09 December, 2025 02:39 PM IST | Mumbai | Jainacharya shree Udayvallabhasuri
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)
જીવનલીલા સંકેલીને અનંતની મુસાફરીએ ઊપડતો કોઈ માણસ પોતાની પાછળ અનેક યાદો, ફરિયાદો, ભેટસોગાદો સાથે કંઈકેટલુંય મૂકીને જાય છે. ક્યારેક બે કબાટ ભરીને માત્ર કપડાં હોય, જેમાંથી અડધોઅડધ તો છેલ્લા દાયકામાં એકેય વાર વાપર્યાં નહીં હોય. ક્યારેક કબાટ ભરીને સારાં પુસ્તકો હોય છે, જેની કિંમત સમજી ન શકનારા પાછળવાળા એને પસ્તીમાં કે કોઈ જૂની લાઇબ્રેરીમાં ‘સદ્ગત પાછળ ભેટ’ તરીકે આપી દે છે. ક્યારેક ડઝનબંધ ચશ્માં, ઘડિયાળો, પેનો, ચંપલો વગેરે પાછળથી થાળે પાડવાનાં હોય છે.
મૂળ વાત તો એ કે માણસ મગજમાં ત્યાગની ફિલોસૉફી અને લૉકરમાં થપ્પીઓ સાથે ભરે છે. ખાલી હાથે આવ્યા ને ખાલી હાથે જવાની વાતો કેટલીયે વાર બોલાતી હોય છે. સૌપ્રથમ પહેરેલી લંગોટમાં અને સૌથી છેલ્લે ઓઢેલા કફનમાં ખિસ્સું નથી હોતું છતાં એ બન્ને વચ્ચે કાયમ ખિસ્સાની બોલબાલા રહે છે. જીવતા તો ઠીક, મર્યા પછીયે તેના પૈસાની બોલબાલા રહે છે. ક્યારેક તો એવું લાગે કે માણસ પોતાની પાછળ શું મૂકીને ગયો, પૈસા કે ઝઘડા?
ભારતની બૅન્કોના ખાતામાં આજે કરોડો-અબજો રૂપિયા એવા પડ્યા છે જેના કોઈ લીગલ વારસદાર કે નૉમિની નથી. હવે તો નૉમિની ફરજિયાત છે, બાકી આજે પણ કોર્ટોમાં વારસાઈના નામે હજારો મુકદ્દમા ચાલે છે. બૅન્કોમાં પડેલી આવી બિન-વારસાઈ રકમ પૂરા ૬૭ હજાર કરોડથી વધારે છે. આ સિવાય ડીમૅટ અકાઉન્ટમાં આવી જ રીતે અટવાયેલા લગભગ ૮પથી ૯૦ હજાર કરોડ રૂપિયા પડ્યા છે. લૉકરોમાં આ રીતે કેદ થયેલાં કિલોબંધ સોના-ચાંદી પણ હિસાબ વગરનાં પડ્યાં છે.
પોતાના જીવનની સુખાકારીમાં વાપર્યા બાદ અને ભવિષ્યની સલામતી માટે રાખ્યા બાદ પોતાની મૂડી સારાં કાર્યોમાં વાપરવાનું જેને સૂઝ્યું તે પોતાનાં સત્કાર્યોનો આનંદ આ જ ભવમાં માણી લે છે. સદ્ગતની પાછળ ધર્માદો કરવાની રીત આપણે ત્યાં ઘણી જાણીતી અને પ્રચલિત પણ છે. કેટલાક લોકો પોતાની હયાતીમાં જ એ કાર્યો કરી લે છે અથવા એ કાર્યોની જાહેરાત કરી કંઈક અંશે એનો અમલ પણ શરૂ કરી દે છે, જે પોતાના મરણ પછી પોતાની પાછળ થાય એવી ઇચ્છા હોય. આને ‘જીવિત મહોત્સવ’ કહે છે. જૂના લયમાં આને ‘જીવતા જગતિયું’ પણ કહેવાતું. આને ફિલોસૉફી ઇન પ્રૅક્ટિસ કહી શકાય.
ઘણા પોતાના વિલમાં લખાણ કરીને આવું કરતા હોય છે. રતન તાતાએ પોતાના વિલમાં કંપનીના વફાદાર કર્મચારીઓના નામજોગ લોન માફ કરી દેવા જણાવેલું. કંપની સાથે સાત વર્ષ કે વધુ સમયથી સંકળાયેલા દરેક કર્મચારીને મિનિમમ લાખ રૂપિયા આપવાનું જણાવેલું. પોતાના પરિવારજનો, ઘર-ઑફિસના કર્મચારીથી લઈને અનેક સખાવતો આ રીતે પ્લાન કરી શકાય છે. બાકી તો માલ પડ્યો રહે છે અને માલિક રવાના થાય છે.