મેકઅપ પણ સ્કિન પ્રોટેક્ટર હોય

17 December, 2021 04:52 PM IST  |  Mumbai | Varsha Chitaliya

સૌંદર્ય પ્રસાધનોથી ચહેરાની ત્વચાને નુકસાન થાય છે એ વાત હવે જૂની થઈ ગઈ. અત્યારે માર્કેટમાં એવી સ્કિન-ફ્રેન્ડ્લી પ્રોડક્ટ્સ આવી ગઈ છે જેના ઉપયોગથી ત્વચા સારી રહે છે. આ પ્રોડક્ટ્સ કેવી હોય અને એની પસંદગીમાં શું ચીવટ રાખવી જોઈએ એ સમજી લો

પ્રતીકાત્મક તસવીર

જગતમાં એવી કોઈ યુવતી નહીં હોય જેને સુંદર દેખાવાનો મોહ ન હોય. તેથી જ સદીઓથી વિવિધ પ્રકારનાં સૌંદર્ય પ્રસાધનોનું આકર્ષણ રહ્યું છે. હવે ડે ટુ ડે લાઇફમાં પણ મેકઅપ અનિવાર્ય થઈ ગયો છે. જોકે એવું કહેવાય છે કે રોજ-રોજ મેકઅપ કરવાથી ત્વચા ખરાબ થઈ જાય. મેકઅપની બનાવટમાં વપરાતાં હાનિકારક રસાયણોથી ત્વચાને નુકસાન થયું હોય એવા અઢળક કિસ્સાઓ સાંભળવા મળે છે તેથી બ્યુટી પ્રોડક્ટ્સ ખરીદવાની વાત આવે ત્યારે કન્ફ્યુઝ થઈ જવાય. જોકે, સૌંદર્ય પ્રસાધનો બનાવતી અનેક કંપનીઓ હવે ત્વચા નિષ્ણાતની સલાહ લેવા માંડી હોવાથી માર્કેટમાં સ્કિન-ફ્રેન્ડ્લી પ્રોડક્ટ્સ આવી ગઈ છે. આ પ્રોડક્ટ્સ કેવી હોય અને એની પસંદગીમાં શું ચીવટ રાખવી જોઈએ એ સમજી લો. 
સ્કિન-ફ્રેન્ડ્લી એટલે શું?
આપણી ત્વચા સૌંદર્ય અને સ્વાસ્થ્યનું પ્રતિબિંબ છે. બ્યુટિફુલ દેખાવાની સાથે સ્કિનને હેલ્ધી રાખવી પણ એટલું જ જરૂરી હોવાથી મેકઅપ માટે વપરાતાં પ્રસાધનોની પસંદગીમાં ચીવટ રાખવી જોઈએ. મૉડર્ન ટેક્નૉલૉજી તેમ જ ત્વચા વિશેષજ્ઞના માર્ગદર્શનમાં બનાવવામાં આવેલી પ્રોડક્ટ્સમાં સ્કિનકૅરમાં ઉપયોગી ઍક્ટિવ પ્રૉપર્ટીઝનો યુઝ થવા લાગ્યો છે જે તમારા ચહેરાની સુંદરતા વધારવાની સાથે એની કાળજી પણ લે છે એવી જાણકારી આપતાં ધ એસ્થેટિક ક્લિનિક્સના ડર્મેટોલૉજિસ્ટ ડૉ. રિન્કી કપૂર કહે છે, ‘સ્કિન-ફ્રેન્ડ્લી મેકઅપ એટલે એવાં પ્રસાધનો જે તમારી ત્વચાના બાહ્ય આવરણને કવર કરી સ્કિનને પ્રોટેક્ટ કરવાનું કામ કરે છે. લિપ​સ્ટિક, મસ્કરા, આઇ લાઇનર, કૉમ્પૅક્ટ, ફાઉન્ડેશન વગેરે ડેઇલી યુઝમાં વપરાતી પ્રોડક્ટ્સમાં એવા ઇન્ગ્રીડિયન્ટ્સ ઉમેરવામાં આવે છે જે તમારી ત્વચાને બહારના ઝેરી તત્ત્વોથી સુર​ક્ષિત રાખવા સક્ષમ છે.’ 
