✕

એલો રે દુગ્ગા એલો રે

18 October, 2026 12:00 PM IST  |  West Bengal | Alpa Nirmal

નવરાત્રિની સાથે બંગાળીઓનો અતિ પવિત્ર અને પ્યારો ધાર્મિક તહેવાર દુર્ગાપૂજા શરૂ થઈ ગયો છે

બિષ્ણુપુરના મૃણમયી મંદિરનું આર્કિટેક્ચર બંગાળી હવેલી જેવું છે.

નવરાત્રિની સાથે બંગાળીઓનો અતિ પવિત્ર અને પ્યારો ધાર્મિક તહેવાર દુર્ગાપૂજા શરૂ થઈ ગયો છે. એ અન્વયે આપણે જઈએ બંગાળના મા મૃણમયી મંદિરે જ્યાંથી દુર્ગાપૂજા સેલિબ્રેશનનાં મંગળાચરણ થયાં હતાં. ૧૦૩૦ વર્ષથી ચાલતી આ પૂજા અહીં ૧૮ દિવસ ચાલે છે અને માતાની મુખ્ય મૂર્તિનું વિસર્જન ક્યારેય નથી થતું

દક્ષિણ ભારતની જેમ પશ્ચિમ બંગાળમાં પણ પૂજાપદ્ધતિ ઉત્તર ભારતની પ્રચલિત પદ્ધતિઓથી ભિન્ન છે. અહીંની સનાતન પ્રજા શ્રીકૃષ્ણ, દૈવી શક્તિ તથા શૈવપંથી જ છે; પરંતુ તેમની ઘણી ધાર્મિક વિધિઓ બહુ અલગ છે. જુઓને, મોટા ભાગની હિન્દુ પ્રજા આસો સુદ એકમથી દસમ સુધી શક્તિ પર્વ મનાવે છે, પરંતુ બંગાળીઓ આસો સુદ ષષ્ઠીથી દશેરા સુધી દુર્ગાપૂજાનો ઉત્સવ કરે છે અને ભારે ઉમંગ અને હોંશથી ઊજવાતો આ પ્રસંગ કોઈ વૈદિક ગ્રંથ કે ઋષિમુનિએ કહેલો નથી. આ પરંપરા એક રાજાએ શરૂ કરાવેલી પૂજા છે.

૧૦ સદી પહેલાંની આ પરંપરાના મૂળ ક્ષેત્રે જવા પહેલાં આપણે દુર્ગાપૂજા પાછળની કિંવદંતી જાણીએ. આજથી ૧૦૦૦ વર્ષ પહેલાં પશ્ચિમ બંગાળના બિષ્ણુપુર અને એની આજુબાજુના મોટા વિસ્તારમાં મલ્લા સામ્રાજ્યનું રાજ્ય હતું. આ રાજવી વશંજની અનેક પેઢીઓએ અહીં રાજ કર્યું. આ મલ્લા વંશના ઓગણીસમા શાસક જગતમલ્લ એક વખત મલ્લભૂમ રાજ્યની આસપાસ આવેલા જંગલમાં શિકારે નીકળ્યા. શિકારની શોધમાં તેઓ ગાઢ જંગલમાં પહોંચી ગયા. ત્યાં તેમને એક સોનેરી હરણ દેખાયું. શિકારના શોખીન રાજા હરણને મારવા એનો પીછો કરી રહ્યા હતા ત્યારે અચાનક એ મૃગ ગાયબ થઈ ગયું. એ પછી તેમણે એક સારસ (પક્ષી)ને વડ પર બેઠેલું જોયું. મધુર અવાજે ચહેકતા એ પંખીડાને મારવા રાજવીએ તીર તૈયાર કર્યું ત્યાં તો એ પણ અલોપ થઈ ગયું. જગત મલ્લા એકદમ સ્તબ્ધ થઈ ગયા. જોકે આવી ઘટનાઓ અહીંથી અટકી નહીં. પક્ષી ગાયબ થયું ત્યાં અચાનક તેમણે દૈવી સ્વરૂપની એક સ્ત્રીને પ્રગટ થતાં જોઈ. આવા ગાઢ જંગલમાં આ સુંદર સ્ત્રીને જોઈને રાજા અવાચક થઈ ગયા. ત્યાં તો તે દેવીના મધુર હાસ્યથી આખું વાતાવરણ ગુંજી ઊઠ્યું અને રાજા પણ તંદ્રામાંથી બહાર આવ્યા. એ દૈવીય અવાજે રાજનને જણાવ્યું કે તેઓ મા મૃણમયી છે અને રાજાના કુશળ રાજવહીવટથી અત્યંત પ્રસન્ન છે. એ સાથે માતાએ આદેશ પણ આપ્યો કે રાજા પોતાના રાજ્યની રાજધાની આ સ્થળે સ્થાનાંતરિત કરે. ઉપરાંત મૃણમયી માતાએ રાજાને નિર્દેશ કર્યો કે તેઓ જ્યાંથી પ્રગટ થયાં એ વૃક્ષની નીચેથી તેમને એક મૂર્તિ મળશે અને રાજા એના જેવી જ માટીની પણ મોટી મૂર્તિ બનાવડાવે.

