20 March, 2026 10:55 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)
માળાના પ્રત્યેક મણકામાં એકસાથે એક મંત્રનો આપણું શરીર, આપણું અસ્તિત્વ જાપ જપી રહ્યું છે, એ મંત્ર છે સોહમ્.
સોહમ્ મંત્ર જપે નિત પ્રાણી
જેવી રીતે આપણે શ્વાસને અંદર ભરીએ તો ‘સોહ’ અને શ્વાસ છોડીએ ત્યારે ‘હમ’. સોહમ મંત્ર જપે નિત પ્રાણી, અહં બ્રહ્માસ્મિ - શ્રુતિનું આ મહાવાક્ય છે, આ મહાવાવનો બોધ સતત થઈ રહ્યો છે.
તુલસી કે રુદ્રાક્ષની માળા સાથે લઈને ચાલવાનું નથી. અલગથી બેસવાનું નથી છતાં જપનું ફળ મળી શકે છે. કરવાનું ફક્ત એટલું જ છે કે જે થઈ રહ્યું છે એની સાથે તમારી જાતને જોડો. વાસ્તવમાં જોડાયેલા જ છીએ. ફક્ત જાગૃતિ નથી. આ જાગૃતિ થાય તો સાચું માનજો ચોવીસેય કલાક જાપ ચાલી રહ્યો છે. હું, તમે અને સમગ્ર સૃષ્ટિ સ્વરૂપથી શાંત છીએ. શાંતિ બહારથી નથી આવતી. જંગલમાં જઈને જે વાતાવરણ તમને મળશે એ વાતાવરણ તમારામાં જ છે, બસ શાંત ભીતરથી થવું પડશે. ભગવાનનું સ્વરૂપ શાંત માનવામાં આવે છે. તેઓ શાંતિના દાતા છે. શાંત સ્વરૂપ છે. આપણે સ્વરૂપથી શાંત જ છીએ, પરંતુ સ્વભાવના લીધે ગરબડ થાય છે.
યોગાભ્યાસના સાતત્યથી સ્વભાવમાં પણ રૂપાંતરણ આવી જાય છે એટલે યોગનો અભ્યાસ, પ્રાણાયામ, તનનું સ્વાસ્થ્ય અને મનની પ્રસન્નતા - આ બન્નેનો પ્રસાદ યોગાભ્યાસથી પ્રાપ્ત થાય છે. ફક્ત દસ મિનિટ પણ જો પ્રણવનું ઉચ્ચારણ કરીને કંઈ ન કરતાં શાંત ચિત્તથી શ્વાસને ધીમા કરી. નાસિકા પર દૃષ્ટિ સ્થિર કરો, શ્વાસ ચાલી રહ્યા છે એ પર ધ્યાન આપો. આ જે કૉન્સન્ટ્રેશન છે એ મેડિટેશનનો પ્રસાદ છે. તમે મેધાવાન બનશો. એટલા માટે શરીર સ્વસ્થ રાખી, મેધાવાન બની અને શ્રદ્ધા, પ્રજ્ઞા બધું આપણા જીવનમાં હોય એ જાગૃત કરવા માટે વિદ્યાર્થીકાળથી જ યોગ કરવો જોઈએ.
યોગ કરવાથી તમે દિવસભર ઊર્જાવાન રહો છો. થાક લાગતો નથી. થાકનો અનુભવ ત્યારે થાય છે જ્યારે તમે જે કરી રહ્યા છો એ બે-મનથી કરો. જો મન ન હોય તો થાક લાગે. મનની પ્રસન્નતા ત્યારે થાય જ્યારે તમે જે કરશો, જે કરવા માટે તમે નિયુક્ત થયા છો, જે તમારું કર્તવ્ય છે એ તમે મન લગાડીને કરશો. જો એવું થયું તો તમને જૉબ સૅટિસ્ફૅક્શન મળશે. પછી ભલે એ પ્રવૃત્તિ ભણવાની હોય કે વિદ્યા-સંસ્થાન ચલાવવાની કે પછી તમારી નોકરીની પ્રવૃત્તિ હોય. જેના ભાગમાં જે કર્તવ્ય આવ્યું છે એનું નિર્વહન કરતાં-કરતાં તમારા કાર્યને એન્જૉય કરો છો.
જે રીતે સંધ્યાવંદન નિત્ય કરવું જોઈએ એ જ રીતે યોગાભ્યાસ નિત્ય કરવો જોઈએ. યોગાભ્યાસના સાતત્યથી સુદૃઢ, સુંદર શરીર બનશે. જીવનભર તમે આ અભ્યાસ કરશો અને એનો પ્રસાદ પ્રાપ્ત કરશો.