આજના વિશ્વ ગુજરાતી ભાષા દિવસ પર માણીએ માતૃભાષાનાં ગુણગાન કરતાં મજાનાં મુક્તકો

24 August, 2025 12:35 PM IST  |  Mumbai | Hiten Anandpara

મીરાં ને નરસૈંયો, નર્મદ, સૌની પ્યારી માતૃભાષા, સૈફ, શયદાએ ગઝલમાં, આવકારી માતૃભાષા/ ડાયરો ને લોકગીતો, ગુર્જરીની ભવ્યતા છે, હોય ગરબો કે ભજન હો, દીપે મારી માતૃભાષા

કવિ નર્મદ

પરદેશે ‘છે’ સાંભળી મનડાં ખોયાં હો

મેઘાણીની ‘રસધારે’ જે મોહ્યાં હો

મારે દિલનો નાતો છે એ સૌ સાથે

જેણે સપનનાં ગુજરાતીમાં જોયાં હો

- ડૉ. પ્રણય વાઘેલા

ગૌરવભરી ભાષા અમારી વિશ્વમાં છે વંદિતા

સંસ્કાર એમાં હોય જાણે વેદની હો સંહિતા

લાગે સરળ તોયે ઘણી અઘરી છે વાણી ગુર્જરી

જન્મો જતા ત્યારે થતા કોઈક વિરલા પંડિતા

- દિલીપ ધોળકિયા ‘શ્યામ’

માતા મારી ગુજરાતી છે

ગાથા મારી ગુજરાતી છે

સૌને ગમતી જીભે રમતી

ભાષા મારી ગુજરાતી છે

- સ્મિતા શુક્લ

ન બારાખડીને રમત સાવ ધારો

ન ભાષા મૂકીને મમતને વધારો

રહે બાળ છાનું તમે એ જ ગાઓ

ઊગે ભીતરે એ ભણો ને ભણાવો

- માધવી ભટ્ટ

જન્મથી માતાય ગુજરાતી મળી

એટલે ભાષાય ગુજરાતી મળી

એકડો કક્કો શીખ્યો જ્યાં ઘૂંટતા

તે મને શાળાય ગુજરાતી મળી

- ડૉ. ઇમ્તિયાઝ મોદી ‘મુસવ્વિર’

માતૃભાષા ગુર્જરીનો અસ્મિતાનો વારસો

છંદ, મુક્તક ને ગઝલનો, વારતાનો વારસો

મુજ મહીં ધબકે અને સીંચાય છે હર શ્વાસમાં

શૂન્ય, ઘાયલ ને બીજા કંઈકેટલાનો વારસો

- રિદ્ધિ પરમાર

પ્રાચીન વારસો અને આ નવ્ય વારસો

સોના સમો, ગિરાનો મળ્યો દ્રવ્ય વારસો

સચવાશે કેટલો હવે એ પ્રશ્ન થાય છે

પશ્ચિમ પ્રવાહ સામે ઝૂકે ભવ્ય વારસો

- અંકિતા મારુ ‘જિનલ’ 

ઓલો કો’ કે પેલો કો’, સરખું છે ગુજરાતીમાં

ચાલો કો’ કે હેંડો કો’, સરખું છે ગુજરાતીમાં

ખૂણે-ખૂણે નોખા શબ્દો, લહેકા નોખા લાગે

હેંથી કો’ કે સેંથો કો’, સરખું છે ગુજરાતીમાં

- દેવેન્દ્ર જોશી

ગૌરવથી કહેવું એવું, ગુજરાતી મારી ભાષા

કોઈ ના મારા જેવું, ગુજરાતી મારી ભાષા

નેતા બનો કે ઍક્ટર, એન્જિનિયર કે ડૉક્ટર

ઓળખમાં એવું કહેવું, ગુજરાતી મારી ભાષા

- મીતા ગોર મેવાડા

જન્મ પ્રભુ દે તો બસ માતા ગુજરાતી દે

વ્યક્ત થવા દે તો તું વાચા ગુજરાતી દે

 ગ્રંથ લખી દઉં આખેઆખો કોઈ વિષયમાં

જો તું લખવા માટે ભાષા ગુજરાતી દે

- સુનીલ કઠવાડિયા

 

નરસૈયે કરતાલે ઝીલી, શામળ, પ્રેમાનંદે જાણી

નર્મદ વીરે પ્રણ લીધા તો, એને પાછી લાવ્યા તાણી

મુનશી, ઘાયલ, મેઘાણીએ, ને કાકાએ ગરવી પોંખી!

સૌથી વ્હાલી, મીઠી લાગે, ભાષા ગુજરાતી ને વાણી

- રમેશ મારુ ‘ખફા’

તું જ આ રીતે ઉદાસી મોકલી દે એ ન ચાલે

ભેટમાં આંખો બે પ્યાસી મોકલી દે એ ન ચાલે

ચાહું હું મીઠાશ ઃ મા ને માતૃભાષાની હૃદયમાં

હોઠ પર તું ઇંગ્લિશમાસી મોકલી દે એ ન ચાલે

- શૈલેશ પંડ્યા નિશેષ

મીરાં ને નરસૈંયો, નર્મદ, સૌની પ્યારી માતૃભાષા

સૈફ, શયદાએ ગઝલમાં, આવકારી માતૃભાષા

ડાયરો ને લોકગીતો, ગુર્જરીની ભવ્યતા છે

હોય ગરબો કે ભજન હો, દીપે મારી માતૃભાષા

- જિતુ સોની

ઘોડિયામાં કાને પડતી આ મારી ભાષા ગુજરાતી

ધીરે-ધીરે લોહીમાં ભળતી આ મારી ભાષા ગુજરાતી

ઘાના હોકે હો આફ્રિકા, એ યુકે હો કે કૅનેડા

હર ચોરાહે કાને પડતી આ મારી ભાષા ગુજરાતી.

- બારીન દીક્ષિત

 

 

life and style culture news gujarati medium school gujarati mid day gujarati community news gujaratis of mumbai