15 October, 2025 08:13 AM IST | Mumbai | Morari Bapu
પ્રતીકાત્મક તસવીર
આપણી તંદુરસ્તી સારી રહે એ આશય સાથે ભક્તિ કરવામાં આવે તો એ ભક્તિ છે પણ એ ઉત્તમ ભક્તિ નથી. આપણા ઘરમાં બધું સારી રીતે ગોઠવાઈ જાય, કામધંધો સારી રીતે ચાલે એ માટે ભક્તિ કરીએ એ ઠીક છે પણ એ ઉત્તમ ભક્તિ નથી. છોકરો સારા માર્ક મેળવી પાસ થઈ જાય એટલા માટે ભક્તિ કરીએ એ ઠીક છે પણ ઉત્તમ નથી. લોકો કહે છે કે ભજન કરીએ છીએ પણ એટલો ભાવ નથી આવતો, એનું આ જ કારણ છે.
ભક્તિ અભિલાષા વગરની એટલે કે ઈચ્છા વિનાની હોવી જોઈએ. જેમણે અભિલાષા વગરની ભક્તિ કરી છે તે સમાજમાં હોય કે એકાંતમાં હોય, તે આનંદમગ્ન જ રહેશે. ભાવમાં જ લીન રહેશે. ભગવાન આ ભક્તિનો સંબંધ માતા શબરીની સામે વ્યક્ત કરે છે.
‘માનઊં એક ભગતિ કર નાતા.’
હું તો એમ પણ નથી કહેતો કે આપણે અભિલાષા ધરાવીને તેની સાથે ભક્તિ ન કરીએ, ભલે જેટલી થાય એટલી ભક્તિ કરવાની પણ એની શરૂઆત તો કરીએ, ગમે તેમ કરીને અને મજા આવે એમ કરીએ. કારણ કે ભક્તિ જ આપણને ધીમે-ધીમે પ્રકાશ આપશે કે તું જે અભિલાષા સાથે ભક્તિ કરે છે એ શું મારું કોઈ વરદાન છે? તું તો કોડી માગે છે. અરે! તું મારી પાસે કોહિનૂર માગ. આ ભક્તિથી જ તને એનું જ્ઞાન થશે.
યુવાન ભાઈઓ-બહેનોને એમ ન થાય આપણે અભિલાષા વગર ભક્તિ કરીએ. એવું નથી, જે રીતે થાય એ રીતે ભક્તિ કરો. મારો કહેવાનો હેતુ આચાર્ય તરીકે એ જ છે કે ભક્તિ ઉત્તમ થવી જોઈએ, પણ ભક્તિ કરવાની શરૂઆત તો કરો.
આપણા નસીબ આડેનું પાંદડું હટી જાય, આપણું કામકાજ સારી રીતે ચાલે, આપણી તંદુરસ્તી સારી રહે, છોકરા-છોકરીઓનાં લગ્ન સારે ઠેકાણે થઈ જાય એવા કે પછી મનમાં જે વાત આવે એ બહાને ભક્તિ કરો. ભક્તિમાં એટલું સામર્થ્ય છે કે એવી બધી કચરા જેવી અભિલાષા ભક્તિ આપોઆપ દૂર થઈ જાય છે. સ્વચ્છતાનો આગ્રહી જ્યાં પણ બેસશે ત્યાં પોતાના હાથથી થોડું સાફસૂફ કરી જ લેશે. ભક્તિ શું છે? એટલું તો વિચારો કે પરમાત્મા સ્વયં જેને આધીન રહે છે એ ભક્તિ આપણો કચરો કાઢી નાખશે, તમે શરૂ તો કરો.
તમે જ્ઞાન પામશો એ વાત તમે માનતા નથી અને માનશો પણ નહીં, કારણ કે તમારો આગ્રહ હઠતા અને શઠતા સાથે જોડાયેલો છે. નહીં તો તમે જ્ઞાનનો આગ્રહ રાખો તો એ પણ ભક્તિ જ છે.