ચલો નીડર હોકે આપ, હમ હૈં આપકે સાથ

04 September, 2021 03:10 PM IST  |  Mumbai | Ruchita Shah

વહેલી સવારે એક સ્થળેથી બીજા સ્થળે પગપાળા વિહાર કરીને જતાં સાધુ-સાધ્વીઓને સેફ્ટી આપવાના આશયથી યુવાનો તેમની સાથે ચાલે છે. ૨૦૦૯થી શરૂ થઈ છે આ પરંપરા. નવાઈની વાત એ કે આ કાર્યથી અનેક યુવાનોના વ્યસન છૂટી ગયાં અને ધર્મ તરફ વળ્યા.

ભારતભરમાં આવાં સાડાત્રણસો વિહાર સેવા ગ્રુપ્સ છે અને લગભગ પંદરેક હજાર યુવાનોએ અનોખી હ્યુમન ચેઇન રચીને જાણે એક ક્રાન્તિ સરજી છે

‘સાલ હતી ૨૦૦૯ની. પૂજ્ય આચાર્ય શ્રી જંબુવિજયજી મહારાજસાહેબનો અકસ્માત થયો છે એવા સમાચાર આવ્યા. એ સમયે અમે ભિવંડી હતા. સત્તર ભાષાના જાણકાર ૮૮ વર્ષના આ વિદ્વાન મહાત્માની આકસ્મિક વિદાય અપસેટ કરી ગઈ. જૈન સમાજે એક મહાન વિભૂતિ ગુમાવી દીધી. આ રીતે અકસ્માત થાય એ ન ચાલે. કંઈક કરવું જોઈએ. ભિવંડી સંઘમાં અમે પૂજ્યશ્રીની ગુણાનુવાદ સભામાં આવા અકસ્માત બદલ આક્રોશ વ્યક્ત કર્યો અને હાકલ કરી કે તમે શું કરી શકો આ પ્રકારના અકસ્માતોથી સાધુ ભગવંતોને બચાવવા. વિહારમાં તેમની સાથે રહી શકાય તો આ પ્રકારના અકસ્માતો ઘટી શકે એવું વિઝન આપ્યું અને એ સમયે ભિવંડીના નવ યુવક ગ્રુપના યુવાનો આગળ આવ્યા. જોકે તેઓ નવ જ સભ્યો હતા. મેં કહ્યું, ૯૦ સભ્યો થાય તો કામ શરૂ થાય અને જોતજોતામાં આંકડો નેવું પર પહોંચી પણ ગયો. આજે સાડાત્રણસો પર છે. ભિવંડીમાં આ રીતે ૨૦૦૯માં પહેલું વિહાર સેવા ગ્રુપ શરૂ થયું, જેનું કામ હતું કે એ વિસ્તારનાં કોઈ પણ સાધુ-સાધ્વી ભગવંત વિહાર માટે નીકળે તો તેમની સાથે ઓછામાં ઓછા બે યુવાનો હોય જે તેમની સાથે ચાલીને એક સ્થાનેથી બીજા સ્થાને પહોંચાડે તેમ જ મહાત્માનો સામાન તેઓ પોતાના નિહીત સ્થાન પર પહોંચે એ પહેલાં ગાડીના માધ્યમે ત્યાં પહોંચી ગયો હોય એવી વ્યવસ્થા ઊભી કરે.’

પૂજ્ય આચાર્યશ્રી મહાબોધિવિજયજી મહારાજસાહેબના આ શબ્દો છે. નિયમ મુજબ જૈન સાધુ-સાધ્વી વગર ચંપલે એક સ્થળેથી બીજે સ્થળે પગપાળા જતા હોય છે, જેને વિહાર કહેવાય. જોકે હાઇવે પર થતા વિહારોમાં બેફામ આવતાં વાહનોને કારણે ઘણી વાર અકસ્માતોની ઘટના સામે આવતી હોય છે. જોકે વિહાર સેવા ગ્રુપનો વિસ્તાર થયા પછી અન્ય ધાર્મિક ગ્રુપ્સના યુવાનો પણ આ કાર્યમાં જોડાયા પછી આવી ઘટનાઓ ઘણા અંશે ઘટી છે.

