કાગવાસ નાખતી વખતે સવાલ થાય કે પૂર્વજોની તૃપ્તિ માટે કાગડો જ કેમ?

14 September, 2025 03:50 PM IST  |  Mumbai | Rashmin Shah

કાગડો અને કાગડી પોતાના પુખ્તકાળથી લઈને વૃદ્ધાવસ્થા દરમ્યાન ત્રણથી પાંચ વખત સંવનન કરે છે અને એક સંવનનમાં મૅક્સિમમ બે ઈંડાં મૂકે છે. કાગડી એ ઈંડું કોઈને જોવા નથી દેતી. ઈંડા પર જો કોઈની નજર પડી જાય તો એ સેવવાનું બંધ કરી દે છ

કાગવાસ

શ્રાદ્ધ પક્ષ શરૂ થતાં જ આકાશમાં ક્રાંઉં-ક્રાંઉં માંડી દેતો કાગડો સૃષ્ટિનું એકમાત્ર એવું પક્ષી છે જેને એના લુક અને કાણી આંખને કારણે સતત અવગણવામાં આવ્યું છે. શ્રાદ્ધમાં કાગડાનું મહત્ત્વ શું કામ છે, શાસ્ત્રોમાં કાગડા વિશે જે કહેવાયું છે અને સૃષ્ટિને કાગડાની આવશ્યકતા કેવી છે એ વાત જાણ્યા પછી એટલું નક્કી છે કે તમે કાગડો જોઈને એક સ્માઇલ અચૂક કરશો

જેમ માનવામાં આવે છે કે રામકથા થતી હોય ત્યાં હનુમાનજીની હાજરી અચૂક હોય છે એવી જ રીતે કાકભુષુન્ડી નામનો મહાકાય અને રામભક્ત કાગડાે પણ હાજર જ હોય છે.

શ્રાદ્ધ શરૂ થાય કે તરત કાગડાના સ્વૅગમાં ચેન્જ આવી જાય. એની ડિમાન્ડ વધે અને ડિમાન્ડની સાથોસાથ એના પ્રત્યેના અહોભાવમાં પણ ફરક આવી જાય. જે કાગડાને ઉડાડવા માટે હાથ સીધો હવામાં ઊંચો થતો રહ્યો છે એ જ હાથ શ્રાદ્ધના દિવસોમાં કાગડો નજરે ચડે એટલે તરત જોડાઈ જાય. જોડાય તો ખરો, સાથોસાથ મનોમન કાગડા પાસે આશીર્વાદ પણ માગી લીધા હોય.

આવું શું કામ?

સતત ઇગ્નૉરન્સ મેળવતું આ પક્ષી કેવી રીતે શ્રાદ્ધના દિવસોમાં અચાનક જ ભગવાન સમાન બનીને પૂજાવા લાગે? શું કામ કાગડાને પિતૃઓના દૂત તરીકે જોવામાં આવે છે અને એવું તે કયું કારણ છે કે પિતૃઓને જે ભોજન આપવામાં આવે છે એ કાગડાઓને જ ધરવામાં આવે છે અને એને કાગવાસ કહેવામાં આવે છે? જો શાસ્ત્રોનો આશરો લો તો આ અને આવા અનેક પ્રશ્નોના જવાબ મળે છે. ‘મિડ-ડે’ના કૉલમનિસ્ટ આચાર્ય દેવવ્રત કહે છે, ‘મહાભારત અને રામાયણથી લઈને ગરુડપુરાણ, અગ્નિપુરાણ, સ્કંદપુરાણ અને ઋગ્વેદ તથા અથર્વવેદમાં પણ કાગડાનો ઉલ્લેખ છે. વેદમાં કાગડાને યમદૂત એટલે કે યમરાજના દૂત તરીકે જોવામાં આવ્યો છે તો સાથોસાથ એને અશુભ સંદેશો લાવવાનું કામ કરનારા વાહક તરીકે પણ ઓળખવામાં આવ્યો છે. કાગડો યમદૂત માનવામાં આવતો હોવાથી જે પિતૃઓને હજી મોક્ષ નથી મળ્યો, જેમની દેવગતિ હજી નથી થઈ તેમના સુધી ભોજન લઈ જવાનું કામ કાગડો કરશે એવું કહેવામાં આવ્યું છે.’