માતાનો આદેશ થતાં રાજા જગતમલ્લે શ્રમિકોને આ સ્થળે કામે લગાડી દીધા. તેમણે આખું જંગલ સાફ કર્યું અને જ્યાંથી દુર્ગામાતાની મૂર્તિ મળી હતી ત્યાં માતાનું નાનું મંદિર બનાવ્યું. એ સ્થાને આજે પણ અહીં મંદિર મોજૂદ છે અને ગંગા નદીની પવિત્ર માટીથી બનેલી માતા દુર્ગાની એ મૂર્તિ પણ હાજરાહજૂર છે. મુખ્ય મૂર્તિના પરિકરમાં સરસ્વતીમાતા, લક્ષ્મીમાતા, કાર્તિકેય તથા ગણેશજીની નાની મૂર્તિઓ છે. ઈસવીસન ૧૮૭૬થી ૧૮૮૫માં રાજા રામકૃષ્ણ દેવમલ્લે નિર્માણ કરાવેલા હાલના મંદિરનું આર્કિટેક્ચર બંગાળી હવેલી જેવું છે. એને કોઈ શિખર નથી. હા મંદિર, મૂર્તિ સાથે એ વડનું ઝાડ પણ લીલુંછમ છે અને એની ઉપર વીંટળાયેલી ચારુલતા પણ.

હવે દુર્ગાપૂજા કઈ રીતે શરૂ થઈ એ વિશે વાત કરીએ. રાજા જગતમલ્લે પોતાની રાજધાની પ્રદ્યુમ્નપુરથી બિષ્ણુપુર શિફ્ટ કરી જ્યાં મંદિર બનાવાયું હતું. એ પછી તેમણે અહીં મા દુર્ગાના અનુયાયીઓને ભેગા કરવા નવરાત્રિ દરમ્યાન પૂજા-મહોત્સવ કરવાનો શરૂ કર્યો. ધીરે-ધીરે માઈભક્તો અહીં આવવા લાગ્યા અને એ પછી આ અનુઠો ધાર્મિક ઉત્સવ પૂરા બંગાળમાં ફેલાતો ગયો. રાજાએ શરૂ કરેલી આ પૂજાપરંપરા આજે ફક્ત બંગાળ રાજ્ય કે ભારતદેશમાં જ નહીં, વિદેશોનાં શહેરોમાં પણ જ્યાં-જ્યાં બંગાળી પ્રજાની મોટી વસ્તી છે ત્યાં-ત્યાં ભારે ધામધૂમથી ઊજવાય છે. જોકે ૧૦૦૦ વર્ષમાં આ વિધિમાં ઠેકઠેકાણે થોડા ફેરફારો થયા છે, પરંતુ બિષ્ણુપુરમાં આજે પણ એ જ સદીઓ પહેલાંની રાજવી પરંપરાએ આખી ધાર્મિક વિધિ થાય છે. કહેવાય છે કે હવે તો રાજઘરાના ગયા અને રાજપરિવાર પણ અલગ-અલગ વહેંચાઈ ગયો છે. છતાં એ રાજવી કુટુંબના કોઈ સદસ્યને આજે પણ માતા મૃણમયીદેવીનું દિવ્ય સ્વપ્ન આવે છે. એ પછી માટીની મુખ્ય મૂર્તિને રંગકામ શરૂ થાય છે અને દુર્ગાપુજાની આગોતરી શરૂઆત થઈ જાય છે.