વ્યવસ્થિત સોલ્યુશન

જૈન સાધુ-સાધ્વીજીઓ માટે વિહારયાત્રા સુરક્ષાપૂર્ણ રહે એવી અનોખી વ્યવસ્થા ઊભી કરવાની પ્રેરણા આપનારા પૂજ્યશ્રી મહાબોધિવિજયજી મહારાજસાહેબ કહે છે, ‘એ સમયે દર વર્ષે ઍવરેજ વીસથી પચીસ મહાત્માઓ વિહાર દરમ્યાન અકસ્માતનો ભોગ બનતા હતા. ભયંકર ટ્રાફિક હોય, વહેલી સવારે અજવાળું ન થયું હોય, બેફામ ગાડી ચલાવનારાઓ હોય, ઘણી વાર રસ્તામાં કેટલાંક અસામાજિક તત્ત્વો હેરાન કરી દેતાં હોય. આવી ઘણીબધી બાબતોથી સાધુ-સાધ્વીઓનું રક્ષણ કોણ કરી શકે, કેવી રીતે થાય એના પર ઘણું મનોમંથન થયા પછી આ પ્રકારના યુવાનોના ગ્રુપનો વિચાર આવ્યો અને એ વિચારને પહેલવહેલો ભિવંડીના યુવાનોએ વધાવી લીધો. આજે આ કાર્ય સાથે સંકળાયેલાં લગભગ સાડાત્રણસો જેટલાં ગ્રુપ ભારતભરમાં છે. ૧૫ હજાર જેટલા યુવાનો આ કાર્યનો હિસ્સો બની ગયા છે. મુંબઈમાં આજે થાણે, ઘાટકોપર, ભાંડુપ, વિક્રોલી, સાયન, દાદર, સાઉથ મુંબઈ, બાંદરા, ખાર, સાંતાક્રુઝ, પાર્લા, ઇર્લા, અંધેરી, ગોરેગામ, મલાડ, કાંદિવલી, બોરીવલી, વાપી, વલસાડ, નવસારી, સુરત, અમદાવાદ એમપી, સાઉથ, ગુજરાત, આંધ્રપ્રદેશ, તેલંગણા, મહારાષ્ટ્રમાં કોલ્હાપુર સુધી અને સાઉથમાં પણ વિહાર દરમ્યાનની આ સેવાનું કાર્ય થઈ રહ્યું છે. મજાની વાત એ છે કે આમાં કોઈ યુવાનનું કોઈ શેડ્યુલ ડિસ્ટર્બ નથી થતું. સવારે ચાર વાગ્યે ઊઠીને તેમણે ઉપાશ્રય જવાનું હોય છે અને પછી જે-તે સાધુ-સાધ્વી મહારાજસાહેબની સાથે તેઓ પણ વિહાર કરીને એટલે કે ઍવરેજ પંદરથી વીસ કિલોમીટર જેટલું ચાલતા હોય છે. સાતેક વાગ્યા સુધી ઉપાશ્રય સુધી મહાત્માને પહોંચાડીને આઠ વાગ્યા સુધી તેઓ પોતપોતાના ઘરે પહોંચી જતા હોય છે જેથી તેમની ડ્યુટી કે બિઝનેસના ટાઇમને ક્યાંય ડિસ્ટર્બ ન થાય.’

