10 December, 2025 02:28 PM IST | Mumbai | Swami Satchidananda
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)
ધર્મ કોઈ શાસ્ત્રોમાં કહેલી કે પછી એમાં ચીંધેલી વાત નથી. ધર્મ કંઈ મંદિરે જઈને દર્શન કરવાની કે પછી ઘરમાં લાવેલા ભગવાનને રોજેરોજ દીવો ને અગરબત્તી કરવાની પણ વાત નથી. ધર્મ એટલે એકટાણાં ને ઉપવાસ પણ નહીં. ધર્મ એટલે રોજેરોજ બોલાતા મંત્રો પણ નહીં. ધર્મ એટલે જે પ્રક્રિયાના લીધે અન્યના જીવનમાં અજવાસ પથરાય, ત્રાહિતના મનમાં પ્રેમભાવ જન્મે અને વ્યક્તિના કારણે અન્ય કોઈનું જીવન વધારે સુખમય બને એ માર્ગ. મોક્ષને પામવા મેં ભારતભરની યાત્રા કરી અને એ પછી મને નિરાશા જ સાંપડી પણ એ જે અનુભવ મળ્યો એ અનુભવે ઘણું શીખવી દીધું.
એ અનુભવો થકી સમજાયું કે જો તમે મૂર્તિના આરાધક બનીને ચોવીસે કલાક એની પૂજા-અર્ચના કર્યા કરો પણ તમારા થકી અન્ય કોઈને સતત દુઃખ પહોંચતું હોય તો એ મૂર્તિને કરેલી પૂજા-અર્ચના અને યાચના વ્યર્થ છે, નિર્રથક છે. જૈનધર્મીઓનો એક ગુણ મને ગમે છે. એમાં દીક્ષા લેતાં પહેલાં પરિવારજનોની આજ્ઞા લેવાની હોય છે, જે જાહેરમાં જ માગવાની રહે છે. બીજું કે દીક્ષા લેતાં પહેલાં સંસારમાં જ રહીને અમુક મહિનાઓ સુધી દીક્ષાર્થી જીવન જીવવાનું હોય છે. આ એક પ્રકારની પરીક્ષા છે. વ્યક્તિ સ્મશાન વૈરાગ્યમાં આવીને હઈશો-હઈશો કરી સંસાર છોડવા તરફ દોટ મૂકે એના કરતાં પહેલાં દીક્ષાર્થી બનીને જીવન જીવે, એ જીવનમાં આવતાં કષ્ટને અનુભવે અને એ અનુભવ્યા પછી જો વિચાર બદલે તો તે ફરીથી સંસાર તરફ પ્રયાણ કરી શકે છે. આવું સનાતનની દરેક દીક્ષામાં થવું જોઈએ એવું મને અંગત રીતે લાગે છે. અમુક પંથ અને સંપ્રદાયમાં આ પ્રકારના નિયમો છે એની ના નહીં પણ હું કહીશ કે દરેકે આવો નિયમ બનાવવો જોઈએ અને સાથોસાથ એ પણ નિયમ બનાવવો જોઈએ કે દીક્ષા કે સંન્યાસ લેવા આવેલી વ્યક્તિની પહેલી આવશ્યકતા કોને છે એ જોવામાં આવે.
વર્ષો પહેલાંનો એક કિસ્સો કહું. કિશોર વયનો એક છોકરો ઘરેથી ભાગીને આશ્રમે આવી ગયો. તેને સંન્યાસ લેવો હતો. થોડા દિવસ પાસે રાખી અમે તેને સમજાવ્યો કે સંન્યાસ લેવાનો આ સમય નથી, પહેલાં પરિવાર અને સમાજની સેવા કરો અને એ પછી આ માર્ગે આવો. વર્ષો વીતી ગયાં અને એક દિવસ એ છોકરો કલેક્ટર બની અમારા આશ્રમે આવ્યો. એ સમયે શિષ્ય ગુમાવ્યાના અફસોસને બદલે ખુશી હતી કે રાષ્ટ્રને એક એવો નાગરિક આપ્યો, જે સાચા અર્થમાં અન્યની સેવા કરીને રાષ્ટ્રધર્મ નિભાવે છે.