આગળ કહ્યું એમ બિષ્ણુપુરમાં થતી આ ઐતિહસિક દુર્ગાપૂજા રાજ્યની મુખ્ય ધારામાં ઊજવાતી પૂજાઓથી ભિન્ન છે. અહીં મહોત્સવની શરૂઆત જિતી અષ્ટમી (ગુજરાતી પંચાંગ અનુસાર ભાદરવા વદ ૮)થી શરૂ થાય છે. માતા મૃણમયી સાથે મહાકાલી, મહાલક્ષ્મી તથા મહાસરસ્વતીની પૂજા પણ થાય છે જે અનુક્રમે બડી ઠકુરાણી, મજલી ઠકુરાણી અને છોટી ઠકુરાણી નામે ઓળખાય છે. અહીં માતાની મૂર્તિઓ નથી બનતી, બલ્કે તેમનું પટ્ટચિત્ર (કૅન્વસ અથવા માટીના ચોરસ ચોસલા પર) બનાવાય છે. જિતી અષ્ટમીના જીમૂતબાહનની પૂજા થયા બાદ પછીના દિવસે કૃષ્ણનવમીએ બડી ઠકુરાણીનું મંદિર ધામધૂમથી આગમન કરાય છે. ત્યાર બાદ મંદિરમાં પૂજારીઓ વિવિધ ધાર્મિક અનુષ્ઠાનો કરે છે, જેમાં આમ જનતાને જવાની મંજૂરી નથી. એ પછી નવરાત્રિના ચતુર્થ દિવસે મહાલક્ષ્મીનું સ્વરૂપ મજલી ઠાકુરાણી પ્રવેશ કરે છે અને એના બે દિવસ બાદ છોટી ઠાકુરાણી (સરસ્વતીજી)નું આગમન થાય છે અને દર્શનાર્થીઓ માટે મંદિરના કપાટ ખૂલે છે. આ દરમ્યાન દરેક ઠાકુરાણીના આગમન વખતે વિશેષ તોપથી સલામી આપીને માતાનું સ્વાગત કરવામાં આવે છે. આસો સુદ છઠથી શ્રદ્ધાળુઓની આસ્થા પુરબહારમાં ખીલેલી હોય છે, જેની ચરમસીમા મહાઅષ્ટમી અને મહાનવમી વચ્ચેના સંક્રમણકાળમાં યોજાતી સંધિપૂજા દરમ્યાન આવે છે. આ સંધિપૂજા પણ પૂજારી અને રાજપરિવારના સભ્યો મંદિરમાં ગુપ્તપણે કરે છે, પરંતુ એ સમયે મંદિરની બહાર ઊભેલા જલદરી (પહેરેદાર) જ્યારે નજીકના મુચ્છર નામના પહાડ પર ઊભેલા તોપચીને તોપ ફોડવાનો ઇશારો કરે છે અને એ ઐતિહાસિક તોપમાંથી લાલ-પીળા રંગની વિશાળ અગ્નિજ્વાળાઓ નીકળે છે ત્યારે ભાવિકોનો ઉન્માદ જ્વાળાઓની જેમ જ આકાશને આંબે છે.

