16 October, 2025 03:17 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
કુદરતી સુંદરતા મેળવવા માટે આજકાલ લોકો કેમિકલવાળી પ્રોડક્ટ્સનો ઉપયોગ કરવાની જગ્યાએ ઘરેલુ નુસખાઓ અજમાવવા તરફ વળી રહ્યા છે. આવો જ એક પ્રભાવી ઉપાય એટલે ચહેરા પર ઠંડુ દહીં લગાવવું. દહીં ખાવામાં તો સ્વાસ્થ્ય માટે સારું જ છે પણ ત્વચા માટે પણ ઔષધિથી ઓછું નથી. એમાં રહેલાં લૅક્ટિક ઍસિડ, વિટામિન B, કૅલ્શિયમ અને ઝિન્ક જેવાં તત્ત્વ ત્વચાને અંદરથી પોષણ આપવાનું કામ કરે છે અને એને સ્વસ્થ અને ચમકદાર બનાવે છે.
ઠંડું દહીં ચહેરા પર લગાવવાથી ત્વચાને તરત ઠંડક અને રાહત મળે છે. ગરમી, તડકા અને પ્રદૂષણને કારણે ચહેરો મૂરઝાયેલો અને થાકેલો લાગે છે. એવામાં ઠંડું દહીં લગાવવાથી સનબર્ન અને બળતરામાંથી આરામ મળે છે તેમ જ ત્વચામાં મૉઇશ્ચર આવે છે. દહીંમાં હાજર લૅક્ટિક ઍસિડ એક નૅચરલ એક્સફોલિએટરની જેમ કામ કરે છે જે ડેડ સ્કિન સેલ્સને હટાવીને ત્વચાને સાફ અને મુલાયમ બનાવે છે. એના નિયમિત ઉપયોગથી ચહેરાની ડલનેસ ઓછી થાય છે અને નૅચરલ ગ્લો પરત આવે છે.
એ સિવાય દહીં ત્વચાના ટૅનને ઓછો કરવામાં પણ મદદ કરે છે. જે લોકો તડકામાં વધુ રહેતા હોય તેમના માટે આ એક અસરકારક ઉપાય છે. એમાં રહેલાં ઝિન્ક અને પ્રોબાયોટિક્સ બૅક્ટેરિયાને નિયંત્રિત કરે છે, જેનાથી પિમ્પલ્સ અને ઍક્નેની સમસ્યામાંથી રાહત મળે છે. ઠંડું દહીં ઓપન પોર્સને ટાઇટ કરીને સ્કિનને ફર્મ બનાવવામાં પણ મદદ કરે છે. દહીંને મધ અને હળદર સાથે મિક્સ કરીને લગાવવામાં આવે તો આ ફેસપૅક વધુ લાભદાયક સાબિત થાય છે.
દહીં ત્વચાને ગહેરાઈથી મૉઇશ્ચરાઇઝ્ડ કરે છે અને ડ્રાય સ્કિન ધરાવતા લોકો માટે તો એ વરદાનથી ઓછું નથી. એવી જ રીતે એ ઑઇલી સ્કિન પરથી એક્સ્ટ્રા ઑઇલને કન્ટ્રોલ કરે છે. આનો ઉપયોગ કરવો પણ ખૂબ સરળ છે. ફક્ત એક ચમચી ઠંડું દહીં લો. એને ચહેરા પર લગાવો અને દસથી પંદર મિનિટ સુધી છોડી દો અને પછી પાણીથી ધોઈ નાખો.
જોકે સંવેદનશીલ ત્વચાવાળા લોકોએ દહીં લગાવતા પહેલાં પૅચ ટેસ્ટ જરૂર કરવી જોઈએ. કોઈને દૂધ કે ડેરી પ્રોડક્ટની ઍલર્જી હોય તો એનો ઉપયોગ ન કરવો જોઈએ. અઠવાડિયામાં ત્રણ વાર ઠંડું દહીં લગાવવાથી ચહેરા પર નૅચરલ ગ્લો આવે છે.