બહુ જ મોટો હાશકારો

આ પહેલથી સાધુ-સાધ્વી ભગવંતોને ખૂબ મોટી રિલીફ થઈ ગઈ છે. આચાર્યશ્રી મહાબોધિવિજયજી  કહે છે, ‘ઘણી વાર નવા એરિયામાં હોય તો મહાત્માને રસ્તા ન ખબર હોય, વહેલી સવારે સાધ્વીજીને અંધારામાં એકલાં જવામાં ભય રહેતો. હવે તેઓ વિહારને લઈને સાવ નિશ્ચિંત હોય છે. જાણે બગીચામાં સેર કરવા નીકળ્યા હોય એવી નિરાંતથી તેઓ પોતાના નિયત સ્થાને પહોંચી જાય છે. ધારો કે દૂરથી લાંબા સમયની સ્થિરતા સાથે આવતા હોય તો સામાન પણ હોય અને એના માટે સાઇકલવાળો રાખવો પડતો. હવે આ યુવાનોને કારણે તેઓ પહોંચે એ પહેલાં તેમનો સામાન પહોંચી જાય છે. યુવાનો પણ પાછા એવા નિષ્ઠાવાન છે કે તેમણે જખમ ઝીલીને પણ સાધુઓને બચાવ્યા છે. વિહાર સેવા ગ્રુપના યુવાનો હોય એ સમયે આવા કોઈ અકસ્માતમાં સાધુ-સાધ્વી ભગવંતોને મેજર નુકસાન થયું હોય

એવો એક પણ બનાવ છેલ્લાં બાર વર્ષમાં નથી બન્યો. આ કાર્યમાં યુવાનો

જબરદસ્ત ડિવોટેડ છે. સૌથી મોટો ફાયદો તો એ જ કે સાધુ-સાધ્વી સાથે ચાલતા હોય ત્યારે ધર્મની ચર્ચાઓ થાય એમાં યુવાનોના જીવન પરિવર્તન થયાં છે. કોઈકે વ્યસનો ત્યજી દીધાં, કોઈકે નિયમિત દેરાસર જવાનું શરૂ કર્યું, કોઈકે મા-બાપને પગે લાગવાનું શરૂ કર્યું. પરમ પૂજ્ય આચાર્ય શ્રીજયઘોષસૂરીશ્વરજી મહારાજસાહેબ, આચાર્ય શ્રીહેમચંદ્રસૂરીશ્વરજી, આચાર્ય શ્રી રત્નસુંદરસૂરીશ્વરજી. આચાર્યશ્રી અક્ષયબોધિસુરિજી વગેરે ઘણા ગુરુદેવના આશીર્વાદ છે અને ખાતરી છે કે જે સાધુ-મહાત્મા આ સેવાનો લાભ લઈ રહ્યા છે તેમના પણ આશિષ આ ગ્રુપને સતત મળી રહ્યા છે.’

જવા માટે પડાપડી

તમને એમ હશે કે આ રીતે સવારે વહેલા ઊઠીને આટલા બધા કિલોમીટર ચાલવાનું કામ કરવામાં યુવાનો છટકબારી શોધતા હશે તો એવું જરાય નથી. સૌથી પહેલા અને સૌથી જુદા ભિવંડી વિહાર ગ્રુપના ફાઉન્ડર કૅપ્ટન હસમુખ પારસમલ જૈન આ વિશે કહે છે, ‘ભિવંડીમાં દસ ગ્રુપ લીડર છે અને દરેક પાસે હવે વિહાર હોય તો મને જ મોકલજો એવું કહેનારા કમ સે કમ પાંચ યુવાનો હોય છે. અત્યારે ભારતમાં સૌથી વધુ વિહાર કરાવવાનો લાભ અમારા ગ્રુપને મળી રહ્યો છે. હાઇવે પર કામણ, ગિરનારધામ, મુલુંડ, કલ્યાણ, શાહપુર  જેવા ઘણા એરિયા અમે કવર કરીએ છીએ. વર્ષના ઍવરેજ સોળસોથી સત્તરસો વિહાર અમારા એક ગ્રુપ અંતર્ગત થાય છે. ક્યારેક તો દિવસના વીસથી બાવીસ વિહાર હોય. મહાત્માઓને વિહાર કરાવવાની સાથે કયો ઉપાશ્રય ખાલી છે, ક્યાં અન્ય સાધુ ભગવંતો છે અથવા તો કયા મહાત્મા કયા ‌ઉપાશ્રયમાં બિરાજમાન છે એ ગણતરીની મિનિટોમાં જાણીને કહી શકાય એવું સ્ટ્રૉન્ગ હવે અમારું ઇન્ટરનલ નેટવર્ક બની ગયું છે.’

