લાઇટરથી માત્ર સિગારેટ નહીં, બીજું પણ ઘણું સળગે છે

26 May, 2026 11:08 AM IST  |  Mumbai | Jainacharya shree Udayvallabhasuri

સાદી બીડીથી ચાલુ થતી વ્યસનયાત્રા હવે મોંઘીદાટ સિગારેટ, વીડ, વેપિંગ અને ફૅન્સી ડ્રગ્સ સુધી વિસ્તરી ચૂકી છે

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

‘કેમ રાજુ! આજકાલ શું કરે છે?’

કાકાએ રાજુને પૂછ્યું. રાજુએ હસતાં-હસતાં જવાબ આપ્યો, ‘બસ, ગઈ કાલે જે કરતો હતો એ જ આજે વધુ સારી રીતે કરી રહ્યો છું.’

કાકાને કંઈ સમજાયું નહીં એટલે ચોખવટ સાથે પૂછ્યું, ‘ગઈ કાલ સુધી શું કરતો હતો?’

રાજુએ જવાબ આપ્યો, ‘આરામ!’

સાવ રમૂજી વાતમાં માર્મિક સંદેશો છુપાયો છે. ‘આરામ’ શબ્દના સ્થાને ‘વ્યસન’ શબ્દ મૂકીને આ પ્રસંગ ફરી વાંચી જુઓ!

સાદી બીડીથી ચાલુ થતી વ્યસનયાત્રા હવે મોંઘીદાટ સિગારેટ, વીડ, વેપિંગ અને ફૅન્સી ડ્રગ્સ સુધી વિસ્તરી ચૂકી છે. મે મહિનાના છેલ્લા દિવસે એટલે કે ૩૧ તારીખે વર્લ્ડ નો-ટબૅકો કે ઊજવાય છે. આવા દિવસો કોઈ પર્વની માફક ઊજવવા માટે નહીં પણ વૈશ્વિક જાગૃતિ ફેલાવવા માટે હોય છે. આ મર્મ સમજ્યા વગરના ‘ડે’ની ઉજવણી અર્થશૂન્ય છે. વિશ્વ તમાકુ નિષેધ દિવસે એક બાજુ બધે તમાકુનાં નુકસાનોનું કલરફુલ પ્રસારણ હોય છે અને સાથે જ ટશન કા જશન જેવાં વિજ્ઞાપનોનો પણ મારો ચાલે છે.

તમાકુને કારણે ૨૦૨૨માં ભારતમાં ૧૩ લાખ અને વિશ્વમાં ૮૦ લાખથી વધુ લોકોનાં મોત થયાં હતાં, જે આંકડો હાલના તબક્કે એક કરોડ ઉપર ગયો છે. આનો અર્થ એ થયો કે રોજના લગભગ ૩૦,૦૦૦ એટલે કે દર કલાકે ૧૨૫૦ અને દર મિનિટે વીસથી વધુ મોત તમાકુને કારણે થાય છે. તમાકુને કારણે થતાં મોતનો કાંટો ઘડિયાળના સેકન્ડ કાંટાની ઝડપથી લગોલગ આવીને ઊભો છે છતાં કોઈ તમાકુને ‘મોત કા સોદાગર’ કહેતું નથી. મોતની આ અંકવૃદ્ધિને હવે રોક લગાવવી જરૂરી છે. હવે સમય પાકી ગયો છે પડીકા પર છપાતી સ્ટૅટ્યુટરી વૉર્નિંગને એન્ફોર્સેબલ  બનાવવાનો. વિશ્વના સવાસો દેશોમાં તમાકુનું ઉત્પાદન થાય છે અને અંદાજે સવાસો કરોડથી વધુ લોકો તમાકુનું સેવન કરે છે. એક વ્યક્તિ જ્યારે લાઇટરથી સિગારેટ સળગાવે છે ત્યારે માત્ર સિગારેટ નહીં પણ તેનું આરોગ્ય, પરિવાર અને મહામહેનતે કમાયેલો પૈસો બધું ભેગું સળગે છે. માર્ક ટ્વેઇન દ્વારા એક તીખો વ્યંગ થયો હતો કે સિગારેટના એક છેડે ધુમાડો હોય છે અને બીજા છેડે મૂરખ! સિગારેટ તો ૧૫ મિનિટમાં બુઝાઈ જાય, પણ બુઝાઈ ગયા પછી પણ એ ડૅમેજ કરતી રહે છે. દસ-વીસ ફૂંકનો કશ બે પળ માણવાની લાયમાં માણસ જીવનના બે-ત્રણ દાયકા ટૂંકાવી દે છે. આપણી ખુશી કરતાં પણ શું આપણી આદતો મહાન છે?

પશ્ચિમી દેશો હવે કાયદેસર પ્રતિબંધ મૂકીને તમાકુથી પ્રજાને બચાવવા એવી વ્યવસ્થા કરી રહ્યા છે કે ૨૦૦૮ પછી જન્મેલા માટે તમાકુ ફરજિયાત પ્રતિબંધ. જેમને હજી ટેવ પડી જ નથી તેમને બચાવી લેવા માટે અનુકરણીય પહેલ છે.

દર વર્ષે સિગારેટના ઉત્પાદનની પાછળ ૬૦ કરોડ વૃક્ષોનો અને બાવીસ ટ્રિલ્યન લીટર પાણીનો વપરાશ થાય છે અને બદલામાં મળે છે ૮૪ મિલ્યન ટન કાર્બન ઉત્સર્જન તથા ૭૦૦૦ ઘાતક રસાયણોનો હવામાં ફેલાવો. આવા પ્રકૃતિ-ઘાતક તમાકુના ઉત્પાદન માટે બે લાખ હેક્ટર જમીન રોકાય ખરી? વૈશ્વિક રિસોર્સ‌િસ અને માનવજીવન પર ઘાતક અસર ઉપજાવતા તમાકુને માત્ર આરોગ્ય સામેના ખતરારૂપે નહીં પણ માનવવિકાસ અને સંસાધનો સામેના જોખમરૂપે જોતા શીખીએ.

culture news lifestyle news life and style columnists