સાસુમાએ આ બહેનને બ્યુટી પેજન્ટમાં ભાગ લેવાની પ્રેરણા આપી

26 October, 2021 06:50 PM IST  |  Mumbai | Bhavini Lodaya

...ને લગ્નનાં સાત વર્ષ પછી એમ જ ટ્રાય મારી જોવા માટે શરૂ કરેલી ગ્રૂમિંગ ક્લાસિસની સફર બોરીવલીમાં રહેતી ૩૦ વર્ષની પ્રિયંકા છેડાને મિસિસ ક્વીન ઑફ ઇન્ડિયાના ખિતાબ સુધી લઈ ગઈ

પ્રિયંકા પંખીલ છેડા

ફૅશનની કલરફુલ દુનિયામાં ચમકવાની દરેક છોકરીના મનમાં એક વાર તો કલ્પના આવતી જ હોય છે, પરંતુ રૂઢિવાદી સમાજની શરમે સરળતાથી ફૅશનની દુનિયામાં આવનારની સંખ્યા ઓછી છે. એમાં પણ ખાસ કરીને લગ્ન થયા બાદ અને મમ્મી બન્યા પછી તો એ સપના પર પૂર્ણવિરામ જ મુકાઈ જાય છે. જોકે બોરીવલીની ૩૦ વર્ષની પ્રિયંકા પંખીલ છેડાએ લગ્નજીવનનાં સાત વર્ષ બાદ અને પાંચ વર્ષની દીકરીની મમ્મી હોવા છતાં ફૅશનની દુનિયામાં આવવાનો પ્રયાસ કર્યો અને વિશ્વાસ સાથેના પ્રયાસના પરિણામરૂપે તેણે ૨૦૨૧ના ઇન્ડિયન ટેલિવિઝન અવૉર્ડના બ્યુટી પેજન્ટમાં મિસિસ ક્વીન ઑફ ઇન્ડિયાનો અવૉર્ડ જીત્યો.

પ્રિયંકા નાની હતી ત્યારે ટીવીમાં ફૅશન-શો જોઈને ઘરમાં જ કૅટવૉક કરતી. બાળપણનાં અરમાનો વિશે તે કહે છે, ‘નાની હતી ત્યારે મને પડદા પર આવવાનો ખૂબ શોખ હતો, પણ ફૅશન, ગ્લૅમર અને કૅમેરાની દુનિયા એક કચ્છી ગુજરાતી પરિવાર માટે એટલી સરળ ન હોય. મેં કદી આ શોખને ડેવલપ કરવાનો વિચાર પણ ન કર્યો. શોખ ક્યારે જીવનની ઘટમાળમાં ધરબાઈ ગયો એની ખબર પણ ન પડી. ખુશહાલ લગ્નજીવનમાં હાઉસવાઇફની ભૂમિકા ઉપરાંત એક દીકરીના જન્મ પછી એમાં પરોવાઈ ગઈ અને આમ કરતાં-કરતાં લગ્નના સાત વર્ષ બાદ ચેન્જ આવ્યો. કચ્છી સમાજના ગ્રુપમાં કોરિયોગ્રાફર દીપ્તિ વોરાની બ્યુટી પેજન્ટ વર્કશૉપનો ગ્રૂમિંગ શોનો મેસેજ આવ્યો. નવાઈની વાત એ છે કે મારાં સાસુએ જ એ મેસેજ બતાવીને મને એ વર્કશૉપ જૉઇન કરવા પ્રોત્સાહન આપ્યું. લગ્ન બાદ હવે શું થઈ શકે એવું મને હતું, પણ થયું કે કમસે કમ થોડું શીખીશ તો પોતાનો અપિઅરન્સ તો ચેન્જ થશે. એમ વિચારીને ગ્રૂમિંગ વર્કશૉપ જૉઇન કરી અને ત્યાંથી જીવન બદલાયું.’

