06 October, 2026 11:24 AM IST | Mumbai | Jainacharya shree Udayvallabhasuri
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)
ચોમાસાની ઋતુઓમાં આપણા રોડ-રસ્તાની પરીક્ષા લેવાતી હોય છે.
બે જાતના રસ્તા હોય : એક તો ધૂળિયા રસ્તા, જે કાચા રસ્તાના કે ગાડા-રસ્તાના નામથી અથવા કેડી-રસ્તાના નામે ઓળખાતા હોય. બીજા છે પાકા રસ્તા. આ પાકા રસ્તા બે પ્રકારના હોય : ડામરના અને RCC કૉન્ક્રીટના. નવો RCC રોડ બને એ પછી એક ઇલેક્ટ્રિક કટર મશીન દ્વારા એના પર આડા અને ઊભા ચીરા પાડવામાં આવે. ગરમ-ગરમ ઢોકળાંની થાળી ઊતરે અને જે રીતે ઢોકળાં કાપવામાં આવે એવી જ રીતે રસ્તા પર આડા-ઊભા ચીરા મૂકવામાં આવે. આની પાછળ એક વૈજ્ઞાનિક સોચ કામ કરી રહી છે.
કૉન્ક્રીટનો કુદરતી સ્વભાવ છે કે એ ગરમીમાં થોડું ફેલાય અને ઠંડીમાં સંકોચાય. આ ઉપરાંત જ્યારે નવું કૉન્ક્રીટ સુકાય ત્યારે પણ એ થોડું સંકોચાય. જો આખો એક જ સળંગ, કૉન્ક્રીટનો મોટો પટ્ટો બનાવાય તો બદલાતા તાપમાનની અસરથી થતા સંકોચ-વિકાસને કારણે હલનચલનને લીધે આખા રોડમાં ગમે ત્યાં વાંકીચૂકી તિરાડો પડી જાય. પરિણામે રોડ ઝડપથી તૂટી જાય. આના ઉપાયરૂપે કૉન્ક્રીટના રોડ પર કટર વડે ચોક્કસ અંતરે કાપા પાડવામાં આવે. આ કાપા અવસરે કૉન્ક્રીટને હલનચલન માટે થોડી જગ્યા આપે. ભવિષ્યમાં જો કૉન્ક્રીટમાં તિરાડ પડવાની હશે તો એ આ કાપાની અંદર જ પડશે જે બહારથી નજરે દેખાશે નહીં અને આખો રોડ વચ્ચેથી ફાટશે પણ નહીં.
ડામર પોતે સ્વભાવે લવચીક (ફ્લેક્સિબલ) હોવાથી તાપમાનના ફેરફારને એ સહન કરી શકે છે એટલે એને આવી વ્યવસ્થા રાખવી પડતી નથી.
આ આખી વ્યવસ્થામાં જીવનલક્ષી બોધ મળે છે. જિંદગીમાં મનનું વલણ ક્યારેક એકદમ જિદ્દી અને જક્કી રાખનારાએ સમજી લેવાનું કે ક્યારેક કોઈનું આપણા અભિપ્રાય કરતાં જુદું વલણ કે વર્તન થશે ત્યારે ઝટકો લાગશે જ એટલે એને ખમી શકે એવી થોડી ‘અન્ય દૃષ્ટિકોણ’ની સ્પેસ રાખવી જરૂરી છે.
‘હું કહું એમ’ અને ‘તમે કહો એમ’ આ બે વિચારવીરો વચ્ચે બહુ લાંબા સમયથી નિયમિત મૅચો રમાતી રહે છે. ‘હું કહું એમ’ આ પાસવર્ડ નાખતાં દુઃખની ફાઇલ ઓપન થાય છે અને ‘તમે કહો એમ’ આ પાસવર્ડ નાખતાં સુખની ફાઇલ ઓપન થાય છે. ઉદાર દૃષ્ટિકોણ એક એવી સગવડ છે જે ભિન્ન અભિપ્રાયના ઝટકા ખમી શકે છે.
દોરી પર પાણીનું બિંદુ હોય તો એ સરકતું રહેશે. સરકતું ટીપું અચાનક નીચે પડે તો સમજી લેવું કે દોરીમાં ત્યાં ગાંઠ હતી જેથી એ આગળ સરકી ન શક્યું. સંબંધોમાં પણ કંઈક આવું જ! કોઈ ચીજ વિશેની મારી સમજ કે માન્યતા અથવા કોઈ વ્યક્તિ વિશેનો મારો પૂર્વગ્રહ જો વધુ પડતાં ફિટ કપડાં જેવો હશે તો ચોક્કસ શ્વાસ લેવામાં પણ તકલીફ પડવાની જ. વિચારનું વસ્ત્ર ‘સ્વ’ને સાવ ચપોચપ હોય ત્યારે આવું બનવાની શક્યતા ખરી. જાતે થોડા કાપા પાડેલા હોય તો અન્ય વિચારને વગર તકલીફે થોડુંક સરકવા મળે. વધુ પડતી ટાઇટ બારીને છેવટે ધક્કો કે મુક્કો મારીને ખોલવી પડે છે. સંબંધોના રસ્તા પર થોડા કાપા પાડી રાખીએ, નહીંતર સંબંધોનું આખું માળખું ગમે ત્યાંથી તૂટશે.