પોતાના સાચા હકની કમાણીથી આજીવિકા ચલાવવી એને નીતિ કહેવાય

12 September, 2025 11:58 AM IST  |  Mumbai | Swami Satchidananda

આટઆટલી કથાઓ, યજ્ઞો, શિબિરો, સામૈયાંઓ જેવા ધાર્મિક કાર્યક્રમોથી દેશ ધમધમતો હોવા છતાં પ્રજાનું નીતિમત્તાનું ધોરણ સુધારી શકાતું નથી એ હકીકત છે અને આ હકીકત આપણી પ્રજાના દુઃખનું કારણ છે.

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

ધર્મથી સુખી થવાય છે એનો અર્થ જ્યારે પૂર્વના કરેલા ધર્મથી બંધાયેલા પ્રારબ્ધથી સુખી થવાય છે એવો કરવામાં આવે તો એવી પ્રજા પ્રારબ્ધવાદી બની જાય છે. ધર્મથી સુખી થવાય એનો યોગ્ય અર્થ એ હોવો જોઈએ કે નીતિમત્તાપૂર્ણ કર્તવ્યપરાયણ જીવન જીવવાથી વ્યક્તિ તથા સમાજ સુખી થાય છે. પ્રત્યેક વ્યક્તિ જ્યાં છે ત્યાં પોતાનું સત્યનિષ્ઠાથી કર્તવ્યપાલન કરે, ઉચ્ચ નીતિમત્તાનાં ધોરણોને જાળવી રાખવા માટે દુ:ખો સહન કરવાં પડે તો કરે; પણ નીતિમત્તાની સ્થિતિને આંચ આવવા ન દે. નોકરી, વ્યાપાર, ઉદ્યોગ, ધર્મ, સમાજ, રાષ્ટ્ર એમ જીવનનાં તમામેતમામ ક્ષેત્રોમાં નીતિમત્તાનું ધોરણ સુદૃઢ રહે તો વ્યક્તિ તથા પ્રજા સુખી થાય.

ભારતની પ્રજા દુ:ખી કેમ છે? આપણે ત્યાં આ પ્રશ્ન આ જ સ્તર પર પુછાય છે. એવું નથી પુછાતું કે ભારતની પ્રજા દુઃખી છે કે નહીં? ના, એ દુઃખી છે એ નિર્વિવાદ છે અને એટલે જ અત્યારે પણ તમને પૂછ્યું કે ભારતની પ્રજા દુઃખી કેમ છે? આ સવાલનો જવાબ અત્યંત સરળ છે, પણ એને સ્વીકારવાની તૈયારી હોવી જોઈએ.

નીતિમત્તાનું ધોરણ તદ્દન કથળી ગયું હોવાથી. હા, આ એક જ કારણ છે કે જેને લીધે ભારતની પ્રજા દુઃખી છે.

આટઆટલી કથાઓ, યજ્ઞો, શિબિરો, સામૈયાંઓ જેવા ધાર્મિક કાર્યક્રમોથી દેશ ધમધમતો હોવા છતાં પ્રજાનું નીતિમત્તાનું ધોરણ સુધારી શકાતું નથી એ હકીકત છે અને આ હકીકત આપણી પ્રજાના દુઃખનું કારણ છે. બીજી તરફ જુઓ તમે. પશ્ચિમના દેશોમાં આપણે ત્યાં થાય છે એવા અને એટલા યજ્ઞો નથી થતા, કથા કે સપ્તાહો નથી થતાં અને એમ છતાં ત્યાંની પ્રજાનું નીતિમત્તાનું ધોરણ ઊંચું એટલા માટે છે કે ત્યાં ધર્મના નામે ભ્રાન્તિ ફેલાવાતી નથી. ધર્મને કર્તવ્યનિષ્ઠા અને નીતિમત્તા સાથે જોડી દેવામાં આવ્યો છે એટલે ધર્મ રોજના જીવનના પ્રશ્નોને ઉકેલતો થયો છે. 

નીતિમત્તા એટલે શું? અનીતિ એટલે શું? આ પ્રશ્નોનો ઉત્તર સરળ પણ છે અને કઠિન પણ છે. 

પોતાના સાચા હકની કમાણીથી આજીવિકા ચલાવવી એને નીતિ કહેવાય. વગર હકની, જોરજુલમની, દગા-ફટકાની તથા સમાજ, રાષ્ટ્ર અને માનવતાને હાનિ પહોંચાડનારી કમાણી કરીને આજીવિકા ચલાવવી એને અનીતિ કહેવાય. મહેનતાણાના પ્રમાણમાં કામ ન કરવું, કામચોરી કરવી, કર્તવ્ય ન કરીને લોકોને રખડાવ્યા કરવા એને પણ અનીતિ કહેવાય. ભેળસેળ કરવી, ઓછું જોખવું, દગો-ફટકો કરવો એને પણ અનીતિ કહેવાય. પ્રજાજીવનનું આર્થિક પાસું જેટલું નીતિમય હશે એટલી જ પ્રજા નિર્ભય અને સુખી હશે, પણ જો આર્થિક પાસું ઉપરના નેતાઓથી માંડીને નીચેના માણસો સુધી અશુદ્ધ થઈ ગયું હશે તો પ્રજા નીતિભ્રષ્ટ થઈ કહેવાશે. આવી પ્રજા ધાર્મિક હોય જ નહીં. એને ધાર્મિક માનવાની ભૂલ પણ ન કરવી જોઈએ.

culture news life and style lifestyle news columnists