ચકાસણી કઈ રીતે કરવી?
છેલ્લાં વર્ષોમાં બ્યુટી ઇન્ડસ્ટ્રીમાં ઘણા ચેન્જિસ આવ્યા છે. કેટલીક બ્યુટી પ્રોડક્ટ્સ સનસ્ક્રીન જેટલી જ ઉપયોગી છે એવી માહિતી આપતાં તેઓ કહે છે, ‘સૂર્યનાં અલ્ટ્રા વાયલટ કિરણોથી ત્વચાને ભારે ક્ષતિ પહોંચે છે. એનાથી બચવા આપણે સનસ્ક્રીન લગાવીએ છીએ. ફાઉન્ડેશનના ઇન્ગ્રીડિયન્ટ્સમાં એસપીએફ (સન પ્રોટેક્શન ફૅક્ટર) લખેલું બેસ્ટ કહેવાય. સનસ્ક્રીનને કૉમ્પૅક્ટ અને લિપસ્ટિકમાં પણ ઇન્કૉર્પોરેટ કરવામાં આવે છે. આ પ્રોડક્ટથી તમારો ફર્સ્ટ લેયર મેકઅપ થઈ જાય છે અને સૂર્યનાં કિરણોથી ત્વચાનું રક્ષણ પણ થાય છે. એનાથી બીજા ફાયદો એ થાય છે કે તમારે સનસ્ક્રીન અલગથી કૅરી કરવાની જરૂર રહેતી નથી. ઘણી વાર મેકઅપથી સ્કિન ડ્રાય થઈ જાય છે. મેકઅપના કારણે ત્વચા પર ખંજવાળ આવવી, ખીલ થવા એ કૉમન સમસ્યા છે. સ્કિનને હાઇડ્રેટેડ રાખવામાં ઉપયોગી એજન્ટ્સ ઍડ કર્યા હોય એવી પ્રોડક્ટ્સથી આ સમસ્યા દૂર થાય છે. મસ્કરામાં હાઇડ્રેટિંગ એજન્ટનો ઉપયોગ થાય છે. માઇનર પિગમેન્ટેશનને કન્ટ્રોલ કરી શકે એવી ઍન્ટિ-ઍક્ને બ્યુટી પ્રોડક્ટ્સ યંગ ગર્લ્સમાં ખાસી લોકપ્રિય છે. નવી ફૉર્મ્યુલાથી તૈયાર થયેલી બ્યુટી પ્રોડક્ટ્સ ત્વચાને સ્વસ્થ અને સુર​િક્ષત રાખે છે. રસાયણો ઉપરાંત વિવિધ પ્રકારની નૅચરલ ઑઇલ ઍડ કર્યાં હોય એવી પ્રોડક્ટ્સ વાપરવાથી મેકઅપની આડઅસર થતી નથી. ઇન ફૅક્ટ સ્કિન સૉફ્ટ રહે છે. સ્કિન માટે ડર્મેટોલૉજિસ્ટ રેકમન્ડેડ પ્રોડક્ટ્સ વાપરવી હિતાવહ છે એટલી અવેરનેસ આજની યુવતીઓમાં જોવા મળી રહી છે. પરિણામે ત્વચાને નહીંવત અથવા ખૂબ જ ઓછું નુકસાન થાય છે.’

પૉલ્યુશનથી પણ બચાવે
આજે શહેરોમાં પ્રદૂષણનું‌ પ્રમાણ ખૂબ વધી ગયું છે. જો ચહેરા પર મેકઅપ કર્યો હશે તો ડસ્ટ સ્કિન પર નહીં પણ પ્રોડક્ટ્સ પર ચોંટશે. મેડિકલ પ્રૉપર્ટીઝનો યુઝ થયો હોય એવાં ક્લેન્ઝર, ફાઉન્ડેશન અને બીબી ક્રીમ વાપરવાથી હવામાન અને પૉલ્યુશનની ત્વચા પર સીધી અસર નહીં થાય તેમ જ ચહેરો પણ બ્યુટિફુલ દેખાશે. 

columnists Varsha Chitaliya skin care