મહાભારતમાં ભીષ્મ, વિદૂર અને સંજયની વાતમાં પણ કાગડાનો ઉલ્લેખ છે તો રામાયણમાં કાકભુષુન્ડી નામના મહાકાય કાગડાની વાત આવે છે જે ભગવાન રામના ભક્ત હતા. રામકથા થતી હોય ત્યાં હનુમાનજીની હાજરી અચૂક હોય છે એવું કહેવાય છે, પણ બહુ ઓછા લોકોને ખબર હશે કે આ જે કાકભુષુન્ડી છે એ પણ રામકથાના સ્થળે અચૂક હાજર રહે છે. રામાયણના અન્ય એક પ્રસંગની પણ વાત જાણવા જેવી છે.

ઇન્દ્રજિતે સીતામા પર કાગડો બનીને હુમલો કર્યો ત્યારે ભગવાન રામે એના પર પ્રહાર કર્યો અને કાગડો બનેલા ઇન્દ્રજિતે એક આંખ ગુમાવી. કાકાસુર તરીકે ઓળખાતા આ પ્રસંગ અગાઉ ક્યાંય એવો ઉલ્લેખ નથી કે કાગડાની એક આંખ છે. કહે છે કે આ ઘટના પછી કાગડાઓને એ હદે દુખ થયું કે એમનું રૂપ ધારણ કરીને ઇન્દ્રજિતે મા સીતા પર હુમલો કર્યો. ગિન્નાયેલા અને સાથોસાથ વ્યથિત થયેલા કાગડાઓએ ગુસ્સો પોતાની જાત પર ઉતાર્યો અને તેમણે પોતે જ પોતાની એક આંખ ફોડી નાખી અને એ પછી કાગડાની આખી જમાત એક આંખવાળી બની ગઈ.

કાગડાને ગૂઢ રહસ્યનો દેવતા ગણવામાં આવે છે

ભલે આપણને કાગડો ગમતો ન હોય, પણ કહ્યું એમ આપણાં શાસ્ત્રોમાં તો એને યમદૂત તરીકે જ જોવામાં આવ્યો છે અને એવી જ રીતે અનેક દેશો એવા છે જ્યાં કાગડાને પૂજવામાં આવે છે, ભગવાન માનવામાં આવે છે. જપાનમાં કાગડાને ભગવાનોનો દેવદૂત ગણવામાં આવ્યો છે. ફુટબૉલ અસોસિએશન ઑફ જપાનમાં કાગડાનું ચિહન માનીને કહેવામાં આવ્યું છે કે કાગડાની જેમ તમને હરાવનારાઓનો ચહેરો ભૂલતા નહીં. જે ભુતાન માટે ચીનના મોઢામાં વારંવાર લાળ આવે છે એ ભુતાનનું તો રાષ્ટ્રીય પક્ષી કાગડો છે. ભુતાનના રાજકીય તાજમાં પણ કાગડાને ચિહ્‍ન તરીકે વાપરવામાં આવ્યો છે તો બૌદ્ધ શાસ્ત્રોમાં કાગડાને ભગવાનનું પ્રતીક માનવામાં આવ્યો છે.

નેપાલની વાત કરીએ તો નેપાલમાં ઊજવાતા તિહાર (દિવાળી જેવો તહેવાર)ના પહેલા દિવસને કાગ-તિહાર તરીકે ઊજવવામાં આવે છે. એ દિવસે કાગડાને ખવડાવીને ઉપવાસ તોડવાની પ્રથા પાળવામાં આવે છે. યુરોપમાં કાગડો જોવો શુકનિયાળ માનવામાં આવે છે તો અમેરિકામાં કાગડાને ગૂઢ રહસ્યનો દેવતા ગણવામાં આવે છે.

શ્રાદ્ધમાં કાગવાસ શું કામ?

