Valentine’s Day 2024: તમને જે થાય છે એ ‘પ્રેમ’ નથી તો શું છે? આવો, સમજીએ આ આદ્યાત્મિકજીવો પાસેથી

14 February, 2024 02:10 PM IST  |  Mumbai | Dharmik Parmar

Valentine’s Day 2024: આપણા હિંદુ સનાતન ધર્મમાં, શાસ્ત્રોમાં પણ પ્રેમને લઈને એવા કેટલાય પ્રસંગો આવે છે. જે વિશે આ આધ્યાત્મિક વ્યક્તિઓએ પોતાના વિચાર રજૂ કર્યા છે.

પ્રીતમ પ્રસાદ સ્વામી, જૈન મુનિ આદર્શચંદ્રજી મહારાજ સાહેબ અને બ્રહ્મકુમારીઝના સંગીતા દીદી

આજે વેલેન્ટાઇન્સ ડે (Valentine’s Day 2024) નિમિત્તે જાણીએ કે ખરેખર તો આદ્યાત્મિક જીવનમાં પ્રેમ એટલે શું તે વિશે બીએપીએસ સ્વામિનારાયણ મંદિર દાદરના સંત પ્રીતમ પ્રસાદ સ્વામી ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમને જણાવે છે કે, “જેના દર્શન, સ્પર્શન, શ્રવણ કે ભાષણથી અંતઃકરણ દ્રવ્ય છે તેનું નામ ‘પ્રેમ’ છે. પ્રેમ વગર જીવન લાંબુ ટકી શકતું નથી. પ્રેમના આધારે ગમે તેવો દુઃખી માણસ હોય તે પણ તરી જાય છે”

આખરે પ્રેમ એટલે શું? સાથે જ પ્રેમ કોને-કોને અને કોના-કોના પ્રત્યે થઈ શકે? જો એની વાત કરીએ તો પ્રીતમ પ્રસાદ સ્વામી કેટલી સહજતાથી કરે છે. તેઓ કહે છે કે, “પતિ-પત્નીનો પ્રેમ, ભાઈ બહેનનો પ્રેમ, પુત્ર અને મા બાપ સાથેનો પ્રેમ, સાસુ વહુનો પ્રેમ એ અત્યંત જરૂરી છે. ખરેખર તો પ્રેમમાં સ્વાર્થની કોઈ માત્રા ન હોવી જોઈએ. તો જ પ્રેમ ટકી શકે.”

પ્રીતમ પ્રસાદ સ્વામી

આપણા હિંદુ સનાતન ધર્મમાં, શાસ્ત્રોમાં પણ પ્રેમને લઈને એવા કેટલાય પ્રસંગો આવે છે. જે વિશે પ્રીતમ પ્રસાદ સ્વામી સરસ ઉઘાડ કરી આપે છે. તેઓ કહે છે કે, “શબરી માતાનો પ્રેમ પણ વખાણવા લાયક છે. રામચંદ્ર ભગવાન તેમના બોર જમવા અચૂક પધારશે તે માટે શબરી માતા રોજ બોર વીણવા જાય, સાંજ સુધી રામની રાહ જુએ. ન આવે એટલે ફેંકી દે. ફરી બીજે દિવસે પણ વીણવા જાય આમ ઘણા દિવસો કે ઘણા મહિના સુધી આ ક્રિયા કરી. પ્રેમ વગર આ ન સંભવે. ગોપીઓનો કૃષ્ણ પ્રેમ પણ જાણીતો છે. ગોપીઓ કહેતી અમારા મૃત્યુ પછી પણ અમારા હાડકામાંથી કોઈ વાંસળી બનાવશે તોય તેમાંથી કૃષ્ણ કૃષ્ણ એવો અવાજ આવશે... આ કેટલો ઉત્કૃષ્ટ પ્રેમ હશે!”

દરેક સંપ્રદાયમાં ભગવાન અને તેમના ભક્તો વચ્ચે અનન્ય પ્રેમ જોવા મળ્યો છે. જો આપણે સ્વામિનારાયણ સંપ્રદાયની વાત કરીએ તો પ્રીતમ પ્રસાદ સ્વામી કહે છે કે, “સ્વામિનારાયણ ભગવાન માટે જેતલપુરના ગંગામાંનો પ્રેમ પણ જાણીતો છે. તેઓ સ્વામિનારાયણ ભગવાન સાથે સંઘમાં ફરતા ત્યારે માથા પર ટોપલો મૂકી તેમાં સગડી પર દાળ ચોખા રાંધવા મુકતા. જ્યાં સંઘ વિરામ પામે ત્યાં દાળ ભાત તૈયાર થઈ ગયા હોય. આજ સુધી કોઈ માએ પણ પોતાના દીકરા માટે પણ આટલો પ્રેમ દાખવ્યો હશે કે કેમ તે એક વિચાર માગી લે છે. અમે હું પોતે સાધુ થઈ ગયો ઘરબારનો ત્યાગ કર્યો તે માત્ર પ્રમુખસ્વામી મહારાજના પ્રેમના કારણે જ. આત્માના કલ્યાણ માટે આવા સંત સાથે અને ભગવાન સાથે જ પ્રેમ કરવો જોઈએ”

