વિકાસ જોઈતો હોય તો તમારી પાસે શું-શું હોવું જોઈએ?

09 September, 2026 01:10 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

નારદજીના જીવનનું ઉદાહરણ આપતાં સમજાવવામાં આવ્યું છે કે વ્યક્તિ કોઈ પણ પરિસ્થિતિમાંથી વિકાસ કરી શકે છે. ઐશ્વર્ય, ધર્મ, યશ, લક્ષ્મી, જ્ઞાન અને વૈરાગ્ય જેવી છ વસ્તુઓ વ્યક્તિને સાચા અર્થમાં મહાન બનાવે છે.

મોરારી બાપુ (સૌજન્ય : મિડ-ડે )

એક પ્રશ્ન વારંવાર પુછાય, બધા પૂછે. નાનો પણ પૂછે અને મોટો પણ પૂછે.
વિકાસ કોણ કરી શકે?
એનો એક જ જવાબ છે, કોઈ પણ વ્યક્તિમાં મોટા થવાની પૂરી સંભાવના છે. કોઈ પણ વ્યક્તિ બીજમાંથી જ ફળ બને છે. શ્રીમદ્ ભાગવતજીમાં આ પ્રશ્નના ઉત્તરમાં એક પ્રમાણ સાંભળીએ. નારદે પોતાના સ્વમુખે શું કહ્યું? 
‘હું એક દાસીપુત્ર હતો. મારા જીવનમાં એવું કોઈ મોટાપણું નહોતું. મારી મા બીજાના ઘરમાં વાસણ સાફ કરતી હતી. ન મારી પાસે કોઈ સામગ્રી હતી, ન પૈસા હતા, ન રહેવા માટે સારું મકાન હતું. કેવળ એક મા હતી અને મા વાસણ માંજીને ગુજારો ચલાવતી હતી. હું એકલો હતો એટલે મા મને એકલો છોડતી નહીં, પોતાની સાથે લઈ જતી હતી. હું પણ વાસણો સાફ કરતો. જે જૂઠો પ્રસાદ બચતો એ પણ ખાઈ લેતો હતો.’
તે જૂઠો પ્રસાદ ખાતા હતા. એ નારદજી ક્યાંથી ક્યાં પહોંચી ગયા? એ નારદનો વિકાસ જુઓ. ઐશ્વર્યભર્યા દેવલોકમાં પહોંચી ગયા! જ્ઞાન, ભક્તિ, ચરિત્રશુદ્ધિ નારદ આપી શકે છે. વિષમ પરિસ્થિતિમાં ભગવાન શ્રીકૃષ્ણને નારદ સલાહ આપી શકે છે. એ નારદજીનો મહિમા છે, આ નારદજીની ક્ષમતા છે.
ભગવાન કોઈ પણ બની શકે, ધનવાન પણ બની શકે જો આ ૬ વસ્તુ અર્જિત કરે.
હું એક ફૅક્ટરીના ઉદ્ઘાટનમાં ગયો હતો. ત્યાં મેં કહ્યું કે તમે જો ફૅક્ટરી ચલાવતાં-ચલાવતાં આ ૬ વસ્તુ અર્જિત કરો તો ધનવાન તો બની શકો, ભગવાન પણ બની શકો છો. આ ૬ વસ્તુઓ કઈ-કઈ એ જરા જોઈએ.
સૌથી પહેલાં આવે છે ઐશ્વર્ય, જે આંતરબાહ્ય હો.
બીજા નંબરે આવે છે ધર્મ. ચારે ચરણ અથવા દસે લક્ષણવાળો ધર્મ જેનામાં પરિપૂર્ણ હો.
ત્રીજા નંબરે આવે છે યશ. દિશાઓને ઉલ્લંઘી જાય, દિશાઓ પાછળ રહી જાય, દિગંતમાં ફેલાઈ જાય એવો જેનો યશ હો.
ચોથા નંબરે આવે છે શ્રી એટલે કે લક્ષ્મી હો. યાદ રાખજો કે લક્ષ્મી કહું છું, પૈસો નહીં અને સદ્કાર્યમાં વપરાય એનું 
નામ લક્ષ્મી.
આ ચાર હોય એ પછી પણ બે વાત જોઈએ. આ બે વાત ભગવાન બનવાની ચાવી છે અને એ બે વાત એટલે એક જ્ઞાન અને છેલ્લું છે વૈરાગ્ય.
ભગવાનની ઉપાધિ માટે આ ૬ જરૂરી છે. પૂર્ણ માત્રામાં ઐશ્વર્ય, શ્રી ઝળકી રહ્યા હોય, ધર્મનું એક સૂત્ર તૂટતું નથી, યશ દિશાઓને પાછળ રાખી આગળ નીકળી ગયો હોય, 
જ્ઞાન-વૈરાગ્યની સીમા ન હો. આ ૬ જેમાં હોય તે ભગવાન છે.

lifestyle news life and style culture news hinduism Morari Bapu