એક કારણ તમને કહ્યું કે કાગડો યમદૂત છે અને દેવગતિ ન પામેલા પિતૃઓ સાથે યમરાજને સીધો સંપર્ક હોય છે એટલે યમરાજના દૂત તરીકે કાગડો આવીને કાગવાસ ગ્રહણ કરે છે અને સ્વજનોની યાદમાં જે મોક્ષમાં નથી ગયા એ સૌને કાગડો તેમના સ્વજનોનો સંદેશો પહોંચાડે છે. આ તો ધાર્મિક માન્યતા થઈ, પણ સાથોસાથ વ્યવહારુ માન્યતા પણ જોવા જેવી છે. 

કાગડાને દુનિયાનો બેસ્ટ સફાઈ-કામદાર માનવામાં આવ્યો છે. ગંદકી સાફ કરવાનું કામ કરતા કાગડાને સ્વાદની કશી સભાનતા હોતી નથી અને એટલે તો એ ગંદકી સુધ્ધાં આરોગી લે છે. શુદ્ધ ભાવથી પિતૃઓ માટે રસોઈ તૈયાર કરવામાં આવી હોય અને એમ છતાં ધારો કે એ રસોઈના સ્વાદમાં કોઈ કમી રહી ગઈ હોય તો પણ જે ગંદકી ખાઈને જીવન ગુજારતું હોય એના માટે તો એ ભોજન પણ અન્નકૂટ સમાન છે એટલે કાગવાસ છોડીને એ જશે નહીં અને એ જશે નહીં એટલે કાગવાસ ધરનારા પરિવારને દુખ પહોંચશે નહીં. આ ઉપરાંતનું પણ એક કારણ છે. પક્ષીઓમાં એકમાત્ર કાગડો એવું પક્ષી છે જેનું પાચનતંત્ર અતિશય મજબૂત છે. આ જ તો કારણ છે કે એ ગંદકી પણ પચાવી જાય છે. એવા સમયે એને ધરવામાં આવેલું ભોજન પણ એ સરળતાથી પચાવી લે છે અને કાગડાના અસ્તિત્વ સામે જોખમ ઊભું થવાની સંભાવના ઘટી જાય છે. 

બાય ધ વે, તમારી જાણ ખાતર ભારતમાં અત્યારે ૩૪ મિલ્યનથી પણ વધારે કાગડાઓ છે. ભારતમાં શહેરી વિસ્તારોમાં કાગડાઓની સંખ્યા વધારે છે, જ્યારે ગ્રામીણ વિસ્તારમાં કાગડાઓની સંખ્યા ઓછી છે. તમને અચરજ થાય એવી વાત એ છે કે દેશમાં સૌથી વધારે કાગડા જો કોઈ શહેરમાં હોય તો એ પ્રયાગરાજ છે!

જો તમે એમ માનતા હો કે કાગડો એટલે કાગડો તો તમારી આ માન્યતા ભૂલભરેલી છે. કાગડાની ચાલીસથી વધુ જાત દુનિયાભરમાં જોવા મળી છે.

જાત જુદી, આયુષ્ય જુદું

આ સનાતન સત્ય છે. જેમ કાગડાઓની ૪૦ જેટલી જાત દુનિયામાં છે એમ કાગડાઓના આયુષ્યમાં પણ વેરિયેશન જોવા મળે છે. હાઉસ ક્રો તરીકે ઓળખાતા શહેરી કાગડાઓનું આયુષ્ય બારથી ૧૫ વર્ષનું છે, જ્યારે રૅવન એટલે કે જંગલમાં રહેતા કાગડાઓનું આયુષ્ય ૨૦ વર્ષથી વધારે છે તો કેદમાં રહેલા અને ચોક્કસ સમયે નિશ્ચિત ભરણપોષણ મેળવતા કાગડાઓનું આયુષ્ય ૩પથી ૪૦ વર્ષનું છે.

આપણે ભારતમાં રોજ જોઈએ છીએ એ કાગડાઓનો દેખાવ તમને ખબર છે. એ કાગડાના ગળાના ભાગ પાસે રાખોડી એટલે કે ગ્રે કલરની ઝાંય હોય છે, જ્યારે જંગલમાં જોવા મળતા કાગડાઓ સંપૂર્ણપણે કાળા છે. યુરોપમાં જોવા મળતા કાગડાઓની ચાંચ ફરતે વાઇટ કલરની બૉર્ડર છે. એ કાગડાઓની વિશેષતા એ છે કે એ ચાલીસ-પચાસના ઝુંડમાં જ રહે છે. દુનિયાના સૌથી બુદ્ધિશાળી, હા, સ્માર્ટ અને હોશિયાર કાગડા અમેરિકા પાસે છે અને એ સાયન્ટિફિકલી પ્રૂવ પણ થયું છે તો યુરોપ અને ઑસ્ટ્રેલિયામાં થતી કાગડાની જ એક જાતનું માથું કાળું હોય છે, પણ એનું શરીર અને પાંખો ગ્રે કલરનાં છે.

