26 December, 2025 02:35 PM IST | Mumbai | Swami Satchidananda
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)
ઘણાને એવું લાગે કે હું અહિંસાનો વિરોધી છું પણ ના, સાવ એવું નથી. હું અર્થહીનઅહિંસાનો વિરોધી છું. અહિંસાનો નિયમ પાળવો જ જોઈએ અને એનું પાલન કરવાના પ્રયાસો પણ કરવા જોઈએ, પણ જે પ્રકારની અહિંસાની વાતો ધર્મમાં સૂચવવામાં આવી છે, મહાત્મા ગાંધી અને બુદ્ધ કહી ગયા છે એ પ્રકારની અહિંસા અતાર્કિક છે. કહે છે કે પૃથ્વી પર જન્મેલા દરેક જીવને જીવવાનો હક છે, એમાં ના હોઈ જ ન શકે; પણ એ જીવને જિવાડવા માટે વ્યક્તિગત સમાજ પર સિતમ કરવો ગેરવાજબી છે. જો અહિંસાનું ચુસ્તપણે પાલન કરવા જઈએ તો શ્વાસ લેવાનું, જળ પીવાનું દુષ્કર બની જાય અને એવું જ ખેતીમાં બને કારણ કે પૃથ્વી પર પણ અસંખ્ય જીવાણુઓ છે, એની હિંસા પણ અનિવાર્ય છે. પૃથ્વી પર અને ખાસ કરીને ઉર્બરક પૃથ્વી તો બૅક્ટેરિયાથી ખદબદી રહી છે. ખરું જોતાં તો જમીનમાં રહેલા બૅક્ટેરિયા જ એને ફળદ્રુપ બનાવે છે. જે જમીનમાં કોઈ પણ પ્રકારના બૅક્ટેરિયા હોતા નથી એ ભાગ્યે જ ફળદ્રુપ હોઈ શકે. બૅક્ટેરિયા ઉપરાંત બીજાં પણ કેટલાય પ્રકારનાં જંતુઓ એમાં રહે છે.
આપણે જ્યારે ખેતી કરીએ છીએ ત્યારે ખેડ કરવાથી અસંખ્ય જીવાણુઓ તથા જંતુઓ મરી જાય છે. જ્યારે વરસાદ થાય ત્યારે તો જમીન વધારે જંતુમય બની જાય છે. એવા સમયે પણ ખેતી તો કરવી જ પડે છે. જોઈ ન શકાય એવાં અને જોઈ શકાય એવાં અસંખ્ય જંતુઓનો કચ્ચરઘાણ નીકળે ત્યારે જ ખેતી થઈ શકે છે. આ હિંસાથી કેવી રીતે બચી શકાય? કેટલાક લોકોએ ઉપાય શોધી કાઢ્યો કે ખેતી જ કરવાનું બંધ કરો. એક સમય હતો કે જ્યારે આ લોકોએ પ્રજાને ઉપદેશ આપવા માંડ્યો કે ખેતી મહાપાપ છે. આ ઉપદેશથી કેટલાક લોકોએ ખેતી કરવાનું છોડી દીધું અને પોતે નિષ્પાપી જીવન જીવે છે એવો ગર્વપૂર્વકનો મનોભાવ ધારણ કરી જીવવા લાગ્યા, પણ ખરો પ્રશ્ન હવે થાય છે.
જો ખેતી મહાપાપ છે તો અનાજ ખાવું પણ મહાપાપ કહેવાય પણ ના, અનાજ તો આપણે ખાઈએ જ છીએ. અનાજ વિના તો કેમ ચાલે? સમાધાન એવું કરવામાં આવ્યું કે જે ખેતી કરે તેને પાપ લાગે, અનાજ ખાનારને પાપ ન લાગે.
‘કરે તે ભરે.’
જો આવી જ વાત હોય તો માંસાહારમાં પણ જે કસાઈ પશુહત્યા કરે છે તેના માંસના ખાનારને પાપ ન લાગે, પણ ત્યાં આવી ધારણા નથી. ત્યાં એવી ધારણા છે કે જેના નિમિત્તે પશુહત્યા કરી હોય એ નિમિત્ત એટલે કે માણસને પણ પાપ લાગે.
ખરેખર આ વાત સાચી હોય તો અનાજની બાબતમાં આ નિયમ કેમ ન લાગુ કરાય? જો અનાજની બાબતમાં નિમિત્તને પાપ લાગે તો અનાજ જ ખાઈ ન શકાય અને તો ભૂખે મરવાના દિવસો આવે. સૂક્ષ્મ જીવાણુને ન મારીએ, ન મરાવીએ તો આપણે હવા, પાણી અને આહાર ગ્રહણ કરી શકીએ નહીં એટલે આ પ્રકારની અહિંસા અવ્યાવહારિક જ ગણાય.