✕

ફૅબ્રિક પૅનલ LED લાઇટ તમારા દિવાળી ડેકોરેશન માટે ગેમ-ચેન્જર સાબિત થશે

03 November, 2026 03:03 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

લાઇટિંગ હવે ઘરની શોભા વધારનારું એલિમેન્ટ બની ગયું છે ત્યારે ફૅબ્રિક પૅનલ LED લાઇટ ઘરના ડેકોરેશન માટે નવો અને આકર્ષક વિકલ્પ સાબિત થઈ રહ્યો છે.

પ્રતીકાત્મક તસવીર

ઘરના લિવિંગરૂમથી લઈને બેડરૂમ સુધીના વાતાવરણને એકસાથે ક્લાસી અને મૉડર્ન લુક આપવો હોય તો લાઇટિંગની ભૂમિકા સૌથી મહત્ત્વની રહે છે. ફૅબ્રિક પૅનલ LED લાઇટ્સ માત્ર દીવાલોને રોશન નથી કરતી, રૂમનાં બધાં વાઇબ્સ બદલી નાખે છે.

ફૅબ્રિક પૅનલ LED લાઇટ એવી મૉડર્ન લાઇટિંગ સિસ્ટમ છે જેમાં LED લાઇટ્સને હાઈ-ક્વૉલિટી ફૅબ્રિકના પાછળના ભાગમાં ફિટ કરવામાં આવે છે. આમાં ફૅબ્રિક ડિફ્યુઝર તરીકે કામ કરે છે જેને કારણે લાઇટનો પ્રકાશ સીધો આંખોમાં વાગવાને બદલે સૉફ્ટ રીતે બહાર આવે છે. આ પૅનલ વજનમાં હલકી હોય છે અને એને દીવાલ કે છત પર સરળતાથી ફિટ કરી શકાય છે. આ ટેક્નૉલૉજીથી રૂમમાં એક પ્રીમિયમ લુક મળે છે અને એ આખો દિવસ બંધ હોય ત્યારે પણ એક સુંદર વૉલ આર્ટ કે ડેકોરેટિવ પીસ જેવી દેખાય છે.

ડિઝાઇન અને પૅટર્ન

મૉડ્યુલર અને જ્યોમેટ્રિક શેપ્સ : ચોરસ, લંબચોરસ, હેક્સાગોન અને ત્રિકોણ આકારની પૅનલ્સ આવે છે જેને દીવાલ પર પોતાની મરજી મુજબ ગોઠવીને પૅટર્ન બનાવી શકાય છે. આ ઉપરાંત ઍકોસ્ટિક ફૅબ્રિક પૅનલ્સ લાઇટિંગની સાથે-સાથે અવાજનું નિયંત્રણ પણ કરે છે.

કસ્ટમાઇઝ્ડ પ્રિન્ટેડ પૅનલ્સ : ફૅબ્રિક પર તમારી પસંદગીની ડિઝાઇન, કુદરતી દૃશ્યો કે કોઈ આર્ટવર્ક પ્રિન્ટ કરાવી શકાય છે જે પાછળથી LED શરૂ થતાં ખૂબ જ આકર્ષક દેખાય છે.

બેઝિક સ્ટ્રિપ અને લાઇનર ડિઝાઇન : દીવાલની કિનારીઓ કે છતના ખૂણામાં લાંબી પટ્ટીઓવાળી ડિઝાઇન પણ ઉપલબ્ધ છે.

ક્યાં ઇન્સ્ટૉલ કરી શકાય?

લિવિંગરૂમ : સોફા પાછળની મુખ્ય દીવાલ પર આ પૅનલ્સ લગાવવાથી રૂમની સુંદરતામાં વધારો થાય છે. મહેમાનોનું સ્વાગત કરવા માટે આ બેસ્ટ ઑપ્શન છે. આ ઉપરાંત બેડની પાછળની દીવાલ પર હેડબોર્ડની ઉપર કે બાજુમાં જો આ સૉફ્ટ લાઇટ્સ લગાવવામાં આવે તો બેડરૂમમાં શાંત અને રિલૅક્સિંગ વાતાવરણ ઊભું થાય છે.

કૉરિડોર અને લૉબી : ઘરના એવા વિસ્તારો જ્યાં અંધારું રહેતું હોય અથવા વધારે ભારે લાઇટની જરૂર ન હોય ત્યાં આ સૉફ્ટ લાઇટિંગ સારો દેખાવ આપે છે. ફૅબ્રિક પૅનલ LED લાઇટિંગ ઘરના ઇન્ટીરિયરને એક નવો જ આયામ આપે છે. જો તમે પણ તમારા ઘરને મૉડર્ન અને યુનિક લુક આપવા માગતા હો તો આ લાઇટિંગ વિકલ્પ ચોક્કસપણે અપનાવવા જેવો છે.

diwali festivals home decor fashion art of living life and style lifestyle news