પુરુષથી પણ છે બહેતર 

જે વાતમાં તમને સૌથી વધારે રસ પડ્યો એ વાતને થોડી પાછળ રાખીને કહેવાનું કે કાગડો સામાજિક પક્ષી છે. એ હંમેશાં ફૅમિલી સાથે રહે છે તો સાથોસાથ કાગડો એકમાત્ર એવું પક્ષી છે જે સારા અને ખરાબ એમ બન્ને પ્રસંગમાં તરત જ પોતાની જમાતને યાદ કરે છે. કાગડાનું જે ‘ક્રાંઉં-ક્રાંઉં’ છે એના આરોહ-અવરોહ પરથી બીજા કાગડાઓ સમજે છે કે અવાજ આવે છે એ દિશામાં જ્યાફત છે કે પછી જોખમ? કાગડો કોઈ જગ્યાએ જખમી થાય તો એ જગ્યા એ કાયમ માટે છોડે છે, પણ પોતાની સાથે એ ફૅમિલી અને ફ્રેન્ડ્સને પણ એ જગ્યાએથી દૂર લઈ જાય છે. આ જ કારણે ગામડામાં આજે પણ માન્યતા છે કે ખેતરમાં આવેલા કાગડાને ઈજા પહોંચાડવાની. જો એવું કર્યું તો આજીવન કાગડાઓથી શાંતિ મળી જાય.

સરસ છોકરી જુએ એટલે પુરુષમાં રહેલો પેલો ‘મૅન વિલ બી મૅન’ વિચાર જાગી જાય, પણ કાગડો આ બાબતમાં પુરુષો કરતાં ક્યાંય અદકેરો છે. કાગડો એક સાથી પસંદ કર્યા પછી પોતાના જીવનકાળ દરમ્યાન અન્ય કોઈ સાથી સાથે જતો નથી. એક વખત સંવનન થયા પછી જો કાગડી મરી જાય તો કાગડો જીવનકાળ દરમ્યાન એકલો રહે છે, પણ અન્ય સાથીને પસંદ કરવાની ચેષ્ટા એ કરતો નથી. 

કાગડો અને કાગડી પોતાના પુખ્તકાળથી લઈને વૃદ્ધાવસ્થા દરમ્યાન ત્રણથી પાંચ વખત સંવનન કરે છે અને એક સંવનનમાં મૅક્સિમમ બે ઈંડાં મૂકે છે. કાગડીની ખાસિયત એ છે કે એ ઈંડું કોઈને જોવા નથી દેતી. ઈંડા પર જો કોઈની નજર પડી જાય તો એ સેવવાનું બંધ કરી દે છે.

ઈંડા પર કોઈની નજર ન પડે એની ચીવટ પણ એ રાખે છે અને એટલે જ શહેરમાં સામાન્ય સંજોગોમાં ક્યારેય કાગડાનો માળો જોવા નથી મળતો. કાગડા અને કબૂતર વચ્ચે એક જબરદસ્ત કૉમ્બિનેશન છે. બન્નેની યાદશક્તિ ખતરનાક છે. કબૂતર ક્યારેય સ્થળ નથી ભૂલતું અને કાગડો ક્યારેય ચહેરો. શાસ્ત્રોમાં આ કારણને પણ ગણાવવામાં આવ્યું છે કે કાગવાસ સમયે કાગડો એને કાગવાસ ખવડાવનારાના ચહેરા સહિતનો સંદેશો તેના પિતૃને પહોંચાડે છે. જોકે કાગડા અને અન્ય પક્ષીઓમાં એક મોટો તફાવત એ છે કે કાગડો તમામ સિચુએશનમાં રહી શકે છે, જ્યારે મોટા ભાગનાં પક્ષીઓને એ વાત લાગુ નથી પડતી. આ જ કારણ છે કે દુનિયાના એક પણ દેશે ક્યારેય કાગડાના અસ્તિત્વ માટે ચિંતિત નથી થવું પડ્યું અને કદાચ થવું પણ નહીં પડે.