વિહાર દરમ્યાન ગાડી ચલાવનારા પીધેલો હોય કે પોતાની ગાડીનું સંતુલન ગુમાવે તો અકસ્માતની ઘટના ઘટી શકે છે. એવી જ એક ઘટના થોડાક મહિનાઓ પહેલાં ઘટી હતી જેમાં એક યુવાનનું એક સાધુ ભગવંતને બચાવવા જતાં નિધન થયું હતું. તેના બલિદાનને શહિદની જેમ જૈન સમાજના લોકોએ ખૂબ માનસન્માન આપ્યું હતું અને તેના પરિવારને પોતાનાથી બનતી બધા જ પ્રકારની મદદ પણ પહોંચાડી હતી. ભિવંડીના ગ્રુપે બાર વર્ષમાં લગભગ પિસ્તાલીસ હજાર સાધુ-સાધ્વીઓને વિહાર કરાવ્યા છે. હસમુખભાઈ કહે છે, ‘કૉલેજના સ્ટુડન્ટ્સ જે સાંજના સમયે ફ્રી હોય તો તેઓ સાંજના સમયે વિહાર કરવા માગતાં સાધુ-સાધ્વી સાથે જાય. યુવાનોમાં ગજબ ઉત્સાહ હોય છે. આ કાર્ય માટે ફિરકાઓનો કોઈ ભેદ અમે રાખ્યો નથી. શ્વેતામ્બર જૈન, દિગમ્બર, તેરાપંથી, સ્થાનકવાસી, દેરાવાસી, એક તિથિ, બે તિથિ એમ દરેકની જરૂરિયાત મુજબ વિહાર દરમ્યાન અમારા ગ્રુપના સભ્યો મહાત્માની સિક્યૉરિટી માટે પહોંચી જાય છે. ક્યારેક અકસ્માતમાં નાની-મોટી ઈજા થઈ હોય તો પણ યુવાનો ફરી સાજા થઈને આ કામમાં લાગી જાય છે.’

વિહારમાં મ.સા. સાથે વૉલન્ટિયર

સિસ્ટમ શું છે?

વિહાર ગ્રુપની કાર્યપ્રણાલીને વધુ ટેક્નિકલી સમજાવતાં સાઉથ મુંબઈ વિહાર સેવા ગ્રુપના કૅપ્ટન રિતેશ શાહ કહે છે, ‘દરેક એરિયાનાં ગ્રુપ્સ હોય જેમાં એક કૅપ્ટન હોય. અમારા ગ્રુપમાં પણ લગભગ ૩૦૦ સભ્યો છે. હવે જ્યારે પણ કોઈ સંઘમાં રહેલાં કોઈ સાધુ કે સાધ્વીજી મહારાજને વિહાર કરવો હોય તો તેઓ એ સંઘની પેઢી દ્વારા અમારો સંપર્ક કરે. ગ્રુપમાં જેનો ટર્ન હોય તેને પૂછવામાં આવે અને જો તેની અવેલેબિલિટી હોય તો હા પાડે. સવારે ચાર વાગ્યે તે કૅપ્ટનને ફોન કરીને ઇન્ફૉર્મ કરે. ઉપાશ્રય પહોંચીને વિહાર શરૂ થયા પછીના એ અપડેટ્સ આપે. છેલ્લે મહાત્માને તેમના ડેસ્ટિનેશન પર પહોંચાડીને ફરી કૅપ્ટનને ઇન્ફૉર્મ કરવામાં આવે. સવારે ચારથી લઈને આઠ વાગ્યા સુધી

સતત આ રીતે જુદા-જુદા એરિયામાં વિહારમાં ગયેલા યુવાનોના ફોનકૉલ્સ ચાલુ હોય. મિનિમમ બે યુવાનો અને સાથે એક ગાડી હોય જેમાં મહારાજસાહેબનો સામાન તેમના ડેસ્ટિનેશન પર પહોંચાડવામાં આવે. અમારા ટીમમાં કપલ પણ આ સેવામાં જોડાય છે. ખાસ કરીને ત્યારે જ્યારે સાધ્વીજી મહારાજ વ્હીલચૅર પર હોય ત્યારે હસબન્ડ-વાઇફ વિહારમાં આવે, જેમાં વાઇફ સાધ્વીજી મહારાજ સાથે વ્હીલચૅરની જવાબદારી સાચવી લે.’