મહાઅષ્ટમી પછી મહાનવમીએ કચ્છરવાહિની (ખચ્ચર પર સવાર દેવી)ની પૂજા થાય છે. એવું મનાય છે કે દુર્ગામાતાનો આ અવતાર સૌથી ભયાનક છે. આ દિવસે પણ દર્શનાર્થીઓનો પ્રવેશ વર્જિત હોય છે. તેઓ દસમીના દિવસે આવે છે. યજ્ઞના પવિત્ર અગ્નિમાં આહુતિ આપે છે અને એ પછી ત્રણેય ઠાકુરાણીના નવપટિકાઓનું વિસર્જન કરવામાં આવે છે. વિજયાદસમીની સંધ્યાએ મા મૃષ્ણયીદેવીને નીલકંઠ પક્ષીનાં દર્શન કરાવાય છે. એ પછી રાજપરિવાર માઈના આશીર્વાદ લે છે. ત્યાર બાદ સર્વે ભક્તો માતાનાં દર્શન કરે છે. એ જ દિવસથી અહીં ૩ દિવસ દસમ, અગિયારસ અને બારસના રાવણ કાટા ઉત્સવની શરૂઆત થાય છે. ૧૬ વ્યક્તિઓ હનુમાન, જામવંત, વિભીષણ, સુગ્રીવ જેવાં પાત્રોના મુખવટા પહેરીને ભાવિકો સાથે પૂરા શહેરમાં ઢોલનગારાં સાથે નાચતાં-નાચતાં ફરે છે અને દસમીએ કુંભકર્ણનો વધ, અગિયારસે ઇન્દ્રજિતનો અને બારસે રાવણનો વધ કરીને આ ઐતિહાસિક ઉત્સવનું સમાપન કરે છે.

ટેરાકોટા ટાઉન ‌વિષ્ણુપુર
ટેરાકોટા ટાઉન તરીકે પ્રખ્યાત બિષ્ણુપુર ક્યાં આવ્યું છે એ કહેવાનું તો રહી જ ગયું. મલ્લ ડાયનૅસ્ટીનું આ પાટનગર કલકત્તાથી ફક્ત ૧૪૦ કિલોમીટર દૂર છે. હા, ટ્રેનમાં ૫૦ કિલોમીટરનું અંતર વધી જાય છે. ઇન શૉર્ટ, કલકત્તાથી અહીં ત્રણથી પાંચ કલાકમાં પહોંચી શકો. નકશામાં જોઈએ તો બાંકુરા જિલ્લાનું આ શહેર પશ્ચિમ બંગાળ રાજ્યની મધ્યમાં આવેલું છે અને 
ચાર-ચાર કલ્ચરલ એલિમેન્ટનું જનક છે. એક તો અફકોર્સ દુર્ગાપૂજા, બીજું ટેરાકોટા, ત્રીજું બિષ્ણુપુર સંગીતઘરાના અને ચોથું બાલુચરી સાડી. સમુદ્રની સપાટીથી ૬૦ મીટરની ઊંચાઈએ આવેલા આ શહેરની ભૂમિ ફળદ્રુપ છે અને અહીનું રાજા શ્યામ મંદિર, ઝોર બાંગ્લા મંદિર, રંગમંચ તથા બાંકુરાનું ૧૬ સ્ટોન ચૅરિયટ ખૂબ જ સુંદર છે. તેરમીથી અઢારમી સદીઓ દરમ્યાન અહીં કળા અને સંસ્કૃતિનો વ્યાપકપણે વિકાસ થયો, જે આજે પણ જીવંત છે. મુંબઈથી બિષ્ણુપુર જવા હાવડા કે ખડગપુર જતી ટ્રેનમાં બેસી લાસ્ટ ડેસ્ટિનેશન પર ઊતરીને લોકલ ટ્રેન અથવા બાય રોડ બિષ્ણુપુર પહોંચી શકાય. એ જ રીતે હવાઈ માર્ગે કલકત્તાનું ડમડમ ઍરપોર્ટ ઇસ લૅન્ડિંગ પૉઇન્ટ. બિષ્ણુપુર બંગાળના ટૂરિઝમ કેન્દ્રમાં આગવું સ્થાન ધરાવે છે. આથી અહીં રહેવા માટે દરેક કક્ષાની હોટેલો પણ છે અને રેસ્ટોરાંઓ પણ છે. આમ તો બંગાળમાં 
નૉન-વેજનું ચલણ વધુ છે, પરંતુ આ વિસ્તારમાં વૈષ્ણવિઝમનો વ્યાપ વધુ હોવાથી અહીં વેજિટેરિયન ફૂડ પણ સહેલાઈથી મળી રહે છે.

