સિલ્કનું સુંવાળું ઓશીકું રાખશો તો સ્કિન અને હેર પણ રહેશે હૅપી

26 July, 2022 03:07 PM IST  |  Mumbai | Aparna Shirish

સ્કિનને સદા ગ્લૉઇંગ રાખવા માટે જેટલી ઊંઘ જરૂરી છે એટલું જરૂરી છે ઓશીકાના કવરનું ફૅબ્રિક

પ્રતીકાત્મક તસવીર

મોટા ભાગે આપણે બેડશીટ કે પિલો કવર પસંદ કરવાની વાત આવે એટલે સૉફ્ટ કૉટનની જ પસંદગી કરતા હોઈએ છીએ, પણ છેલ્લા કેટલાક સમયથી ત્વચા અને વાળના નિષ્ણાતોએ પોતાની પસંદગી સિલ્કનાં ઓશીકાનાં કવર વાપરવા પર ઢાળી છે. ત્વચા અને વાળની કૅર કરવા માટે, ઘર્ષણને લીધે થતા ડૅમેજને ટાળવા માટે કૉટનની સરખામણીમાં સિલ્કની પસંદગી કરવાની સલાહ અનેક બ્યુટી બ્લૉગર્સ અને સ્ટાઇલિસ્ટ પણ આપી રહ્યા છે. ફક્ત સિલ્કનાં પિલો કવર્સ જ નહીં, પણ વાળ બાંધવા માટેનાં સ્ક્રંચી અને સ્કાર્ફ પણ હવે સાટીન અને સિલ્કનાં મળે છે. ચાલો ડર્મેટોલૉજિસ્ટ પાસેથી જાણીએ શું છે આના ફાયદા.

ત્વચાની નૅચરલ કૅર | મેકઅપ કરી ત્વચા કવર કરવા કરતાં એની કૅર કરી એને નૅચરલી ચળકતી રાખવી સારી અને આવી જ સ્કિન કૅરનો એક ભાગ એટલે ત્વચા જે પણ ફૅબ્રિક કે સર્ફેસના સંપર્કમાં આવતી હોય એની યોગ્ય પસંદગી. અહીં તમે જે ઓશીકા પર ઊંઘો છો એનું ફૅબ્રિક પણ મહત્ત્વનો ભાગ ભજવે છે. કૉટન કે વુલન ફૅબ્રિક સાથે ત્વચા કે વાળ ઘસાય એટલે ઘર્ષણ પેદા થાય છે જેને લીધે ત્વચા કે વાળ ડૅમેજ થાય છે. અહીં સિલ્કના પિલો કેસ ત્વચાની નૅચરલ સ્કિન કૅર કરવામાં મદદ કરે છે.

વાળને રાખશે સુંવાળા | સિલ્ક પિલો કેસ વાળ માટે કઈ રીતે બેસ્ટ છે એ વિશે ડર્મેટોલૉજિસ્ટ ડૉ. મહિમા જૈન કહે છે, ‘સિલ્ક ફૅબ્રિક સૉફ્ટ હોય છે. એ વાળને મોઇસ્ટ રાખે છે અને વાળને સૂકા નથી થવા દેતા. જ્યારે કૉટનનાં કવર પર સૂવાથી વાળ સૂકા અને બરછટ બને છે અને તૂટે છે. ઉપરાંત જો વાળમાં બ્લો ડ્રાય કે સ્મૂધનિંગ કરાવેલું હશે તો સિલ્કનું કલવ એની ઇફેક્ટ પણ લાંબો સમય સુધી ટકાવી રાખે છે. વાળ બાંધવા માટે સિલ્કની સ્ક્રંચી પણ વાપરી શકાય. સિલ્ક હાઇડ્રોફૉબિક છે જેને લીધે એ વાળને સૂકા બનવાથી બચાવે છે.’ રિપોર્ટ્સ તો એ પણ કહે છે કે સિલ્કનું પિલો કવર વાપરવાથી ડૅન્ડ્રફ નથી થતો. 

કરચલીઓ રાખશે દૂર | કહેવાય છે કે સિલ્કનું પિલો કવર સ્કિનને હાઇડ્રેટ કરે છે અને એજિંગને લીધે ત્વચા પર આવતી કરચલીઓને દૂર રાખે છે. ત્વચા પર જ્યારે મૉઇશ્ચરાઇઝર લગાવીને સૂઓ અને સવારે ઊઠતાં જ સ્કિન ટાઇટ અને ડ્રાય લાગે તો એનો અર્થ એ કે તમારું ઓશીકું જ તમારી સ્કિનનું મૉઇશ્ચર શોષી લે છે, પણ સિલ્કમાં આવું નથી થતું. અહીં ડૉ. મહિમા કહે છે, ‘સિલ્કના ઓશીકાથી ત્વચા પર ઘર્ષણ નથી થતું જેને લીધે સ્કિનને સીરમ તેમ જ નાઇટ ક્રિમ ઑબ્ઝર્બ કરવાનો ચાન્સ મળે છે અને ત્વચા હાઇડ્રેટ રહે છે, જેને લીધે ત્વચા પર ફાઇન લાઇન્સ નથી થતી.’

સિલ્કની સ્ક્રંચી | વાળ બાંધવા માટે આજકાલ સિલ્ક અને સાટીનની હેર ટાઇ, સ્કાર્ફ અને સ્ક્રંચી ખૂબ ટ્રેન્ડમાં છે. એ વાપરવાથી વાળ તૂટતા નથી કે ડૅમેજ નથી થતા.

શું ધ્યાન રાખશો? | સિલ્કનો પિલો કેસ વાપરવું હોય તો સિલ્ક અસલી હોવું જરૂરી છે. મલબારી સિલ્ક ઉત્તમ ગણાય છે. એ સિવાય કોઈ પણ નૅચરલ સિલ્ક વાપરી શકાય. અહીં સેમી સિલ્ક કે સિલ્ક-કૉટન બ્લેન્ડવાળું ફૅબ્રિક ન વાપરવું. સિલ્ક અને સિલ્ક મિક્સ્ડ ફૅબ્રિક્સ લક્ઝુરિયસ ફિલ આપે છે, પણ સ્કિન કૅર માટે એ વાપરો તો ઓરિજિનલ રેશમનું કાપડ વાપરવું જરૂરી છે.

life and style beauty tips columnists