ભરોસો, ભોળપણ અને ભીનાશ જો ન હોય તો ભક્ત અર્થહીન

06 February, 2026 01:17 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સ્વાધ્યાય કરવાનું, સ્વાધ્યાયમાં પ્રમાદ ન કરવાનું. વેદોનું અધ્યયન નિત્ય થવું જોઈએ. બ્રહ્મયજ્ઞ નિત્ય કરવાનો.

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

માખણનું એક નામ નવનીત છે. નિતનવું તાજું માખણ. રોજ મંથન કરવાનું. યશોદા રોજ તાજું માખણ કનૈયા માટે બનાવે છે. એક ભાવ એવો પણ છે કે કથાના જે વક્તાઓ હોય તેમણે રોજ મંથન કરવાનું. શેનું? શાસ્ત્રોનું, વેદોનું, ઉપનિષદોનું. સ્વાધ્યાય કરવાનું, સ્વાધ્યાયમાં પ્રમાદ ન કરવાનું. વેદોનું અધ્યયન નિત્ય થવું જોઈએ. બ્રહ્મયજ્ઞ નિત્ય કરવાનો.

શાસ્ત્રમાં આને બ્રહ્મયજ્ઞ કહે છે.

વિદ્યાર્થી જ્યારે ભણીને ગુરુકુળમાંથી જાય ત્યારે ગુરુ તેને આશીર્વાદ આપે : તારા વેદ વાસી ન થાય. અધ્યયન ન કરીએ તો ભુલાઈ જાય. વાસી થઈ જાય. એમાં વિકૃતિ આવી જાય. અધ્યયન ન થાય, સ્વાધ્યાય ન થાય તો વિદ્યા ન ટકે. વક્તાએ પણ શ્રીમદ્ ભાગવતનું યશોદાના ભાવથી નિત્ય મંથન કરવું અને એ મંથનથી, સ્વાધ્યાયથી જે નવો ભાવ જાગે, નવા અર્થ મળે એ નવનીત છે.
વક્તા કથા કરે એનો અર્થ? એ નવા ચિંતનનો શ્રીકૃષ્ણને ભોગ ધરાવે છે. આ જ માખણ-મિસરી છે. શ્રોતાઓના હૃદયમાં બેસી શ્રીકૃષ્ણ એ માખણ-મિસરીનો ભોગ આરોગે છે. બધાનો આત્મા શ્રીકૃષ્ણ છે. પરમાત્મા બધાના હૃદયમાં બેઠા છે. બાલકૃષ્ણ જેવી નિર્દોષતાથી શ્રોતાએ બેસવાનું છે. ભક્તિમાં ત્રણ વસ્તુ હોય. ભોળાનાથ પરમ વૈષ્ણવ છે. વૈષ્ણવ જે હોય એમાં ત્રણ વસ્તુ હોવી જોઈએ. પહેલું ભોળપણ. વૈષ્ણવમાં ભોળપણ હોય. કપટ જેનામાં હોય તે વૈષ્ણવ ન કહેવાય. કપટ ભગવાનને ગમે જ નહીં.

નિર્મલ મન જન સૌ મોહિ પાવા
મોહિ કપટ છલ છિદ્ર ન ભાવા

ભક્ત એટલે ભોળો, નિષ્કપટ. ભક્ત એટલે ભોળપણ. બીજું, ભક્ત ભીનો હોય. તમે જોશો, ભોળાનાથ જેવો બીજો કોઈ નહીં. ભોળાનાથને પાણીનો અભિષેક નિરંતર થતો રહે. એ ભીના-ભીના દેવ છે. તમે ગમે ત્યારે પાણીનો લોટો લઈને જાઓ, તે રાજી થઈ જાય. ભક્ત ભીનો હોવો જોઈએ. તેની આંખ સદા ભીની રહે. ભક્તિભાવથી ભીંજાયેલો હોય. ભક્ત એટલે ભોળપણ, ભક્ત એટલે ભરોસો. દૃઢ ભરોસો. ભોળિયોનાથ ભરોસાનું સાક્ષાત સ્વરૂપ છે. શંકરજી વિશ્વાસનું ઘનીભૂત રૂપ છે. ભોળાનાથ પાસેથી આ ત્રણ વસ્તુ લેવાની છે : ભરોસો, ભોળપણ અને ભીનાશ. ભક્તમાં વિશ્વાસ હોવો જોઈએ. વિશ્વાસ વગર ભક્તિ શક્ય જ નથી. આમ આ ત્રણ ગુણો ભરોસો, ભોળપણ અને ભીનાશ હશે તો અધ્યાત્મ માર્ગે પ્રગતિ નિશ્ચિત છે.

culture news life and style lifestyle news columnists exclusive gujarati mid day