જૈન તત્ત્વજ્ઞાનથી અનેકના જીવનને પરિવર્તનના પંથે વાળ્યું છે આ બહેને

07 September, 2021 04:08 PM IST  |  Mumbai | Ruchita Shah

સુબોધિબહેન સતીશ મસાલિયાનું નામ જૈનોમાં જેટલું જાણીતું બની ગયું છે એટલો જ તેમનો અવાજ પણ લોકોના મનમાં વસી રહ્યો છે; બેઝિક પ્રશ્નોથી લઈને જૈન ફિલોસૉફીના હાર્દને લગતા સવાલોના લેખન અને ઑડિયોથી તેઓ લોકોની જિજ્ઞાસાને પોષી રહ્યાં છે

સુબોધિબહેન સતીશ મસાલિયા

પાપથી બચવા માટે સંસારનો ત્યાગ કરવાની રીતને જૈન ધર્મની પરંપરામાં મહત્ત્વનું સ્થાન અપાયું છે. જોકે જેઓ સંસારનો ત્યાગ કરીને સાધુ જીવનની કડક જીવનશૈલીને અંગીકાર ન કરી શકે તેઓ શ્રાવક અને શ્રાવિકા બનીને પણ પોતાના કર્તવ્યને સુપેરે નિભાવી શકે છે. સુબોધિબહેન સતીશ મસાલિયા એવાં જ એક શ્રાવિકા છે. મૂળ બનાસકાંઠાના રાધનપુરમાં જન્મેલાં સુબોધિબહેનને ધર્મ સંસ્કાર જાણે ગળથૂથીમાં મળ્યા છે.

બાળપણની યાદો

બાળપણમાં બાળકોના માનસમાં રોપાયેલું બીજ ક્યારેક તો વૃક્ષ બન્યા વિના રહેતું નથી. પોતાના જીવનનો જ અનુભવ ટાંકતાં તેઓ કહે છે, ‘મારાં એક બહેને અને એક નણંદે દીક્ષા લીધી છે. એક ભાઈ અને છ બહેનોના પરિવારમાં મારા મોટા ભાઈ પણ ખૂબ જ સાત્ત્વિક વ્યક્તિત્વ. આજીવન બાળબ્રહ્મચારી રહ્યા અને અધ્યાત્મની તેમની સાધના અદ્ભુત સ્તરની હતી. ઘણા આચાર્ય મહારાજસાહેબો તેમની પાસે ધ્યાન શીખ્યા છે. તેમનું નામ અચરતલાલ વર્ધીલાલ શાહ પણ લોકો તેમને મહાત્મા તરીકે ઓળખતા હતા. મારી માતા ઝેણીબહેન ભણ્યાં-ગણ્યાં નહોતાં પરંતુ ઘણાં સ્તવન તેઓ રાગથી ગાતાં. દર શુક્રવારે પુણ્યપ્રકાશનું સ્તવન પરિવાર સાથે મળીને બધાંએ જ ગાવાનું અને તેઓ એને સમજાવે એવો નિયમ અમારા ઘરે બનાવ્યો હતો. બીજી બાજુ સાતમા ધોરણથી મેં પણ પાઠશાળા નિયમિત જવાનું શરૂ કર્યું એ પછી જૈન તત્ત્વજ્ઞાન તરફ મારો રસ ઊંડો થતો ગયો. એ સમયે તો રોજનું એક સૂત્ર અને એના અર્થ પાકા કરી જવાના એવું મારું રૂટીન બની ગયું હતું. બે-અઢી વર્ષમાં પાંચ પ્રતિક્રમણ અર્થ સાથે, નવ સ્મરણ, જીવિચાર, નવ તત્ત્વ જેવા ઘણા મહત્ત્વના ગ્રંથ અર્થ સહિત કડકડાટ મોઢે થઈ ગયા હતા.’

