ટૅટૂ કરાવવાના હો તો આ વાંચી જજો

12 March, 2021 01:54 PM IST  |  Mumbai | Bhakti Desai

ટૅટૂ કરાવવાના હો તો આ વાંચી જજો

ટૅટૂથી ત્વચા પર જ્યારે આકૃતિ બનાવવામાં આવે છે ત્યાર પછી એ ભાગનાં છિદ્રોને રુઝાતાં પાંચ દિવસ લાગે

બહુ ઓછા લોકો જાણે છે કે આંખ, નાક અને મોઢા સિવાય પણ કોરોના માટે એક પ્રવેશદ્વાર છે અને એ છે આપણી ત્વચા. ખાસ તો ત્વચા પર થયેલી ઈજા. આજકાલ લોકો સામેથી બૉડીને શણગારવા માટે ત્વચાને કોતરાવવા નિષ્ણાત પાસે જાય છે અને આ કોતરવાની પ્રક્રિયા દરમ્યાન થતો જખમ કોરોના વાઇરસના ફેલાવાનો એક માર્ગ બની શકે છે. અહીં વાત થાય છે શરીર પર ટૅટૂ આર્ટ કરાવવાની. લૉકડાઉન ખૂલ્યા પછી એક તરફ જ્યાં આપણે કોરોના વાઇરસ આપણા શરીરમાં, ઘરમાં અને પરિવારજનોના જીવનમાં ન પ્રવેશે એની પૂરી તકેદારી રાખતા થઈ ગયા છીએ ત્યાં જ એક વાત ભૂલી જઈએ છીએ કે કોરોના વાઇરસ ખૂબ જ સૂક્ષ્મ છે અને એ આપણી ત્વચા દ્વારા પણ આપણા શરીરમાં પ્રવેશી શકે છે. જો ત્વચા પર એવી કોઈ પ્રક્રિયા થાય જેનાથી એમાં રહેલાં છિદ્રો વધારે ખૂલી જાય તો પણ કોરોના વાઇરસને ત્વચાના માધ્યમથી પ્રવેશ મળવાનું સરળ થઈ રહે છે અને આનું ઉત્તમ ઉદાહરણ છે કાયમી ટૅટૂ આર્ટ.
વરણાગી બનો, પણ સેફ્ટી સાથે
કોવિડની સામાન્ય ગાઇડલાઇનને જો તમે અનુસરી હોય તો પણ ટૅટૂ કરાવડાવ્યા પછી ઘણી એવી કાળજી રાખવી પડે છે જેનાથી તમારી ત્વચા પર થયેલી આ કલાત્મક કોતરણી ક્યાંક કોવિડના સંક્રમણનો માર્ગ ન બની શકે કે કેમ એ બાબતે હાલમાં વધુ અભ્યાસ ચાલી રહ્યો છે. ટૅટૂ આર્ટ કરાવ્યા પછી કોરોનાના સંક્રમણનું જોખમ કેમ વધે છે એ વાત સાચી છે કે ખોટી એ વિશે પૂછતાં બ્રીચ કૅન્ડીસ્થિત લગભગ બે દાયકાનો અનુભવ ધરાવતાં ડર્મેટોલૉજિસ્ટ ડૉ. પ્રીતિ સાવર્ડેકર કહે છે, ‘આજકાલ લોકોમાં ટૅટૂ કરાવવાનું ચલણ ખૂબ વધી ગયું છે અને લોકો ગળાની આસપાસ, ગરદન પર, હાથના કાંડા પર આમ શરીરના એવા ભાગમાં ટૅટૂ કરાવડાવે છે જેને સતત અમુક દિવસો સુધી કપડાથી આવરી રાખવું શક્ય નથી હોતું અને આવા સમયે કોરોના વાઇરસ તમારા પર હાવી થઈ શકે છે. ઘણી વાર આવા દરદીઓને કોવિડ થયા પછી તેઓ એવી દલીલ કરે છે કે અમે તો બધું ધ્યાન રાખ્યું હતું તો કોરોના વાઇરસ ક્યાંથી આવી શકે? ત્યારે મને એવો જવાબ આપવાનું મન થાય છે કે તમે ભૂલ કરી શકો, પણ કોરોના વાઇરસ તમારી ભૂલનો ફાયદો ઉઠાવવાનું કેવી રીતે ભૂલી શકે? હા, આપણે ભૂલી જઈએ છીએ કે આપણી ત્વચામાં તમામ છિદ્રો રહેલાં છે. ટૅટૂનો શોખ એ એક ફૅશનનો હિસ્સો છે અને આજની યુવાપેઢીને આનાથી દૂર રાખવી શક્ય નથી, પણ અહીં જરૂરી વાત એ છે કે ટૅટૂનાં સ્ટુડિયોમાં ગયા પછી અને ત્યાંથી ઘરે પહોંચ્યા સુધી લોકો કોવિડની દરેક ગાઇડલાઇનને અનુસરે છે, પણ એ પછી કોવિડના દૃષ્ટિકોણથી વિશેષ ધ્યાન નથી રાખતા.’
ટૅટૂ પછી સંક્રમણ કેવી રીતે?
