જ્યાં વિવેક હશે ત્યાં સમ્યક્ સમજ આવશે

23 March, 2024 07:38 AM IST  |  Mumbai | Acharya Vijay Ratnasundersurishwarji Maharaj

જીવવું કઠિન હોઈ શકે, પણ સમ્યક્ સમજ સાથે જીવવું અત્યંત આસાન છે, કારણ કે સમ્યક્ સમજ રાગ, દ્વેષ અને આક્રોશથી મુક્તિ આપે છે..

પ્રતીકાત્મક તસવીર

ઘરની સામે જ પરમાત્માનું મંદિર હતું. રોજ પરમાત્માની આરતીનો ઘંટનાદ ઘરમાં બેઠાં-બેઠાં સંભળાતો હતો અને છતાં તે પ્રભુનાં દર્શન કરી ન શક્યો, કારણ?

તેનું સ્વાસ્થ્ય બરાબર નહોતું.

ઘરની સામે જ ઉપાશ્રયમાં ગુરુદેવ બિરાજમાન હતા, ગુરુદેવને મળવા અઢળક લોકો આવતા અને તે જોતો પણ ખરો અને છતાં તે પોતે ગુરુદેવ પાસે જઈ ન શક્યો, કારણ?

તેની પાસે સમય નહોતો.

સંવત્સરી જેવા મહાન દિવસો હતા અને એ પછી પણ તે એક વખત એકાસણું પણ ન કરી શક્યો, કારણ?

તેની પાસે સત્ત્વ નહોતું.

પાલિતાણા જેવા શાશ્વત તીર્થના સાંનિધ્યમાં પહોંચી જવાનો લાભ મળ્યો હોવા છતાં તેણે યાત્રા ન કરી, કારણ?

તેના હૈયામાં શ્રદ્ધા નહોતી.

પુણ્યના ઉદયે સંયોગ-સામગ્રી બધું જ અનુકૂળ મળ્યું હોવા છતાં ધર્મપ્રવૃત્તિની બાબતમાં અને પાપનિવૃત્તિની બાબતમાં તે ઉદાસીન જ રહ્યો, કારણ?

તેની પાસે સમજ નહોતી.

આનો અર્થ શું કરવાનો?

એ જ કે ગણિતના જગતમાં જે સ્થાન ‘૧’નું છે, બગીચાના ક્ષેત્રમાં જે સ્થાન ‘જળ’નું છે, બજારના જગતમાં જે સ્થાન ‘પૈસા’નું છે, વ્યવહારના જગતમાં જે સ્થાન ‘ઔચિત્ય’નું છે, સંબંધના જગતમાં જે સ્થાન ‘વિશ્વાસ’નું છે, વિશ્વાસના જગતમાં જે સ્થાન ‘ચારિત્ર’નું છે, અધ્યાત્મના જગતમાં એ સ્થાન ‘સમ્યક્ સમજ’નું છે.

કબૂલ, ધર્મની શરૂઆત સમ્યક્ દર્શનથી થાય છે, પણ સમ્યક્ દર્શનની પ્રાપ્તિ તો સમ્યક્ સમજથી અર્થાત્ સમ્યક્ જ્ઞાનથી જ થાય છે.

નાનો બાબો વિષ્ટામાં આંગળી નાખે છે, કારણ કે તેની પાસે વિવેક નથી અને વિવેક એટલા માટે નથી કે તેની પાસે સમ્યક્ સમજ નથી. સમ્યક્ સમજ જોઈતી હોય તો વિવેક કેળવવો પડે. સમ્યક્ સમજ જોઈતી હોય તો સભ્યતા અને સંસ્કારનું સિંચન થવું જોઈએ. સમ્યક્ સમજ જોઈતી હોય તો સભ્યતા અને સંસ્કારની સાથે પરમાત્મા સાથેનું સંયોજન હોવું જોઈએ, જે સાચા અને ખોટા, સારા અને ખરાબ, લાભ અને ગેરલાભ, શુભ અને અશુભની સમજણ આપવાનું કામ કરે. એક વાત યાદ રાખવી કે જીવવું કઠિન હોઈ શકે, પણ સમ્યક્ સમજ સાથે જીવવું અત્યંત આસાન છે, કારણ કે સમ્યક્ સમજ રાગ, દ્વેષ અને આક્રોશથી મુક્તિ આપે છે.

 

(આ લેખોમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝપેપરનાં નહીં.)

culture news life and style columnists