કાગડો બુદ્ધિશાળી છે, કેવી રીતે?

આ જ પ્રશ્ન પર અટકી ગયા હતાને? જવાબ પણ તમારી પાસે જ છે. નાનપણમાં સાંભળેલી પેલી ‘કાગડો અને કુંજો’ વાર્તા યાદ કરો. 

કાગડાને પાણીની તરસ લાગી. એક કુંજામાં એણે પાણી જોયું, પણ કુંજાનું મોઢું નાનું હતું. એની અંદર ચાંચ ગઈ નહીં એટલે કાગડાએ યુક્તિ કરી. કાગડાએ આજુબાજુમાંથી નાના પથ્થરો કુંજામાં નાખવાના શરૂ કર્યા. થોડી વારમાં પાણી ઉપર આવી ગયું અને કાગડાએ પાણી પી લીધું!

આ વાર્તાનું મૉરલ છે : સમજ, આયોજન અને ધીરજ.

જે હકીકતમાં કાગડાના ગુણો છે. 

એવું નથી કે આપણે ત્યાં જ કાગડાને પાત્ર બનાવીને બાળવાર્તાઓ બની હોય. યુરોપ અને અમેરિકામાં પણ કાગડાની ક્વૉલિટીઓને ધ્યાનમાં રાખીને અઢળક બાળવાર્તાઓ બની છે અને એ ત્યાં પૉપ્યુલર પણ છે. એ તમામ વાર્તાઓમાં કાગડો ધીરજથી કામ કરે છે અને કામ કરતી વખતે પોતાની બુદ્ધિનો ઉપયોગ કરે છે એવું દેખાડવામાં આવ્યું છે. 

કાગડામાં બુદ્ધિ છે એની સૌથી અગત્યની હકીકત એ કે કાગડો ભાગ્યે જ શિકારીની જાળમાં ફસાય છે. શિકારીની જાળમાં મોટા ભાગે જે પક્ષીઓ ફસાય છે એ કબૂતર અને ચકલીઓ છે જે ખરા અર્થમાં બહુ ભોળાં છે. બુદ્ધિની બાબતમાં જો બીજું કોઈ પક્ષી ચતુર હોય તો એ પોપટ છે, પણ વાઇલ્ડલાઇફ એક્સપર્ટ્સ પોપટ અને કાગડામાંથી બુદ્ધિની બાબતમાં કાગડાને વધારે શાર્પ માને છે જેનું કારણ સમજવા જેવું છે. પોપટ નકલ કરવામાં એની બુદ્ધિનો ઉપયોગ કરે છે, જ્યારે કાગડો ટૂલ ઇન્વેન્શન એટલે કે સાધન બનાવવા સુધી પોતાની બુદ્ધિનો ઉપયોગ કરે છે. આ જ કારણ હશે કે કાગડાનો માળો કાયમી છે! નહીં કે અન્ય પક્ષીઓની જેમ એક પ્રજનન સાઇકલ પૂરી કરીને નવી જગ્યાએ એ નવો માળો બનાવે.

વાત સ્નાન અને સફાઈની

સફાઈની બાબતમાં કાગડાબાપુ ભારોભાર ચોખ્ખાઈમાં માને છે. ત્યાં સુધી કે જગતનાં જૂજ પક્ષીઓમાં એ એક છે જે રોજ સ્નાન કરતો હોય! હા, આ સાચું છે. કાગડાને રોજ નહાવા જોઈએ. સૌથી સારી વાત એ છે કે કાગડાને જો નાહવા માટે પાણી ન મળે તો એ પ્રેમથી ધૂળથી પોતાની પાંખો અને પીંછાં સાફ કરી લે. ધારો કે ધૂળ પણ ન મળે તો કાગડો પોતાની બન્ને પાંખ ફેલાવીને પવન હોય એવા ખુલ્લા વાતાવરણમાં બેસી જાય અને હવાથી સ્નાન કરી લે, પણ સ્નાન કરે એ કન્ફર્મ.