બનવું હતું ડૉક્ટર

ધાર્મિક અભ્યાસની સાથે શૈક્ષણિક અભ્યાસમાં પણ તેઓ બ્રિલિઅન્ટ હતાં. તેઓ કહે છે, ‘એસ. એસ. સી. પછી ડૉક્ટર જ બનીશ એવું ધારી લીધું હતું. જોકે એ સમયના ઘરના સંજોગો અનુસાર મને હૉસ્ટેલમાં મૂકીને ભણાવી શકાય એમ નહોતી અને મેં પણ જીદ કરી કે ડૉક્ટર બનાશે તો જ ભણીશ નહીં તો નહીં ભણું. અમારું સાત પેઢી જૂનું ઘર હતું. કબાટમાં સેંકડો વર્ષ જૂનાં કેટલાંક ધાર્મિક જૂનાં પુસ્તકો અને હસ્તપ્રતો હતાં. એ બધું જ હું વાંચી ગઈ અને જાણે જૈન ધર્મની સમજણનો મારો પાયો નખાઈ ગયો.’

 એ પછી તો વીસ વર્ષની ઉંમરે સતીશભાઈ સાથે તેમનાં લગ્ન થયાં. તેમના સહયોગને કારણે લગ્ન પછી બીએનો ચાર વર્ષનો અભ્યાસ કર્યો અને એ પછી શિક્ષિકા તરીકે જૉબ પણ કરી. સંતાનો જન્મ્યાં. ધીમે-ધીમે સંસારમાંથી મન વિરક્ત થઈ ગયું હતું.

લેખનમાં પ્રવેશ

જ્ઞાનપિપાસા સંતોષાવાને કારણે તેમને વધુને વધુ લોકો પ્રશ્નો પૂછે. એ રીતે ‘સવાલ બાબા-બેબીના’ નામની કૉલમ લખવાનું તેમણે શરૂ કર્યું. એ કૉલમ એટલી હિટ થઈ કે લોકોની જ માગ પર એનું સંકલન પ્રશ્નોત્તર રત્નમાલા પુસ્તકરૂપે પ્રગટ થયું. સુબોધિબહેન કહે છે, ‘અત્યારે રૂટીનમાં રોજ સવારે ચાર વાગ્યે ઊઠીને ધ્યાન, સામાયિક વગેરે કરું છું. ૨૦૧૦માં પતિના અવસાન પછી સંપૂર્ણપણે દાગીનાનો ત્યાગ કર્યો છે. આખા દિવસમાં દસ દ્રવ્યથી વધુ દ્રવ્ય ન વાપરવાનો નિયમ છેલ્લાં પંદર વર્ષથી પાળું છું.’

એ સિવાય તેમણે અઠ્ઠાઈ, મૌન અઠ્ઠાઈ, વર્ષીતપ, ૧૫, ૧૬, ૩૦ જેટલા ઉપવાસો કર્યા છે. કોરોનામાં અનાયાસ પૌત્રીને તત્ત્વજ્ઞાન સમજાવવા તેમણે ઑડિયો રેકૉર્ડિંગ કર્યું, જેને અન્ય ગ્રુપમાં પણ ખૂબ સારો પ્રતિસાદ મળ્યો. એ પછી નિયમિત તેમના ઑડિયો વાઇરલ થવા માંડ્યા. અત્યારે દસેક વૉટ્સઍપ ગ્રુપ અને સોશ્યલ મીડિયાના માધ્યમે દસેક હજાર જેટલા લોકો સુધી રોજેરોજ તેમના ઑડિયો પહોંચે છે.

વિશેષ ઉપકારી

પોતાના આ જ્ઞાનયજ્ઞમાં જેમના આશીર્વાદે બહુ મોટું કામ કર્યું છે એવા એક વ્યક્તિત્વનો ઉલ્લેખ કરતાં સુબોધિબહેન કહે છે, ‘૨૦૦૬માં મારો પરિચય અંધેરીમાં રહેતાં શારદામા સી. ગાંધી સાથે થયો. જ્ઞાનની આ દેવીએ મને મારા પુસ્તકલેખનના કાર્યમાં ખૂબ સહાય કરી છે.’