ટૅટૂ કરાવ્યા પછી પણ કોવિડના દૃષ્ટિકોણથી શું વિશેષ ધ્યાન રાખવું એનો જવાબ આપતાં ડૉ. પ્રીતિ કહે છે, ‘ટૅટૂ બનાવવા માટે શરીરના જે ભાગમાં ટૅટૂ બનાવવું હોય ત્યાં ટૅટૂ આર્ટિસ્ટ ઝીણી સોયથી કાણાં કરે છે. ટેક્નૉલૉજીના કારણે હવે આ પ્રક્રિયામાં પીડા નહીંવત થાય છે પણ આનાથી ત્વચા પર જખમ તો થાય જ છે. ટૅટૂથી ત્વચા પર જ્યારે આકૃતિ બનાવવામાં આવે છે ત્યાર પછી એ ભાગનાં છિદ્રોને રુઝાતાં પાંચ દિવસ લાગે છે અને તેથી જ ટૅટૂ કરાવ્યા પછી પાંચ દિવસ દરમ્યાન ત્વચાના ખુલ્લા ઈજાગ્રસ્ત ભાગમાંથી કોરોના વાઇરસ પ્રવેશવાની શક્યતા વધી જાય છે. વિચાર કરો કે જો તમે ગળાની આસપાસ કે પછી ગરદનના ભાગમાં ટૅટૂ બનાવડાવ્યું હોય અને ભલે તમે સામાન્ય રીતે સોશ્યલ ડિસ્ટન્સિંગનું પાલન કરતા હો, પણ લિફ્ટમાં અથવા કોઈ ભીડવાળી જગ્યામાં ઊભા રહ્યા અને માસ્ક વ્યવસ્થિત ન પહેરેલી કોવિડથી સંક્રમિત એસિમ્પ્ટમૅટિક વ્યક્તિ ઉધરસ કે છીંક ખાય તો સ્વાભાવિક છે કે એ વાઇરસ તમારા શરીરના ખુલ્લા ટૅટૂગ્રસ્ત ભાગ પર પહોંચી શકે છે અને જો આવું થાય તો શરીરના જખમ થયેલા આ ભાગમાંથી વાઇરસ લોહીમાં પ્રવેશી તમને કોવિડના દરદી બનાવી શકે છે. ઘણી વાર હાથના કાંડામાં જ્યારે લોકો ટૅટૂ કરાવે છે ત્યારે કોઈ દુકાનમાં કે જાહેર સ્થળે તેઓ આદત મુજબ અજાણતાં જ હાથના આધારે ઊભા રહે છે, જે સાચે જ જોખમકારક બની શકે છે. લોકોમાં બહાર જતી વખતે ઈજા થયેલી ત્વચાને અથવા નાના-મોટા ઘા કે કાપાવાળી ત્વચાને કોરોનાથી બચાવવા ખુલ્લી ન રાખવી જોઈએ એ વિશેની જાગૃતિ હજી નથી આવી અને હવે તો લોકો એટલા આદિ થઈ ગયા છે કે આપણે કોઈનાથી કેટલા અંતરે ઊભા છીએ અથવા સામેવાળી વ્યક્તિએ વ્યવસ્થિત માસ્ક પહેર્યો છે કે નહીં એની નોંધ પણ નથી લેતા, પણ તાજું ટૅટૂ કરાવ્યું હોય અને બહાર નીકળ્યા હો તો આવી કોઈ પણ બેદરકારી ભારી પડી શકે છે.’
ટૅટૂ સ્ટુડિયોમાં શું સાવધાની?
મલાડમાં સ્ટુડિયો ધરાવતા ઇન્ટરનૅશનલ લેવલના ટૅટૂ આર્ટિસ્ટ ડેન્ઝિલ ક્લીમેન્ટને ટૅટૂ આર્ટિસ્ટ તરીકે ૧૩ વર્ષનો અનુભવ છે. કોવિડ પછી સ્પેશ્યલ કૅર કેવી રીતે રખાય છે એ વિશે ડેન્ઝિલ કહે છે, ‘કોવિડ હોય કે ન હોય, કોઈ પણ ટૅટૂ આર્ટિસ્ટ ક્યારેય હૅન્ડ-ગ્લવ્ઝ વિના ક્લાયન્ટને ટચ નથી કરતો. આ દરેક આર્ટિસ્ટ માટેની આ ફરજિયાત ગાઇડલાઇન છે. બીજું, આ કામમાં ક્લાયન્ટ સાથે સોશ્યલ ડિસ્ટન્સિંગ શક્ય નથી હોતું પરંતુ અમે દરેક ક્લાયન્ટ માટે વપરાતાં તમામ ડિવાઇસ અને આખી જગ્યાનું સૅનિટાઇઝેશન કરીએ છીએ. બૉડી ટેમ્પરેચર માપીને તેમ જ જનરલ લક્ષણો માપીને જ ક્લાયન્ટને પ્રવેશ અપાય એ બાબતે અમે ખૂબ સતર્ક છીએ. માસ્ક ઇઝ કમ્પલ્સરી. આ સિવાય ટૅટૂ આર્ટિસ્ટ ક્લાયન્ટના ટૅટૂવાળા ભાગ પર કોઈ જ ઇન્ફેક્શન કે ધૂળ ન લાગે એ માટે ક્લાયન્ટના હાથ ધોવડાવી ટૅટૂ બનાવીએ છીએ અને પછી પણ ધોઈને એક દવા લગાડીએ છીએ અને એક પટ્ટીથી ઢાંકીને એને છ કલાક સુધી ન કાઢવાની સલાહ હું મારા ક્લાયન્ટને આપું છું, કારણ કે ટૅટૂ બન્યા પછી પહેલા ચાર કલાકમાં ત્વચાનાં બધાં છિદ્રો ખુલ્લાં રહે છે તેથી ત્વચા કોઈ પણ ઇન્ફેક્શન તરત જ પકડી શકે છે અને આનું ખૂબ ધ્યાન રાખવું પડે છે. આમાં તડકામાં કે સ્વિમિંગ-પૂલમાં પણ ન જઈ શકાય અને વારેઘડીએ તેમને ટૅટૂને ન અડવાની સલાહ પણ આપીએ છીએ. હું મારા ક્લાયન્ટને ઘરે જઈને સૂઈ જવાની સલાહ આપું છું જેથી આવી કોઈ મુશ્કેલી ન ઊભી થાય. જેમને પણ ટૅટૂ બનાવવાની ઇચ્છા હોય તેમણે એક વાતનું ધ્યાન રાખવું જોઈએ કે આર્ટિસ્ટ નવી પૅક સોય વાપરે છે કે નહીં એની ખાતરી કરવી અને ટૅટૂ કિટ જૂની તો નથી એ એના પૅકિંગ પર વાંચીને પછી જ ટૅટૂની શરૂઆત કરાવડાવવી. ટૅટૂ આર્ટિસ્ટ ઍડ્વાન્સ્ડ મશીન્સ વાપરે એ જરૂરી છે. રોટરી મશીનથી સરળતાથી, પેઇનલેસ રીતે અને ઉઠાવદાર ટૅટૂ બને છે.

