘણી નવી બાબતો, અને નવો દ્રષ્ટિકોણ તો જાણવા મળશે જ પણ પોતાની પણ ઓળખાણ થશે.  લોકોને વિચારતા કરી મુકનારું આ નાટક મુંબઈમાં ચોપાટી ભવન ખાતે 7 એપ્રિલ, રવિવારના રોજ સાંજે 7.30 વાગ્યે ભજવાશે. પુઅર બૉક્સ પ્રોડક્શનના આ નાટકના પ્રસ્તુતકર્તા પ્રણવ ત્રિપાઠી છે.  ગુજરાતી નાટકો તો હંમેશા મજેદાર હોય જ છે, ગુજરાતી ભાષાની મજા, આ નાટકનો વિષય અને તેની રજુઆત ઘરેડથી જુદાં છે અને માટે જ આ અનુભવ કરવા જેવો ખરો.  ગુજરાતી નાટકનાં લેખક તરીકે એક ઉલ્લેખ અમસ્તો કરવો ગમશે કે નાટકનું લેખન ચાલતું હતું ત્યારે અમે હળવાશની ક્ષણોમાં એવી પણ ચર્ચા કરી હતી કે આ નાટકને ધી વજાઇના મોનોલૉગ્ઝ હવે ગુજરાતીમાં યોનીસૂત્ર તરીકે એમ કરીને રજુ કરવું. જો કે મૂળ નામથી અત્યંત પ્રસિદ્ધ એવા નાટકના ટાઇટલને અમે યથાવત્ રાખવાનું નક્કી કર્યું. ભવન, ચોપાટીમાં રવિવારે સાંજે 7.30 મળીએ એવી આશા સાથે...આવજો.

 

theatre news Gujarati Natak Gujarati Drama the vagina monologues play culture news