13 October, 2025 12:42 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)
મહાન નેપોલિયન એમ કહેતો હતો કે ‘હું પોતે જ પરિસ્થિતિનો જન્મદાતા છું’. આ વાત તેણે ભલે અહંકારવશ કહી હોય, પરંતુ એની અંદર વાસ્તવિકતા કૂટી-કૂટીને ભરેલી છે કારણ કે માણસ જાણતાં-અજાણતાં અનેક પ્રકારની પરિસ્થિતિને પોતાની મેળે જ જન્મ આપે છે જે અગળ ચાલીને પછી તેના માટે મુસીબત બની જાય છે. આમ જોવા જઈએ તો દરેક પરિસ્થિતિનું અસ્તિત્વ મનુષ્યોની પોતપોતાની વિચારધારા પર નિર્ભર કરે છે. દાખલા તરીકે જે વાત કોઈ એકને માટે ગંભીર પરિસ્થિતિ છે એ બીજાને માટે સામાન્ય વાત હોય છે. સમગ્ર વિશ્વમાં આજે લાખો એવા દિવ્યાંગ મનુષ્યો છે જેમણે પોતાની ખંત અને મહેનતથી એ મુકામ હાંસલ કર્યો છે જે સારાએવા સ્નાયુબદ્ધ અને સુવિધા સંપન્ન મનુષ્યો પણ હાંસલ કરી નથી શક્યા, શું કામ? કારણ કે તેમણે એ પરિસ્થિતિને શ્રાપ નહીં પણ આગળ વધવાની તક સમજી, જેથી એ પરિસ્થિતિ તેમના માટે વરદાન સમી બની ગઈ. આનાથી તદ્દન વિપરીત વિશ્વમાં એવા અનેક સ્વસ્થ લોકો છે જેઓ પોતાની માનસિક અક્ષમતાને કારણે પછાત બનીને રહી ગયા.
પ્રખ્યાત અમેરિકન લેખક અને વ્યાખ્યાતા ડેલ કાર્નેગી જીવન જીવવાની કળાના વિષય ઉપર જ્યારે વ્યાખ્યાન આપી રહ્યા હતા ત્યારે એક શ્રોતાએ ઊભા થઈને તેમને એક પ્રશ્ન પૂછ્યો કે ‘એ કેવી રીતે બની શકે કે આ દુનિયામાં કંઈ પણ અસંભવ ન હોય? શું એક ચાળણીને પાણી ભરેલા ઘડામાં ડુબાડીને બહાર કાઢવામાં આવે તો એની અંદર પાણી ભરેલું રહેશે?’ કાર્નેગીએ કહ્યું ‘બેશક, ચાળણીમાં પાણી રહી શકે, જો ઘડામાં ભરેલા પાણીને જમાવીને બરફ બનાવવામાં આવે તો.’ આ જવાબમાંથી આપણને એ શીખવા મળે છે કે તર્ક અને વિચારશક્તિ દ્વારા કંઈ પણ સિદ્ધ કરી શકાય છે. જો કોઈ વ્યક્તિ આત્મવિશ્વાસ, વિચારશક્તિ અને પૂર્વયોજિત પદ્ધતિથી કાર્ય કરે તો તે અસંભવને પણ સંભવ બનાવી શકે છે. કહેવાનો હેતુ એ છે કે પોતાની તર્કબુદ્ધિ અને વિવેકના આધારે આપણે પોતાને માટે મનગમતી પરિસ્થિતિઓનું નિર્માણ કરી શકીએ છીએ. પરંતુ યાદ રહે, પરિસ્થિતિના આવવા-ન આવવા ઉપર મનુષ્યોનું કોઈ નિયંત્રણ નથી એટલે એની સામે લડવા કે સંઘર્ષ કરવા કરતાં એને સ્વીકારવામાં વધુ સમજદારી છે, કારણ કે સ્વીકાર કરવો એટલે એમાંથી કંઈ શીખીને આગળ વધવું અને સંઘર્ષ કરવો એટલે એની અંદર અટકવું. હવે આ તો દરેકની ઉપર નિર્ભર કરે છે કે તેને આગળ વધવું છે કે પછી અટકીને બેસી જવું છે.
- રાજયોગી બ્રહ્માકુમાર નિકુંજજી (આંતરરાષ્ટ્રીય વક્તા, આધ્યાત્મિક શિક્ષાવિશ્લેષક, લેખક એવમ્ એક અનુભવી મેડિટેશન શિક્ષકના રૂપમાં પ્રસિદ્ધ છે.)