કાગડો સફાઈની બાબતમાં પૃથ્વીનું પણ ચોક્કસપણે ધ્યાન રાખે છે. એક કાગડો સરેરાશ પોતાના જીવનકાળ દરમ્યાન ઓછામાં ઓછા ૧૫ કિલો બૅક્ટેરિયા ખાય છે તો ૧૫ કિલો એવી ગંદકી આરોગે છે જેમાં બૅક્ટેરિયા જન્મી શકે છે. કહેવાનો ભાવાર્થ એ કે કાગડો ભારોભાર સમાજના સ્વાસ્થ્યનું ધ્યાન રાખે છે અને એના હિતમાં કામ કરે છે, જ્યારે આપણે એ જ કાગડો બાલ્કનીમાં બેઠો હોય તો હાથ ઊંચો કરીને ઉડાડીએ છીએ. વાઇલ્ડલાઇફ નિષ્ણાતોનું કહેવું છે કે સામાન્ય રીતે કાગડો એ જ જગ્યાએ બેસે જ્યાં ગંદકી શરૂ થવાની હોય. હા, આપણને જેમ ફ્રેશ ફૂડ ભાવે છે એવી જ રીતે કાગડાને પણ ભોજનમાં ફ્રેશ ગંદકી વધારે ભાવે છે. એવી ફ્રેશ ગંદકી જેમાં બૅક્ટેરિયા જન્મવાની સંભાવના વધારે છે. કહેવાનો ભાવાર્થ એ જ કે જો ભૂલથી પણ કાગડાને તમે તમારી બાલ્કની કે બારીએ બેઠેલો જુઓ તો એ વાત મનમાંથી કાઢી નાખો કે એ મહેમાનનું આગમન સૂચવવા આવ્યો છે. વિચારો કે ઘર કે ઘરની બારીઓના છજા પર ગંદકી વધી છે.

પિંડદાન અવળા હાથે કરવા પાછળ સાયન્સ અને મનોવિજ્ઞાન બન્ને કામ કરે છે 

શ્રાદ્ધની તમામ વિધિઓ પણ ભારોભાર અર્થસભર છે. એ વિધિ સાથે જોડાયેલા શરીરને અને મન-વિજ્ઞાનને ધ્યાનથી સમજવાની જરૂર છે. એના માટે શ્રાદ્ધની વિધિઓને સ્ટેપ-બાય-સ્ટેપ જોતા જવાની છે.

શ્રાદ્ધની શરૂઆત સ્થાનશુદ્ધિથી થાય છે, જેમાં ગંગાજળથી સ્થાન પવિત્ર કરવાનું રહે છે. ગંગાજળમાં બૅક્ટેરિયાફેઝ છે જે હાનિકારક બૅક્ટેરિયાનો નાશ કરે છે. જે સ્થળ બૅક્ટેરિયા-ફ્રી હોય એ સ્થળમાં માઇક્રોબાયલ ક્લીન્ઝિંગ બહુ ઝડપથી થાય છે એટલે શ્રાદ્ધ વિધિમાં બેસનારાના મનમાંથી વિકાર દૂર થાય છે.

વિધિનું બીજું સ્ટેપ છે સંકલ્પ.

પિતૃઓનાં નામથી શરૂ થતા આ કાર્ય માટે સાઇકિયાટ્રિસ્ટ કહે છે કે એ ઇન્ટેન્શન સેટિંગનું કામ કરે છે જેને લીધે ફોકસ વધે છે અને ફોકસ વધવાથી માનસિક સ્પષ્ટતા આવે છે. 

ત્યાર પછી આવે છે તર્પણ એટલે કે જળ અર્પણ.

પિતૃ તમારા જ છે અને તમે તેમને દૂધ પણ અર્પણ કરી શકો છો, પણ શાસ્ત્ર જળ અર્પણ કરાવે છે અને એના માટે પણ સાઇકોલૉજિકલ કારણ છે.

