પૂજા કરવી સરળ છે પણ પ્રેમ કરવો ઉચ્ચ બાબત છે

29 April, 2026 01:02 PM IST  |  Mumbai | Morari Bapu

પ્રેમનું ફળ મુક્તિ નથી, પ્રેમ જ છે. મુક્તિ પ્રેમના ઘરમાં વાસણ માંજે છે, કપડાં ધુએ છે, દાસી બનીને રહે છે

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

પ્રેમમાં બાધક બનતી ભીતિ વિશે ક્યારેય વિચાર્યું છે? વિચાર્યું છે ખરું કે પ્રેમમાં બાધક બનતી ભીતિ મનમાં જન્મે શું કામ?

જ્યાં સુધી ભય રહેશે ત્યાં સુધી એ પ્રેમમાં બાધક બનશે જ બનશે. શંકામાં ભીતિનું હોવું પણ જરૂરી છે. સદ્ગુરુનો ડર, બેટા પર બાપનો ડર હોવો જરૂરી છે. આ રીતે જે ડરે તે હકીકતમાં નિર્ભય થઈ જાય છે. એ નિર્ભયતા જ પ્રેમમાર્ગ તરફ લઈ જાય છે. પ્રેમની યાત્રામાં અડધા રસ્તા સુધી જ ડર જરૂરી છે, ત્યાર પછી નહીં. ભય-અભય બન્નેનું સર્જન પરમાત્માએ કર્યું છે. તમને જો તમારા સદ્ગુરુનો ભય ન રહે તો તમે સ્વચ્છંદી થઈ જશો. જો સ્વચ્છંદી ન થવું હોય તો ભય હોવો જોઈએ અને ભય હશે તો સદ્ગુરુનો દરેક શબ્દ કાયમ માટે હૃદયમાં રહેશે. આમ પણ હૃદય પ્રેમ માટે છે એટલે પ્રેમ ત્યાં જ રાખવાનો હોય.

પ્રેમની વાત ચાલે છે અને એમાં બનનારા બાધકની ચર્ચા ચાલે છે ત્યારે પ્રેમ પંથ પાવકની જ્વાળાની વાત પણ કરવી જોઈએ.

પ્રેમ મુશ્કેલ વ્રત છે. પ્રેમનો પંથ જ વિષમ વ્રત છે.

જો મેં ઐસા જાનતી કિ પ્રીત કિયે દુઃખ હોય!

નગર ઢીંઢોરા પીટતી કે પ્રીત ન કરિયો કોઈ દુનિયાનું સૌથી કઠિન, વિષમ વ્રત છે પ્રેમ નિર્વાહ. ચર્ચા કરવામાં આવે છે, મોટા-મોટા લેખો લખવામાં આવે છે. અરે, પ્રેમ પર આખી નવલકથા પણ લખવામાં આવે છે. સિદ્ધહસ્ત કમ્યુનિસ્ટોને તમે કોઈ પણ વિષય આપો તો ધોધમાર બોલે. વર્ષાઋતુ પર તો આખું પાનું ભરી નાખે, પાણીનું એક ટીપું પણ ન છોડે!

પ્રેમ વ્રત વિષમ વ્રત છે, મારી સમજણ પ્રમાણે. જ્ઞાન નિર્વાહ સરળ છે, ભલે ખાંડાની ધાર પર હોય.

‘જ્ઞાન કે પંથ કૃપાણ કી ધારા.’

માની લઈએ કે વૈરાગ્યનો માર્ગ પણ બહુ જ આકરો છે, પરંતુ વિશ્વમાં જો કોઈ અતિ વિષમ વ્રત હોય તો એ પ્રેમ વ્રત છે. પ્રેમનું ફળ મુક્તિ નથી, પ્રેમ જ છે. મુક્તિ પ્રેમના ઘરમાં વાસણ માંજે છે, કપડાં ધુએ છે, દાસી બનીને રહે છે.

પ્રેમનું ફળ પ્રેમ જ છે. પ્રેમ મળ્યા પછી કોઈ વસ્તુ મેળવવાની રહેતી નથી અને હું તો કહીશ કે પ્રેમને ફળ જ સમજજો, પ્રેમનું પાલન કરજો. વિષમ વ્રત આચરન કો. એ બહુ જ મુશ્કેલ વ્રત છે. પૂજા કરવી બહુ જ સરળ છે, પણ પ્રેમ કરવો બહુ જ ઉચ્ચ બાબત છે.

culture news lifestyle news life and style columnists Morari Bapu gujarati mid day exclusive