ભયંકર અકસ્માત પછી પણ અટક્યો નથી આ યુવાન

૨૦૧૮ની ચોવીસ એપ્રિલ શાહપુરમાં રહેતા આશિષ શાહ માટે કાયમ માટે યાદગાર રહી જનારો દિવસ છે. હાઇવે પર વિહાર માટે સાધ્વીજી મહારાજ સાથે જઈ રહેલા આ યુવાનને સામેથી આવી રહેલી ગાડીએ અડફેટે લઈ લીધો. હાથ-પગ ભાંગી ગયા. છ મહિના તો તે સંપૂર્ણ પથારીવશ રહ્યો. અત્યાર સુધીમાં આઠથી નવ સર્જરી થઈ ગઈ છે. કરોડરજ્જુમાં આજે પણ રૉડ બેસાડેલો છે. જોકે બે વર્ષ પછી ‌ચાતુર્માસ શરૂ થયો એ પહેલાં એક વિહારમાં જઈ આવ્યો છે. આશિષ કહે છે, ‘અકસ્માત થયો ત્યારે મારા સિવાય વ્હીલચૅર ચલાવી રહેલાં બહેન અને સાધ્વજી મહારાજને પણ થોડીક ઈજા થઈ હતી. જોકે મારી હાલત વધુ ગંભીર હતી પરંતુ હું એનાથી ડર્યો નથી. આવું તો હું એકલો હોત તો પણ થઈ શક્યું હોત. તમને આશ્ચર્ય થશે કે ઍક્સિડન્ટ પછીનાં બે વર્ષના ગાળામાં અમારા વિહાર ગ્રુપના પરિવારે, જુદા-જુદા જૈન સંઘના કલ્યાણમિત્રોએ એટલી મદદ કરી છે મને કે ન પૂછો વાત. મારા પરિવારના સભ્યો મને સાચવે એ સ્વાભાવિક છે કે પરંતુ ‌જેઓ મને જાણતા પણ નહોતા એવા લોકો પણ અહીં મારી મદદે આવ્યા છે. હવે આ કાર્ય નથી પરંતુ અમારા જીવનનો એક મહત્ત્વનો મકસદ બની ગયો છે.’

૨૬ સપ્ટેમ્બરે યોજાશે ગ્રુપનું વાર્ષિક સંમેલન

બે વર્ષ પહેલાં તમામ વિહાર ગ્રુપોનું જે સંમેલન યોજાયેલું એમાં હજારોની સંખ્યામાં યુવાનો હાજર રહ્યા હતા

વિહાર સેવા ગ્રુપનું સંમેલન દર વર્ષે યોજાય છે જેમાં ઍન્યુઅલ કયા ગ્રુપે કેટલા વિહાર કર્યા, કયા યુવાને હાઇએસ્ટ વિહાર કર્યા, સાંજના વિહારોમાં કેટલાં ગ્રુપ આગળ રહ્યાં વગેરેનું રિપોર્ટ કાર્ડ વંચાય. સૌથી વધુ વિહાર કરાવનારા ગ્રુપનું સન્માન થાય, ટ્રોફીઓ અપાય. લગભગ ૧૫૦૦ જેટલા યુવાનો ભારતભરમાંથી આ ઍન્યુઅલ મીટમાં હાજર રહે. ગયા વર્ષે કોવિડને કારણે સંમેલન ન થઈ શક્યું. જોકે આ વર્ષે ૨૬ સપ્ટેમ્બરે આ સંમેલનનું આયોજન ભિવંડી ખાતે કરવામાં આવ્યું છે જેમાં વિહાર સેવા ગ્રુપના યુવાનોને વિશેષ આમંત્રણ આપવામાં આવ્યું છે.

columnists ruchita shah