13 July, 2026 01:03 PM IST | Mumbai | Swami Satchidananda
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)
જીવનમાં મારી એક સલાહ માનજો. તમારાં ટીનેજ બાળકોને કોઈ પણ ભોગે આંદામાન-નિકોબારની સેલ્યુલર જેલની કાળી કોટડીઓ દેખાડજો. એક દિવસ તેમને ત્યાં રાખજો અને ત્યાં રાખીને બાળકોને સ્વતંત્રતાસેનાનીઓની વાતો કરજો જેમણે ત્યાં સજા ભોગવી છે અને અંગ્રેજોના અમાનવીય વર્તન સામે પણ દેશદાઝ અકબંધ રાખી છે. જો તમે એ કામ સુપેરે પાર પાડી શક્યા તો તમારાં સંતાનોને આઝાદીનું સાચું મૂલ્ય સમજાશે અને તેઓ દેશ પ્રત્યે જાગૃત થશે. થશે જ એવું નથી કહેતો, પણ એ થવાની સંભાવના ઘણી વધી જશે.
ભારતમાં અંગ્રેજી રાજ્ય આવ્યું એ પહેલાં બહુ થોડા કાયદા હતા અને તરત જ સજા થતી. એમાં અતિ ક્રૂર સજામાં એક હતી ‘કાલા પાની’ની સજા. ફાંસીથી ઊતરતી આ સજા માટે બંગાળના ઉપમહાસાગરમાં આવેલા નિર્જન ટાપુ આંદામાન-નિકોબાર જેવા અનેક ટાપુઓને અંગ્રેજોએ કબજે કર્યા અને ત્યાં આ સજાની વ્યવસ્થા કરી.
ભારતથી દૂર નિર્જન જંગલમાં કેદીને સેલ્યુલર જેલની કાળી કોટડીમાં ધકેલી દેવામાં આવતો. આ જેલ મેં જોઈ છે. કોટડીમાં પુરાયેલા કેદીને કશું જ દેખાય નહીં. હવા માટેની એક સાવ નાની બારી. એ પણ સાત-આઠ ફુટ ઊંચી. એમાંથી હવા તો આવે પણ કશું જોઈ શકાય નહીં. આવી કોટડીમાં પૂરું જીવન પસાર કરવું એ કેટલું અસહ્ય થઈ જાય! બહુ થોડું—માપનું જ પાણી મળે અને ઝાડો-પેશાબ કરવાં પડે તો કોટડીમાં જ વાસણોમાં કરવાનાં. કોઈની સાથે કશી વાતચીત નહીં. કશું દેખાય નહીં. આવી કોટડીમાં ક્રાન્તિવીરોએ વર્ષો કાઢેલાં હતાં. કેટલાકે તો પૂરું જીવન પસાર કર્યું હતું. શું થયું હશે?
પાછું દિવસે સખત મજૂરી કરવાની, તેલની ઘાણીઓ ચલાવવાની. નક્કી કરેલું તેલ કાઢવું જ પડે. આ ઘાણીઓ મેં જોઈ હતી. કેદીઓ પર જાત-જાતના જુલમો થાય. તેમને નગ્ન કરીને ફટકા મારવામાં આવે. ઊભા ડંડાવાળી બેડી પહેરાવાય, સાંકડી બેડી પહેરાવાય જેથી માત્ર ૬ ઇંચ જ ડગલું ભરી શકાય. અઢી બાય અઢી ફુટના બૉક્સમાં પૂરી દેવાય, જેમાં દિવસો અને મહિનાઓ સુધી ટૂંટિયું વાળીને જ રહેવાય. ક્રાન્તિવીર વિનાયક દામોદર સાવરકર આ જેલમાં વર્ષો સુધી રહ્યા હતા. તેમના સગા ભાઈ ગણેશ સાવરકર પણ અહીં રહ્યા હતા. એક વર્ષ સુધી બન્ને ભાઈઓને એકબીજાના અહીં રહેવાની ખબર પડી નહોતી! આપણું રોમેરોમ કાંપી ઊઠે એવી યાતનાભર્યું જીવન સ્વતંત્રતાના આ ક્રાન્તિવીરોએ ભોગવ્યું હતું. આઝાદી પછી આ બધા ભુલાઈ ગયા. કોઈ તેમને યાદ પણ કરતું નથી. લોકો તેમને યાદ રાખે એવા હેતુથી તો તેમણે ક્યારેય આઝાદીની લડતમાં ભાગ નહોતો જ લીધો એવું ચોક્કસ કહી શકાય; પણ જે આઝાદી માટે તેમણે ભોગ આપ્યો, જે આઝાદી જોવાનાં સપનાં સાથે તેમણે આંખો મીંચી એ સ્વતંત્રતાસેનાનીની સપનાની આઝાદીનું સાચું મૂલ્ય પણ જો પ્રજા સમજે તો પણ તેમનો ભોગ લેખે લાગેલો ગણાશે અને એ માટે પહેલી મહેનત માબાપે કરવી પડશે.
મારી વાત માનજો. એક વખત તમારાં સંતાનોને એ સેલ્યુલર જેલ દેખાડીને એ જેલમાં યાતના ભોગવનારા આઝાદીના વીર સૈનિકોની વાત કરજો. નવી પેઢીના ગણ્યાગાંઠ્યા યુવાનોને પણ એ વાત અસરકારક રીતે સમજાય તો એનો લાભ દેશને જ થશે.