લોકશાહી જોખમમાં છે એવું જાહેરમાં કહી શકો એ જ સાચી લોકશાહીની નિશાની

01 June, 2026 01:06 PM IST  |  Mumbai | Swami Satchidananda

મેં તમને કહ્યું એમ જે સમયે તમે તમારા વિચારો કે તમારી વાત લોકો સુધી પહોંચાડી ન શકો એ સમયે માનવું કે લોકશાહીનો ક્ષય થઈ ગયો

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

સોશ્યલ મીડિયા આવ્યા પછી જગતઆખામાં વાણી-સ્વતંત્રતાનો જુવાળ જાગ્યો, પણ કમભાગ્યે આપણી પ્રજાએ એનો ઉપયોગ વાણી-સ્વચ્છંદતા માટે કર્યો છે એવું કહી શકાય. મારો તો આ ઇન્ટરનેટ અને સોશ્યલ મીડિયાથી દૂર-દૂર સુધી કોઈ સંબંધ નહીં, એમાં રસ પણ ન પડે અને હવે એ ઉંમર પણ નથી રહી. પણ હા, મળવા આવનારાઓ પાસેથી એ બધી વાતો સાંભળવા મળ્યા કરે અને એટલે જ ખબર પડે કે આપણે વાણી-સ્વતંત્રતાને બદલે હવે વાણી-સ્વચ્છંદતાના રસ્તે વળી ગયા છીએ. મને પ્રજાને કહેવાનું મન થાય કે તમે આજે તમારા મનમાં જે આવે છે, જે ઊગે છે, જે વિચારો જન્મે છે એ બધું કોઈ જાતના ગરણા વિના, કોઈ જાતના ક્ષોભ કે સંકોચ વિના સીધું જ લોકોની સામે મૂકી દો છો એ જ તો તમારા દેશની લોકશાહીનો પ્રતાપ છે. તમે લખો છો અને લોકો સુધી એ પહોંચે છે એ પછી પણ કેવી રીતે કહી શકાય કે આપણે ત્યાં લોકશાહી મરી રહી છે. ના, હું એવું નથી માનતો અને હું એવું જોતો પણ નથી.

લોકશાહી વિશે વાત કરવી હોય, લોકશાહી વિશે કહેવું હોય કે પછી લોકશાહીની ચિંતા કરવી હોય તો તમારે સૌથી પહેલાં તો એ લોકશાહીને જાણવી પડે અને એ જાણ્યા પછી એ પણ જાણવું પડે કે વિશ્વના સૌથી મોટા લોકશાહી દેશમાં લોકશાહીને અકબંધ રાખવાનું કામ કેવી રીતે થાય અને એ માટે શું કરવું જોઈએ. મેં તમને કહ્યું એમ જે સમયે તમે તમારા વિચારો કે તમારી વાત લોકો સુધી પહોંચાડી ન શકો એ સમયે માનવું કે લોકશાહીનો ક્ષય થઈ ગયો. બ્રિટિશ શાસન યાદ કરો. ક્રાન્તિકારોએ ખાનગી રાહે પોતાની વાત, પોતાની યોજના, પોતાના વિચારો લોકો સુધી પહોંચાડવા પડતા અને એ ખાનગી રાહની પ્રક્રિયા પણ જો બ્રિટિશરોને ખબર પડી જતી તો પણ આકરામાં આકરાં પગલાં લેવામાં આવતાં. આજે તો સોશ્યલ મીડિયા પર પોતાનું મોઢું દેખાતું હોય એ રીતે પણ સરકારનો, સરકારી કાર્યશૈલીનો વિરોધ કરનારાઓનો તોટો નથી અને એ પછી પણ કોઈ પગલાં લેવાતાં નથી. અરે, કમર નીચેનો ઘા કહેવાય એવો ગંદી ભાષાનો ઉપયોગ પણ કરવામાં આવે છે અને એ પછી પણ કોઈ પગલાં લેવામાં નથી આવતાં અને પછી પણ એવી ફરિયાદ કરવામાં આવે છે કે દેશમાં આઝાદી રહી નથી. ખોટી વાત છે. આઝાદી છે અને એનો મોટો પુરાવો એ છે કે પ્રજાને ખબર નથી પડતી હોતી એવી વાતોમાં પણ એ ડબકાં મૂકે અને છતાં કોઈ ઍક્શન લેવામાં નથી આવતી. માત્ર એક જ કારણ કે લોકશાહીમાં વાણી-સ્વતંત્રતાનો લાભ સૌકોઈને મળવો જોઈએ. મારું કહેવું છે કે સાચી જગ્યાએ અવાજ ઉઠાવવામાં પાછા ન પડવું, પણ અવાજ કરતી વખતે યાદ રાખવું કે જે બોલો છો અને લખો છો એમાં સ્વચ્છંદતા તો નથીને.

culture news life and style lifestyle news columnists