શઠને વિવેકની ભાષા સમજાવવી અને કુટિલની સાથે પ્રેમ કરવો પ્રાસંગિક નથી

15 May, 2025 02:00 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રામચરિત માનસમાં પણ ભગવાન રામના મુખમાંથી એક શબ્દ નીકળ્યો છે. શઠ સન વિનય કુટિલ સન પ્રીતિ

રામલલ્લા

शठे शाठ्यं समाचरेत् । આપણા સંસ્કૃત વાક્વૈભવમાં એક સુક્તિ છે કે શઠ સાથે શઠની જેમ જ વ્યવહાર કરવો જોઈએ. વર્તમાન સમયમાં જે પરિસ્થિતિ અને પરિસ્થિતિને પહોંચી વળવા માટે આપણા સૌના મનમાં એક આક્રોશ હતો અને એક ઝંખના પણ હતી કે આતંકવાદીઓની સામે મૃત્યુ બનીને ઊભા રહેવું એ જ રાજધર્મ છે અને આપણે સૌએ એ ભલીભાંતિ જોયું પણ કે ભારતની સેના, ભારતનું નેતૃત્વ અને ભારતની પ્રજા સબળ પણ છે, સફળ પણ છે અને પોતાના રાષ્ટ્ર પ્રત્યે સજળ પણ છે. 

દયા ધર્મનું મૂળ છે પરંતુ કઈ જગ્યાએ દયા ખાવી એ આપણા શાસ્ત્રીય વિવેક પર નિર્ભર છે, રામચરિત માનસમાં પણ ભગવાન રામના મુખમાંથી એક શબ્દ નીકળ્યો છે. શઠ સન વિનય કુટિલ સન પ્રીતિ. શઠને વિવેકની ભાષા સમજાવવી અને કુટિલની સાથે પ્રેમ કરવો એ પ્રાસંગિક નથી, એ જ વાસ્તવિકતા છે અને એ જ અભિગમથી આપણી ભારતીય સેના અને આપણી ભારત સરકારે સુંદર નીતિ અપનાવી અને શઠને શાઠ્યભાવથી જવાબ આપવાનું જે અદ્ભુત કાર્ય થયું એ સદા વંદનીય છે. દયા જરૂર ધર્મનું મૂળ છે, પરંતુ ભગવાન રામને રાવણ પર દયા આવી હોત, ભગવાન કૃષ્ણને કંસ, શિશુપાલ, જરાસંધ આદિ દુષ્ટો પર દયા આવી હોત તો આ પૃથ્વી આજે આપણા માટે જીવવા યોગ્ય ન હોત. હમણાં-હમણાં મનુષ્યના વેશમાં ફરતા વૈચારિક રાક્ષસોનો ખાતમો બહુ જરૂરી છે. આ પૃથ્વી સુંદર છે, આ પૃથ્વી સ્વર્ગ છે, આ પૃથ્વી અનુપમ છે જ્યાં રહેવાનો આનંદ અને પ્રાકૃતિક વ્યવસ્થાઓ અદ્ભુત છે જે અમુક લોકોને રાસ નથી આવતી. એટલા માટે આ પૃથ્વીના વાતાવરણને મલિન કરવાનું દુષ્કૃત્ય તે કરી રહ્યા છે. એ શઠને જવાબ આપવો એ જ નીતિ છે.

ઇતિહાસમાં આ પૃથ્વીએ ઘણુંબધું જોયું છે, ઘણુંબધું સહન કર્યું છે અને એમ છતાં પૃથ્વી અડગ રહી છે. એનું કારણ છે સમયાંતરે ભારતે આ પૃથ્વીને અનેક વિકલ્પો આપ્યા છે, ભારત પાસે શસ્ત્ર- શાસ્ત્ર બન્ને વિદ્યા છે પરંતુ ભારતનો વિવેક એટલો અદ્ભુત છે, એટલો સૂક્ષ્મ છે અને જીવમાત્રના કલ્યાણ માટે સદાય કાર્યરત છે, જેનો આપણને સૌને ગર્વ છે; પરંતુ અમુક રાષ્ટ્રો એનો ગેરફાયદો ઉઠાવી રહ્યાં છે ત્યારે એક જ વસ્તુ કહેવાની ઇચ્છા થાય કે દયા જરૂરી છે, પરંતુ એ દયાનો ઊલટો શબ્દ યાદ થાય અને બધાએ પણ યાદ રાખવું જોઈએ કે આ ભારત દેશ ભગવાન રામકૃષ્ણનો દેશ છે અને જ્યાં તમામના મંગલની કામના માટે ભારતને શસ્ત્ર ઉપાડતાં પણ કોઈ પણ પ્રકારની ઝિજક નથી.

सद्द रक्षणाय खल निग्रहणाय।

- આશિષ વ્યાસ

life and style culture news hinduism