મૉડર્ન સદાબહાર સાડી

24 May, 2022 07:12 PM IST  |  Mumbai | Aparna Shirish

સાડી હવે ફક્ત પ્રસંગોપાત્ત પહેરાતું ભારતીય પરિધાન નથી રહી, ઇન્ટરનૅશનલ રેડ કાર્પેટ પર પહોંચેલી સાડી હવે વેસ્ટર્ન પાર્ટીવેઅર તરીકે પણ પહેલી પસંદગી બની રહી છે

મૉડર્ન સદાબહાર સાડી

રેગ્યુલર વેઅરમાં કૉટન, પ્રસંગોપાત્ત સિલ્ક અને પાર્ટીમાં નેટ કે ઑર્ગન્ઝાની વર્કવાળી સાડી. સૉરી! આ કન્સેપ્ટ હવે અસ્તિત્વમાં નથી. સાડીનું રૂપ હવે બદલાઈ ચૂક્યું છે અને એ બની ગઈ છે બધાની ફેવરિટ પાર્ટીવેઅર. તાજેતરમાં કાન ફિલ્મ ફેસ્ટિવલમાં દીપિકા પાદુકોણ અને એ પહેલાં મેટ ગાલામાં બિઝનેસવુમન નતાશા પુનાવાલાએ સાડી પહેર્યા બાદ આ પરિધાન ફરી વાર એક ચર્ચાનો વિષય બની ગયું છે. કેટલાકે ભારતીય પરિધાનની પસંદગી કરવા બદલ તેમનાં વખાણ કર્યાં છે તો કેટલાકે તેમની સ્ટાઇલને વધુપડતી ગણાવી છે. ખેર, વાત છે સાડીને વેસ્ટર્ન પાર્ટીવેઅર તરીકે પહેરવાની. સાડીને વેસ્ટર્નવેઅર તરીકે પહેરવાનું મન બનાવી લીધું હોય તો એને વધુ સ્ટાઇલિશ બનાવવાની કેટલીક ટિપ્સ જાણી લો.
ફૅબ્રિક્સ
ફ્યુઝન સાડીની વાત આવે ત્યારે રેગ્યુલર સિલ્ક અને હૅન્ડલૂમને બાજુ પર મૂકી દો. અહીં ડિઝાઇનર રિદ્ધિ ગાંધી કહે છે, ‘પહેલાં ફક્ત સિલ્ક કે નેટની સાડીઓ પાર્ટીવેઅર તરીકે પહેરાતી. હવે રફલ્ડ સાડીઓ આવી ગઈ છે. ઑલઓવર સીક્વન્સ્ડ ફૅબ્રિકની સાડીઓ પણ ખૂબ ચાલી રહી છે. અહીં બેત્રણ ફૅબ્રિક્સનું ફ્યુઝન કરીને સાડી બનાવડાવી શકાય. રફલ્ડ સાડીમાં જ્યૉર્જેટ અને વર્કવાળાં શિફોન જેવાં ફૅબ્રિક્સ સુંદર લાગે છે. એ સિવાય લાયક્રા ફૅબ્રિકની સાડી પણ સારી લાગે છે.’
રેડી-ટુ-વેઅર સાડી
સાડીને ડિફરન્ટ રીતે ડ્રેપ કરવી એક કલા છે અને એ કઈ રીતે ડ્રેપ કરવામાં આવી છે એના પર એનો લુક ટ્રેડિશનલ લાગશે કે વેસ્ટર્ન એનો આધાર રાખે છે. આ વિશે રિદ્ધિ કહે છે, ‘અહીં રેડી-ટુ-ડ્રેપ સાડી કે ગાઉનની પસંદગી કરી શકાય. સાડી ગાઉન પણ સારાં લાગશે જેમાં ગાઉનની ડ્રેપ સાડીનો જ લુક આપે એવી હોવી જોઈએ. બૉટમમાં રેગ્યુલર પાટલીની જગ્યાએ ધોતી સ્ટાઇલ કે એસિમેટ્રિકલ ડ્રેપ આપી શકાય. એ સિવાય સાડી ગાઉનમાં જૅકેટ, કૅપ કે ઍડિશનલ પાલવ ઉમેરવાથી લુક ચેન્જ કરી શકાય. 
બ્લાઉઝ મહત્ત્વનું
સાડીને વેસ્ટર્ન લુક આપવો હોય ત્યારે એની સાથે પહેરેલું બ્લાઉઝ સૌથી વધુ મહત્ત્વનો ભાગ ભજવે છે. દીપિકાના લુકની જ વાત કરીએ તો દીપિકાએ સ્ટ્રૅપલેસ બ્લાઉઝની પસંદગી કરી હતી. એ સિવાય બૅકલેસ અને હૉલ્ટર-નેક બ્લાઉઝ સાડીને ફ્યુઝન લુક આપશે. બ્લાઉઝ સાડીને મૅચિંગ જ હોવું જરૂરી નથી, જૅકેટ કે કૅપ પણ પહેરી શકાય. 
 ઍક્સેસરીઝનો સમાવેશ
સાડીને ડિફરન્ટ લુક આપવો હોય તો ઍક્સેસરીઝ પણ ડિફરન્ટ હોવી જોઈએ. સાડી સાથે લેધર બેલ્ટ, થોડા ડિફરન્ટ શેપનું ક્લચ અથવા બૉક્સ બૅગ, બૉડી જ્વેલરી જેવી ઍક્સેસરીઝ સાડીને મૉડર્ન લુક આપશે. આ વિશે રિદ્ધિ કહે છે, ‘બેલ્ટ જેવી ઍક્સેસરી સાડીને એક જુદો લુક આપે છે. બૉડી શેપ પ્રમાણે પાતળો કે પછી થિક બેલ્ટ પસંદ કરવો. જ્વેલરી ટિપિકલ ન પહેરવી. અહીં વેસ્ટર્ન લુક છે એટલે સાડી સાથે ટિપિકલી પહેરાતા નેકલેસ અને હેવી ઇયર-રિંગની જગ્યાએ ઇયર-કફ કે ઈવન નો-જ્વેલરી લુક સારો લાગશે.’
પૅન્ટ અને સાડી
સાડી પૂરી ૬ વારની લઈને એને જ ડ્રેપ કરવી જરૂરી નથી. પૅન્ટ્સ અને ટૉપ પર પણ હાફ સાડી ડ્રેપ કરી શકાય, એ સિવાય જમ્પસૂટ પર પણ હાફ સાડી કે લાંબો દુપટ્ટો સાડીની જેમ ડ્રેપ કરી શકાય.

life and style