આપણો ઇતિહાસ કાયરતા અને હારને વધારે ઉજાગર કરે છે

26 January, 2026 08:41 AM IST  |  Mumbai | Swami Satchidananda

અમેરિકા પાસે ગુલામી પ્રથાનો જે ઇતિહાસ છે એ ઇતિહાસમાં તમને અત્યાચાર જોવા મળે તો પણ કાળા ગુલામોએ એ અત્યાચારનો કેવી રીતે જવાબ આપ્યો એનું વર્ણન વધુ સારી રીતે જોવા મળે

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

તમે જુઓ, આપણા ઇતિહાસમાં મોટા ભાગે હારની, કાયરતાની અને દુખ-પીડાની જ વાત છે. બાબર આવ્યો ત્યારે તેણે આ કર્યું, ઔરંગઝેબે આ અત્યાચારો કર્યા, મહમ્મદ ગઝનવીએ આટલાં રાજ્યો પર ચડાઈ કરી અને એવુંબધું. જો એ ન હોય તો ઇતિહાસમાં પછી વાત હોય છે માત્ર ને માત્ર શહીદ થઈ ગયેલા ક્રાન્તિકારીઓની. ક્રાન્તિકારીઓની વાતો પણ એવી રીતે કરવામાં આવી હોય છે જેમાં બહાદુરી સાથે શહીદી મેળવી એના કરતાં તો વધારે બ્રિટિશરોની ચાલાકી વધારે ઝળકતી હોય. આપણા એ સમયના ઇતિહાસકારોની માનસિકતા જ નકારાત્મક હશે એવું ધારી શકાય. તમે બીજા દેશોના ઇતિહાસ વાંચો, જાણો તો તમને એ વાંચતી-જાણતી વખતે ગર્વ થાય કે કેટલું સરસ કામ તેમને ત્યાં થયું હશે.

અમેરિકા પાસે ગુલામી પ્રથાનો જે ઇતિહાસ છે એ ઇતિહાસમાં તમને અત્યાચાર જોવા મળે તો પણ કાળા ગુલામોએ એ અત્યાચારનો કેવી રીતે જવાબ આપ્યો એનું વર્ણન વધુ સારી રીતે જોવા મળે. ઇતિહાસને તમે બદલી ન શકો, પણ એ જોવાનો દૃષ્ટિકોણ તો ચોક્કસપણે બદલી શકો. માન્યું કે જે સમયે ઇતિહાસ લખાતો હતો એ સમયે ઇતિહાસકારોની આંખ સામે બ્રિટિશ સલ્તનત હશે અને એટલે એ આભામાં આ બધું લખાયું હશે, પણ હવે તો એ સમય રહ્યો નથી. હવે તો તમારો દેશ આઝાદ છે, તમે વાણીસ્વતંત્રતા સાથે આગળ વધી રહ્યા છો અને એનો તમે ભરપૂર લાભ પણ લો છો તો પછી ઇતિહાસ જોવાનો દૃષ્ટિકોણ શું કામ બદલી ન શકાય?

તમારા દેશ પાસે અનેક એવા વીરલાઓ છે, અનેક એવા સપૂત છે જેમની વાતો લોકો સુધી અને ખાસ તો નવી પેઢી સુધી પહોંચવી જરૂરી છે; પણ એ કામ થતું નથી એ ખેદની વાત છે. ફિલ્મો તો મારે જોવાની હોય નહીં, પણ જેના વિશે વાંચું કે કોઈની પાસેથી સાંભળું એ જોઈને એટલું નક્કી કરી શકું કે એમાં પણ નકારાત્મકતા ધરાવતાં પાત્રોની વાતો વધારે ચમકદાર બનાવીને કરવામાં આવે છે.

તમે એવું દર્શાવીને સાબિત શું કરવા માગો છો? શું કહેવા માગો છો કે જે-તે પ્રકારની ખરાબ વ્યક્તિ બનવાથી દુનિયા તમને પૂજશે, તમારી આરતી ઉતારશે? જેમ પત્રકારત્વ એક જવાબદારીભર્યો પ્રોફેશન છે એવું જ ફિલ્મ ક્ષેત્રનું પણ છે. ફિલ્મ બનાવવી, લાખો લોકો સુધી પહોંચાડવી એ જવાબદારીનું કામ છે. એ બનાવતી વખતે પૈસાને આંખ સામે રાખવાને બદલે નવી પેઢીને અને સમાજને પણ આંખ સામે રાખવાં જોઈએ. જરૂરી નથી કે ઉપદેશાત્મક જ તમે બધું દેખાડો; મનોરંજક દેખાડો, પણ એ દેખાડવામાં ક્યાંય તમે ગેરવાજબી રીતે અયોગ્ય વ્યક્તિ વધારે ચમકદાર ન બની જાય એ જવાબદારી જાગૃતપણે નિભાવો એ બહુ જરૂરી છે.

culture news life and style lifestyle news columnists