પૉઇન્ટ્સ ટુ બી નોટેડ
 એક સમયે અહીં પશુનો બલિ અપાતો હતો, પરંતુ ઈસવીસન ૧૫૬૫થી ૧૬૨૦ દરમ્યાન રાજ્ય કરનાર મલ્લરાજા બીર હમ્બીરનો સંત શ્રીનિવાસ આચાર્ય સાથે પરિચય વધતાં રાજાએ વૈષ્ણવ ધર્મ અપનાવ્યો અને પશુબલિ બંધ કરાવ્યો. હવે એ પશુબલિના સ્થાન પર માતાને શાક અને ફળો અર્પણ કરાય છે. આ વિધિને બેલ બરન કહેવાય છે.
 સંધિપૂજા દરમ્યાન મંદિરમાં પ્રવેશ વર્જિત હોવા છતાં હજારો શ્રદ્ધાળુઓ મંદિરની બહાર ઊભા રહે છે, કારણ કે તેમનું માનવું છે કે આ દરમ્યાન સર્વવ્યાપી રૂપથી માતાની વાણી સંભળાય છે તથા ભક્તોની દૃઢ માન્યતા છે કે જેમ અહીં માનો અવાજ સંભળાય છે એમ પુરુલિયાના શિખર ગામમાં માતાનાં પગલાં અને નાદિયા જિલ્લાના શાંતિપુરમાં માતા અલૌકિકરૂપે પ્રગટ થાય છે.
 મા મૃણમયી મંદિરમાં નવરાત્રિની અષ્ટમીએ ૮ ધાતુની બનેલી ૧૮ ભુજાઓવાળી મા વિશાલાક્ષીની વિશેષ પૂજા કરવામાં આવે છે. આ માતા બિષ્ણુપુર રાજપરિવારનાં કુળદેવી છે. તેમની પૂજા કરવાનું વિધાન સોળમી સદીમાં રાજા ધારી મલ્લાએ શરૂ કર્યું હતું. એમાં પ્રજાને તો આવવાની અનુમતિ નથી, પરંતુ પૂજારી અને રાજપરિવાર માતાને પીઠ કરીને ઊભા રહીને અમુક વિધિઓ કરે છે .
 દુર્ગાપૂજાનો ખાસ ઉત્સવ સિંદૂર ખેલા અહીં નથી ઊજવાતો, કારણ કે માતાની મૂર્તિનું વિસર્જન નથી થતું. જોકે હવે દેખાદેખીના પ્રભાવે ગામની મહિલાઓ વિજયાદશમીના દિવસે સિંદૂર ખેલા ખેલે છે, પણ આ મંદિરના પરિસરમાં નહીં. એ જ રીતે એક સમયે ભવ્યાતિભવ્ય રીતે ઊજવાતી આ દુર્ગાપૂજાની ઉજવણી સમય જતાં ફિક્કી પડી ગઈ છે, કારણ કે હવે રાજા પણ ગયા અને રજવાડાં પણ ગયાં છતાં ભારત તથા વિદેશોમાં વસતા મલ્લરાજાના વંશજો આજે પણ આ પૂજામાં ઉપસ્થિત રહે છે.

