ટેક્નૉલૉજીની અનિવાર્યતાને સમજીને એના વધારાના વળગણમાંથી બહાર આવવું પડશે

23 February, 2026 02:32 PM IST  |  Mumbai | Swami Satchidananda

કોઈ વખત તમારે ટેક્નૉલૉજીનો ઉપયોગ કરવો પડે એ સમજાય, પણ તમે જો એને નિયમિત સ્વભાવ બનાવી લો તો એ ગેરવાજબી છે

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

ટેક્નૉલૉજીનો અત્યારે એ સ્તર પર પ્રભાવ વધી ગયો છે કે માણસ પોતાની સાથે રહેવાને બદલે ટેક્નૉલૉજી સાથે વધારે રહેવા માંડ્યો છે. ટીવી નવું-નવું આવ્યું ત્યારે લોકો ટીવીમાં પ્રોગ્રામ આવે એની રાહ જોઈને બેસતા અને જેવો પ્રોગ્રામ ચાલુ થાય એટલે ટીવી સામે ગોઠવાઈ જતા, પણ આજે ટેક્નૉલૉજીને કારણે પ્રોગ્રામો ચાલુ જ છે અને એ સિવાય પણ મોબાઇલમાં એટલી બીજી સામગ્રી છે કે માણસનું મગજ બીજી દિશામાં કામ જ નથી કરતું. મનથી જે ત્રસ્ત છે તેને આ બધું આશીર્વાદ જેવું લાગી શકે, પણ ખરા અર્થમાં એવું નથી. આ જે ઘટનાઓ છે એ ક્ષણભંગુર જેવી છે અને સૌથી મોટી વાત, આ રીતે મગજને વ્યસ્ત રાખવાનું જે કામ છે એની અસર લાંબા ગાળા સુધી રહેતી નથી.

આજના સમયમાં ટેક્નૉલૉજી વિના ચાલવાનું નથી, પણ ટેક્નૉલૉજીનો અતિરેક પણ વાજબી નથી. નાનામાં નાની વાતનો ઑર્ડર ફોન પર કરીને ચીજવસ્તુ મગાવી લેવી એ વાત જ મને ગળે નથી ઊતરતી. અમારા આશ્રમ પાસે પણ હવે તો ચીજવસ્તુઓ ડિલિવરી કરવાવાળા આવવા માંડ્યા છે. હું તો બહાર જઈ નથી શકતો, પણ ભૂતકાળની વાત કરું તો કંઈ લેવા જવાનું હોય તો હું જાતે લેવા જવાનું પસંદ કરતો. આજે તો એ બિલકુલ બંધ થઈ ગયું છે. હમણાં મુંબઈના એક મિત્ર આવ્યા. તેમણે કહ્યું કે મારો દીકરો તો તેની પેન્સિલ પણ ફોન પર મગાવી લે છે.

આવું જો લાંબો સમય ચાલતું રહેશે તો આ જે નવી પેઢી છે એ તો ઠીક, અત્યારની કરન્ટ પેઢી પણ લોકોથી કપાવાની શરૂ થઈ જશે. કોઈ વખત તમારે ટેક્નૉલૉજીનો ઉપયોગ કરવો પડે એ સમજાય, પણ તમે જો એને નિયમિત સ્વભાવ બનાવી લો તો એ ગેરવાજબી છે. નવા માણસોને મળવું એ પણ એક પ્રકારનું શિક્ષણ છે. નવી વાતો જાણવી, ઓળખાણ કરવી, લોકોના હાવભાવ જોવા, તેમનું વર્તન જોવું એનાથી મોટું કોઈ લેસન નથી. આ જ લેસનના આધારે અગાઉની પેઢીમાં ગણતર આવ્યું છે, ઠાવકાઈ આવી છે, ધીરજ પણ આ જ કારણે આવી છે અને શાંતિ રાખીને ગમ ખાઈ જવાનો સ્વભાવ પણ એમાંથી જ કેળવાયો છે. જનરેશન ભલે બદલાય, પણ એક વાત યાદ રાખજો કે અહીં કહ્યા એ બધા ગુણ તો દરેક જનરેશન પાસે હોવા જ જોઈએ. સમય બદલાય એનો અર્થ એવો નથી કે માણસ શ્વાસ નથી લેતો અને માણસ શહેરમાંથી નીકળીને જંગલમાં રહેવા ચાલ્યો ગયો છે. ટેક્નૉલૉજીની અનિવાર્યતા યાદ રાખીને પણ ટેક્નૉલૉજીમાંથી છુટકારાનો સમય આવી ગયો છે. જો એમાંથી એક વાર બહાર આવશો તો જ તમે સમાજમાંથી મળતા લેસન અને અજાણ્યામાંથી મળતા ગણતરને પામી શકશો.

culture news columnists exclusive gujarati mid day