ગ્રૂમિંગને કારણે બદલાવ

શરૂઆતમાં ડર અને ખુશીની મિક્સ ફીલિંજ્સ હતી એમ જણાવીને તે કહે છે, ‘કચ્છી સમાજમાં હજી પણ બ્યુટી પેજન્ટને મહત્ત્વ આપવામાં નથી આવતું. એટલે એક્સાઇટમેન્ટની સાથે ઍન્ગ્ઝાયટી પણ ભરપૂર હતી. મનમાં ગભરામણ પણ હતી. લોકો શું કહેશે એવા વિચાર પણ આવતા હતા. જોકે એક મહિનાની ટ્રેઇનિંગ પછી જોયું તો મારા વ્યક્તિત્વમાં સંપૂર્ણ બદલાવ આવ્યો હતો. મારો આત્મવિશ્વાસ ખૂબ જ વધી ગયો. અંદર છુપાયેલા સારા-ખરાબ એવા બધા જ પૉઇન્ટ ખબર પડ્યા અને એના આધારે હું મારામાં સુધારા કરી શકતી હતી. વૉકિંગ શીખી. આપણી ચાલવાની ટેક્નિકથી પણ પર્સનાલિટીમાં ખૂબ ફરક પડે છે એ સમજાયું. હું સ્ટ્રેઇટ ફૉર્વર્ડ બની. જે મનમાં હોય એને ખુલ્લા દિલે વ્યક્ત કરતાં શીખી. મને લાગ્યું કે મારે આ ક્ષેત્રમાં આગળ વધવું જોઈએ. સમાજ શું કહેશે એની ચિંતા કરવાને બદલે થયું કે કદાચ મારા આ પગલાથી સમાજનો નજરિયો જરૂર બદલાશે. હું સ્ટેપ નહીં લઉં તો જીવનના અંતે મને પસ્તાવો થશે કે મેં જ્યારે તક મળી ત્યારે કેમ ન કર્યું?’

લાઇફ ચેન્જિંગ એક્સપિરિયન્સ

આત્મવિશ્વાસમાં વધારો થયા પછી તેણે ઇન્ડિયન ટેલિવિઝન અવૉર્ડ્સના મિસિસ ક્વીન ઇન્ડિયા બ્યુટી પેજન્ટમાં ભાગ લીધો. ૮૩ પાર્ટિસિપન્ટ્સમાંથી ટૉપ ૧૦ ફાઇનલિસ્ટમાં સિલેક્ટ થવા માટે તેણે બેથી ત્રણ મહિના સખત મહેનત કરી. પ્રિયંકા કહે છે, ‘બ્યુટી પેજન્ટ એટલે માત્ર સુંદરતા જ નહીં, પરંતુ બુદ્ધિમત્તા પણ ખીલવવાની હોય છે. ગૂગલ પરથી કરન્ટ અફેર, હૅપીનેસ, બ્યુટી, હિસ્ટરી અને સોશ્યલ જેવા વિષયોના જનરલ નૉલેજના સવાલ-જવાબની તૈયારી કરતી. મારા સંપૂર્ણ પ્રયાસમાં મારાં સાસુ-સસરા અને મારા હસબન્ડ પંખીલ મને અનહદ સપોર્ટ આપતાં. બસ, આમ આખરે મહેનતે રંગ રાખ્યો અને મિસિસ ક્વીન ઑફ ઇન્ડિયાનો ક્રાઉન પહેર્યો એ મારા જીવનની બેસ્ટ અચીવમેન્ટ મોમેન્ટ હતી.’

અનુભવનું તારણ

પોતાના અનુભવ પરથી પ્રિયંકા દરેક ગૃહિણીને આત્મવિશ્વાસ બૂસ્ટ કરવા માટે કહે છે, ‘લગ્ન બાદ ડિલિવરી પછી બૉડી ચેન્જ થાય તો થાય. પોતાને અન્ડર-એસ્ટિમેટ કરવાનું છોડી દો. પોતાને કેળવો. બ્યુટી પેજન્ટ ખાલી બ્યુટી નથી. આત્મવિશ્વાસ પણ તમારા વ્યક્તિત્વને સુંદર બનાવશે. પોતાને પ્રેમ કરતાં શીખો. જીવનમાં અટકી જવાને બદલે નાનાં-નાનાં પગલાં ભરો. પગલું ભરશો ત્યારથી સફળતાની યાત્રા શરૂ થશે. તમારા પૅશનને ફૉલો કરો. પરિવારમાં એકબીજાને સતત પ્રેમપૂર્વક સાથ આપો. સફળતા માત્ર એક વ્યક્તિની નથી, આખા પરિવારની છે. પરિવારના સભ્યો એકબીજામાં સમાયેલી ખૂબીઓને પ્રોત્સાહિત કરીને મદદ કરશે તો બધું જ શક્ય છે.’

fashion