આધ્યાત્મિક જગત સાથે જેણે પોતાનો ભવભવનો નાતો જોડ્યો છે એવા જૈન મુનિ આદર્શચંદ્ર મહારાજ સાહેબ પ્રેમ અને ઋણાનુબંધ બંને વિષેનો ભેદ ખોલી અપોએ છે. તેઓ ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથે વાત કરતાં જણાવે છે કે, “પ્રેમમાં ડિસ્ક્રિમિનેશન ના હોય. એટલે જ કે પ્રેમ એક ને હોય અને બીજા પ્રત્યે ન હોય એવું ન બને. એ જ એનો એક ગુણ છે. કોઈ એક વ્યક્તિ પર આપણને પ્રેમ થાય છે ત્યારે એવું કહેવાય કે એ ઋણાનુબંધ હોય છે. શાસ્ત્ર ભાષામાં એને ઋણાનુબંધ કહેવાય છે. ઋણાનુબંધ અને પ્રેમ એ બંને જુદી વસ્તુ છે, એ સમજવાની જરૂર છે. પ્રેમ એક ક્વોલિટી છે જે ડેવલપ કરવાની છે.”

જૈન મુનિ આદર્શચંદ્રજી મહારાજ સાહેબજી

અત્યારે આપણે જે વેલેન્ટાઇન્સ ડે (Valentine’s Day 2024) ઉજવીએ છીએ તેમાં જે પ્રેમની વાતો થાય છે તે શું છે એવું પૂછતાં જૈન મુનિ આદર્શચંદ્રજી મહારાજ સાહેબ કહે છે કે, “એ માત્ર એટેચમેન્ટ હોય છે. જે બહારના અમુક કારણોને લીધે થતું હોય છે. અત્યારે જે ‘પ્રેમ’ થાય છે તે માત્ર એટેચમેન્ટ થતું હોય છે. જેમાં Age Factor, હરમોન્સ ચેન્જીસ વગેરેના પ્રભાવની અસર હોય છે. પણ એ લોકોમાં એટલી જાગૃતતા હોવી જોઈએ કે જેટલા પણ એટ્રેક્શન થાય એમાં કોઈને દુઃખી નહીં કરવાનું. અને એ જ પ્રેમ છે. પ્રેમમાં એક વાત યાદ રાખવાની હોય કે કોઈને હું ડિસ્ક્રિબિનેટ નહીં કરું કે કોઈને હું દુઃખી નહીં કરું. વળી, કોઈની લાઇફ બરબાદ થાય એવું પણ નહીં કરું.”

વેલેન્ટાઇન્સ ડે (Valentine’s Day 2024) ઊજવતાં આપણે સૌએ એ પણ જાણવું રહ્યું કે જૈન શાસ્ત્રો આપણને કઈ રીતે ‘પ્રેમ’ને સમજાવી આપે છે એ વિષે જૈન મુનિ આદર્શચંદ્રજી મહારાજ સાહેબ જણાવે છે કે, “જૈન શાસ્ત્રોમાં પ્રેમ અને ઋણાનુબંધને જુદુ બતાવવામાં આવ્યું છે. પ્રેમને વિશ્વ પ્રત્યેનો મૈત્રી ભાવ તરીકે બતાવવામાં આવ્યો છે અને અત્યારે આપણને જે વ્યક્તિગત થાય છે તેને ઋણાનુબંધ તરીકે ગણાવ્યો છે. હા, પ્રેમ એ તો સર્વત્ર, સર્વ કાળનો અને સર્વદ્રવ્યનો, સર્વ ભાવનો હોય છે. પ્રેમ કોઈ દિવસ કન્ડિશનલ હોતો નથી”

બોરિવલી પૂર્વમાં બ્રહ્મકુમારીઝ સેન્ટરમાં છેલ્લા 28 વર્ષથી સેવા આપતા સંગીતા દીદી ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમને જણાવે છે કે, “બહારની દુનિયાનો પ્રેમ વ્યક્તિનો પ્રેમ હોય છે. જ્યારે પરમાત્મા સાથેનો પ્રેમ નિઃસ્વાર્થ હોય છે. તેમાં કોઈ ચાહના હોતી નથી, પણ ભાવના હોય છે. જ્યાં પ્રીત હોય છે ત્યાં પ્રાપ્તિ હોય છે. સ્વાર્થ હોય ત્યાં પ્રાપ્તિ હોતી નથી. વળી, પરમાત્મા સાથેનો પ્રેમ વ્યક્તિને આનંદના મોડ પર લઈ જાય છે. તેમાં આનંદની અનુભૂતિ હોય છે. વળી, પરમાત્માનો પ્રેમ અંતઃકરણથી આવતો હોય છે.”

બ્રહ્મકુમારીઝમાં સેવા આપતાં સંગીતા દીદી

વેલેન્ટાઇન્સ ડે (Valentine’s Day 2024) નિમિત્તે પરમાત્મા સાથેના પ્રેમ વિશે વાત કરતાં સંગીતા દીદી આગળ જણાવે છે કે, “આત્માને પરમાત્માનો અનોખી તાકાત પ્રાપ્ત થાય છે. પ્રેમ એ એક રુહાની એનર્જી છે. પરમાત્મા સાથે તો પ્રેમ કેમ ના કરી શકાય છે, એકવાર એની શક્તિ ઓળખાઈ જાય પછી તે પ્રેમ થતો હોય છે”

valentines day swaminarayan sampraday gujaratis of mumbai religious places hinduism life and style culture news