03 April, 2026 11:13 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)
આપણાં પાપ આપણને કથામાં નથી આવવા દેતાં. એક વાર કથામાં આવ્યા તો પાપનો નાશ નિશ્ચિત છે.
વ્યાસ ભગવાન કહે છે કે
કમ્પન્તે સર્વ પાપાનિ, સપ્તાહશ્રવણેસ્થિતે
અસ્માકં પ્રલયં સદ્યઃ કથેયં ચ કરિષ્યતિ
તમે જ્યારે કથામાં આવો ત્યારે અંદરનાં પાપ કાંપે છે ભયના કારણે. આ કથામાં જશે, કથા સાંભળશે તો અમારો નાશ નિશ્ચિત છે; હવે અમે મરવાનાં. બહુ પુણ્ય કર્યાં હોય તે કથામાં આવી શકે. બહુ પુણ્ય કર્યાં હોય તેમને ભાગવત મળે. જન્મ-જન્માંતરનાં પુણ્ય એકત્ર થાય ત્યારે ભાગવત કથાનો અવસર પ્રાપ્ત થાય.
ભગવાનની કથા કહેવાનો, ભગવાનની કથા સાંભળવાનો, ભગવાનની કથા કરાવવાનો અવસર ત્યારે પ્રાપ્ત થાય.
જન્માન્તરે ભવેત્ પુણ્યં તદા ભાગવતં લભેત્
એક જન્મનાં નહીં, અનેક જન્મનાં પુણ્ય ભેગાં થાય. આપણે લખીએને કે ‘અમારા પિતૃઓનાં પુણ્યાર્થે કથાનું આયોજન કર્યું છે.’ પિતૃઓનાં પુણ્યાર્થે નહીં, હકીકતમાં પિતૃઓનાં પુણ્ય થકી કથાનું આયોજન થયું છે એ સમજી લો. આપણી કેટલીયે પેઢીઓનાં પુણ્યનો સરવાળો થયો ત્યારે આ કથા કરવાનો અવસર મળ્યો.
બધાને કથામાં રુચિ થતી નથી. બધાને સત્સંગમાં રુચિ થતી નથી. સત્સંગ દુર્લભ છે. આમ તો સુલભ જ છે. કથાના મંડપમાં આવવા માટે બધા આમંત્રિત જ છે. સૌનું સ્વાગત છે પણ દરેકને ક્યાં મન થાય છે? કેમ? પુણ્ય નથી. પુણ્યના ફળસ્વરૂપે આપણને આ સત્સંગ પ્રાપ્ત થયો છે. સત્સંગ દુર્લભ છે.
સંત સમાગમ દુર્લભ ભાઈ.
બીજું બધું મળશે, સત્સંગ નહીં મળે. બધાના ભાગ્યમાં નથી હોતો. આપણે સાંસારિક વાતોમાં, સંસાર કરવામાં જ રચ્યા-પચ્યા રહીએ છીએ. આપણે મનોરંજન કરવામાં, મનને સારું લાગે એવું કરવામાં જ રચ્યા-પચ્યા રહીએ છીએ. મનને માટે જે સારું છે એ માટેની રુચિ બહુ ઓછાને થાય છે. સત્સંગ મન માટે બહુ સારો છે. સત્સંગ કાનથી સાંભળવાનો નથી, મનથી સાંભળવાનો છે.
તાત સુનહુ સાદર મન લાઈ...
કાનથી નહીં, મનથી કથા સાંભળો. બધી વસ્તુમાં જ્યાં સુધી કોઈ પુણ્ય નહીં હોય, કોઈ સત્કર્મ નહીં કર્યાં હોય અને એક-બે નહીં, અનેક જન્મનાં પુણ્ય ભેગાં થાય ત્યારે ભાગવત મળે, ભાગવતના રૂપમાં ભગવાન શ્રી કૃષ્ણ આવે અને એ ભાગવતરૂપી ભગવાન શ્રીકૃષ્ણ અનેક જન્મોનાં જે પાપ હોય એનો નાશ કરે છે.