આગમન કરાય છે. ત્યાર બાદ મંદિરમાં પૂજારીઓ વિવિધ ધાર્મિક અનુષ્ઠાનો કરે છે, જેમાં આમ જનતાને જવાની મંજૂરી નથી. એ પછી નવરાત્રિના ચતુર્થ દિવસે મહાલક્ષ્મીનું સ્વરૂપ મજલી ઠાકુરાણી પ્રવેશ કરે છે અને એના બે દિવસ બાદ છોટી ઠાકુરાણી (સરસ્વતીજી)નું આગમન થાય છે અને દર્શનાર્થીઓ માટે મંદિરના કપાટ ખૂલે છે. આ દરમ્યાન દરેક ઠાકુરાણીના આગમન વખતે વિશેષ તોપથી સલામી આપીને માતાનું સ્વાગત કરવામાં આવે છે. આસો સુદ છઠથી શ્રદ્ધાળુઓની આસ્થા પુરબહારમાં ખીલેલી હોય છે, જેની ચરમસીમા મહાઅષ્ટમી અને મહાનવમી વચ્ચેના સંક્રમણકાળમાં યોજાતી સંધિપૂજા દરમ્યાન આવે છે. આ સંધિપૂજા પણ પૂજારી અને રાજપરિવારના સભ્યો મંદિરમાં ગુપ્તપણે કરે છે, પરંતુ એ સમયે મંદિરની બહાર ઊભેલા જલદરી (પહેરેદાર) જ્યારે નજીકના મુચ્છર નામના પહાડ પર ઊભેલા તોપચીને તોપ ફોડવાનો ઇશારો કરે છે અને એ ઐતિહાસિક તોપમાંથી લાલ-પીળા રંગની વિશાળ અગ્નિજ્વાળાઓ નીકળે છે ત્યારે ભાવિકોનો ઉન્માદ જ્વાળાઓની જેમ જ આકાશને આંબે છે.

મહાઅષ્ટમી પછી મહાનવમીએ કચ્છરવાહિની (ખચ્ચર પર સવાર દેવી)ની પૂજા થાય છે. એવું મનાય છે કે દુર્ગામાતાનો આ અવતાર સૌથી ભયાનક છે. આ દિવસે પણ દર્શનાર્થીઓનો પ્રવેશ વર્જિત હોય છે. તેઓ દસમીના દિવસે આવે છે. યજ્ઞના પવિત્ર અગ્નિમાં આહુતિ આપે છે અને એ પછી ત્રણેય ઠાકુરાણીના નવપટિકાઓનું વિસર્જન કરવામાં આવે છે. વિજયાદસમીની સંધ્યાએ મા મૃષ્ણયીદેવીને નીલકંઠ પક્ષીનાં દર્શન કરાવાય છે. એ પછી રાજપરિવાર માઈના આશીર્વાદ લે છે. ત્યાર બાદ સર્વે ભક્તો માતાનાં દર્શન કરે છે. એ જ દિવસથી અહીં ૩ દિવસ દસમ, અગિયારસ અને બારસના રાવણ કાટા ઉત્સવની શરૂઆત થાય છે. ૧૬ વ્યક્તિઓ હનુમાન, જામવંત, વિભીષણ, સુગ્રીવ જેવાં પાત્રોના મુખવટા પહેરીને ભાવિકો સાથે પૂરા શહેરમાં ઢોલનગારાં સાથે નાચતાં-નાચતાં ફરે છે અને દસમીએ કુંભકર્ણનો વધ, અગિયારસે ઇન્દ્રજિતનો અને બારસે રાવણનો વધ કરીને આ ઐતિહાસિક ઉત્સવનું સમાપન કરે છે.

બિષ્ણુપુરની દુર્ગાપૂજામાં તોપની સલામી કેમ અપાય છે?
અહીંની દુર્ગાપૂજાની આ વિશિષ્ટ પ્રથા સોળમી સદીમાં શરૂ થઈ હતી. કહે છે કે દેશના અન્ય ભાગોમાં મોગલ સામ્રાજ્ય આવી ગયું હતું ત્યારે મલ્લભૂમિના રાજવીઓ પણ આ ટેક્નિક પોતાના રાજ્યમાં લઈ આવ્યા. ત્યાર પછી શાહી પૂજા દરમ્યાન માતાજીને તોપ દ્વારા સલામી આપવાનો એક શિરસ્તો બની ગયો. જોકે પહેલાં તો યુદ્ધના મેદાનમાં વપરાતી મોટી કેનનનો ઉપયોગ થતો હતો જેનું સ્થાન હવે નાની તોપે લીધું છે, પણ અહીં સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી તોપમાંથી ૩ વખત ત્રણ-ત્રણ ગોળા છોડાય છે જે પ્રથા વિજયાદશમી સુધી ચાલુ રહે છે.

india west bengal life and style lifestyle news culture news religious places