વિજ્ઞાને સાબિત કર્યું છે કે પાણી પાસે પોતાની મેમરી છે અને કોઈ પણ વ્યક્તિની મેમરી કરતાં અનેકગણી વધારે છે. શાસ્ત્રો પણ કહે છે કે દેહ છોડાવતાં પહેલાં વ્યક્તિને પાણીગ્રહણ કરાવવું જોઈએ, જેની પાછળ પણ આ મેમરીનું કારણ સવિશેષ જવાબદાર છે. આપણે ત્યાં કહેવાય છે કે પાણી પીવડાવીને આંતરડી ઠારી. ગરુડપુરાણમાં કહ્યું છે કે અંતિમ શ્વાસ સમયે કે પછી શ્રાદ્ધ વિધિ સમયે પાણી અર્પણ કરવું મતલબ પિતૃઓના આત્માને ટાઢક પહોંચાડવી તો સાઇકોલૉજિસ્ટ કહે છે કે પાણી પિવડાવવાની પ્રક્રિયાથી મનની ગ્રંથિઓ છૂટે છે અને વ્યક્તિ લેટ-ગો કરતી થાય છે.

પાણી પિવડાવવાની બાબતમાં શાસ્ત્રોમાં તો કહેવાયું છે કે એ જાહેર સ્થળે જ કરવું જોઈએ, પણ હવેના સમયમાં એ શક્ય નથી રહ્યું એટલે કૂંડા કે વૃક્ષને પાણીની ધાર આપવામાં આવતી હોય છે. સોશ્યોલૉજી મુજબ પણ આ પ્રક્રિયા ઉપકારક છે. પાણી પિવડાવવાથી વૃક્ષ, છોડ કે માટીને લાભ થાય છે. 

એ પછીની વિધિમાં આવે છે પિંડદાન. જે પિંડ બને છે એ પિંડ ચોખા, તલ અને ઘીથી બનાવવામાં આવે છે. શુદ્ધ પોષણમાં ચોખા સૌથી શ્રેષ્ઠ છે તો તલનું કામ વાતાવરણમાંથી નકારાત્મક એનર્જી ઍબ્સૉર્બ કરવાનું છે, જ્યારે ઘી ઍન્ટિ-સેપ્ટિકનું કામ કરે છે. પિંડદાન કરવાથી સાઇકોલૉજિકલ ભોજન કરાવ્યાનો ભાવ મનમાં જન્માવે છે. પિંડદાન વિશે બીજી વાત પણ જાણવા જેવી છે.

પિંડદાન અવળા હાથે કરવામાં આવે છે, જેની પાછળ સાયન્સ અને સાઇકો-સાયન્સ કામ કરે છે. જમણા અને ડાબા બન્ને હાથનું ચોક્કસ કામ છે.

જમણો હાથ સર્જનનો હાથ છે એટલે કે આપવાનો હાથ છે, જ્યારે ડાબો હાથ વિસર્જનનો એટલે કે આપવાનો હાથ છે. શ્રાદ્ધનો ભાવ એ છે કે પૂર્વજનોને આ જીવનમાંથી વિસર્જિત કરવા અને એટલે પિંડદાન ડાબા હાથે કરવામાં આવે છે. આયુર્વેદમાં પણ જમણા અને ડાબા હાથનું વિશેષ મહત્ત્વ છે. જમણો હાથ સૂર્યનાડી એટલે કે પિંગળા છે, જ્યારે ડાબો હાથ ચંદ્રનાડી એટલે કે ઇડા છે. સૂર્યનાડી ઊર્જા આપવાનું કામ કરે છે, જ્યારે ચંદ્રનાડી ઊર્જા શાંત કરવાનું કામ કરે છે. પૂર્વજોની ઊર્જાને શાંત કરવાની છે એટલે ડાબા હાથનો ઉપયોગ કરવામાં આવે છે. 

શ્રાદ્ધ વિધિ દરમ્યાન હવન પણ કરવામાં આવે છે. હવન વાતાવરણને શુદ્ધ કરવાનું કામ કરે છે તો સાથોસાથ મનને શાંત કરવાનું કામ પણ કરે છે. તમને જાણીને નવાઈ લાગશે કે આગને ગરમ ગણવામાં આવે છે, પણ આગ જોવાથી મનમાં રહેલી નકારાત્મકતા શાંત થાય છે.

hinduism culture news Rashmin Shah life and style columnists