૪૧ હજાર પુસ્તકોનું ફ્રી વિતરણ

સુબોધિબહેન દ્વારા લખાયેલા પ્રશ્નોત્તર રત્નમાલા ભાગ-૧ તથા ભાગ-૨માં જૈન તત્ત્વજ્ઞાનને લગતા કુલ ૭૦૦ સવાલના જવાબ  છે. નાના-મોટા દરેક જણ સમજી શકે એવી સાદી સરળ ભાષામાં જૈન તત્ત્વજ્ઞાન પીરસાયું છે. પ્રથમ ભાગ એમ બતાવે છે કે જૈન ધર્મ શું છે અને બીજો ભાગ એમ બતાવે છે કે કર્મમુક્ત થવા શું કરવું જોઈએ. આ બન્ને પુસ્તકનું હિન્દી રૂપાંતર પણ થયું છે. ચારેય સંપ્રદાયનાં સાધુ-સાધ્વીજી ભગવંતો તથા શ્રાવક-શ્રાવિકાઓએ આ પુસ્તકને ખૂબ જ સરસ આવકાર આપ્યો છે. ડોનરના સહકારથી ગુજરાતીના બન્ને ભાગ મળીને ૩૩ હજાર પુસ્તકો તથા હિન્દી ભાષાનાં ૮ હજાર પુસ્તકો સંપૂર્ણ ફ્રી ઑફ કૉસ્ટ આપવામાં આવ્યાં છે. આ પુસ્તકે ઘણાનાં જીવન બદલી નાખ્યાં છે.

તો પણ સક્રિય

સુબોધિબહેનને લંગ્સ ફાઇબ્રોસિસ છે, સતત ઑક્સિજનનો સપોર્ટ લેવો પડે છે. છતાં તેમની ભાવના છે કે જ્યાં સુધી મારામાં શક્તિ છે ત્યાં સુધી વધુને વધુ લોકો જૈન ધર્મને પામે. નામ કે દામની તેમને કોઈ ઝંખના નથી પણ જ્ઞાનનો મહિમા વધે એવા પ્રયાસો તેઓ પોતાની રીતે સતત કરી રહ્યાં છે

જૈન ધર્મનો નિચોડ શું?

જૈન ધર્મનો નિચોડ ચાર-પાંચ વાક્યમાં કરવો એ ગાગરમાં સાગર સમાવવા જેવી વાત છે એમ જણાવીને સુબોધિબહેન કહે છે, ‘ભગવાન મહાવીરે દરેક જીવને એકસરખી મહત્તા આપી છે. હું જ ભગવાન બનીશ એવી કોઈ મહાવીરની મૉનોપોલી નથી. જૈન ધર્મની દૃષ્ટિએ કોઈ જીવ નાનો નથી, કોઈ જીવ મોટો નથી. જે જીવ સમ્યક પ્રયાસો કરો એ જીવ પોતાના કર્મનો નાશ કરીને શાશ્વત સુખ મેળવી શકે છે. ભગવાને કહ્યું કે શરીર અને આત્મા અલગ છે. આત્મા જ કર્મનો કર્તા છે અને કર્મનો ભોક્તા પણ પોતે જ છે. જે કોઈ આ અઢાર પાપનાં સ્થાનોથી પાછા હઠશે એ પોતાના મનને સ્થિર કરી શકશે. જે જીવ મન, વચન અને કાયાને સ્થિર કરી ધ્યાનમગ્ન બનશે એ પોતાનાં કર્મોની નિર્જરા કરી મોક્ષધામી બનશે. તેમ જ ભગવાને આહાર-વિહારના નિયમો બતાવ્યા છે. શું ખાવાયોગ્ય, શું ન ખાવાયોગ્ય, શું અનંતકાય, શું બહુ બીજ, ક્યારે ખવાય, કેટલું ખવાય એ બધું એટલું સાયન્ટિફિક છે કે જો કોઈ એનું અક્ષરશઃ પાલન કરે તો બીમારીઓ તેનાથી સો ગજ દૂર રહે. આ બધા નિયમો માત્ર ભૌતિક દૃષ્ટિએ નહીં પણ કયા પ્રકારના ખોરાકથી મન પર કેવી અસર પડે છે એ બતાવીને આપણી આધ્યાત્મિક ઉન્નતિ પર ખોરાક કેવું કામ કરે છે એ બતાવીને જીવો પર ખૂબ જ મોટો ઉપકાર ભગવાન મહાવીરે કર્યો છે. સમ્યક પુરુષાર્થ કરો, ભવભ્રમણના અનંતા-અનંતા દુખમાંથી બહાર નીકળીને શાશ્વત સુખ તરફ પ્રયાણ કર, પ્રયાણ કર એ જ આ ધર્મનો નિચોડ છે.’

રત્નમાલાના બન્ને ભાગમાં જૈન તત્ત્વજ્ઞાનને લગતા કુલ ૭૦૦ સવાલના જવાબ  છે.

ruchita shah