પૉઇન્ટ્સ ટુ બી નોટેડ

- બને તો આ સમયમાં જરૂરી ન હોય તો ટૅટૂ કરાવવાનું ટાળવું. જો કરાવવું હોય તો સારા સ્ટુડિયોમાં જઈ આર્ટિસ્ટ વ્યવસ્થિત માસ્ક, હૅન્ડ-ગ્લવ્ઝ પહેર્યા છે કે નહીં એ વિશે સજાગ રહેવું અને આર્ટિસ્ટ જે મશીન વાપરે છે એની સોય પણ નવી જ હોવી જોઈએ.
- ટૅટૂ કરાવ્યા પછી પાંચ દિવસ બહાર ન નીકળવું અને જો નીકળવું જ પડે તો ટૅટૂવાળી ત્વચાનું ધ્યાન રાખવું અને ડૉક્ટર, હૉસ્પિટલ, બ્યુટી સૅલોંમાં અને ભીડવાળી જગ્યાએ ન જવું.
-વૅક્સિંગ, ફેશ્યલ, કેમિકલ પીલ ઑફ આમાં પણ છિદ્રો ૭૨ કલાક સુધી ખુલ્લાં રહે છે; તેથી આ ટ્રીટમેન્ટ કર્યા પછી પણ ૭૨ કલાક તમામ સાવચેતી રાખવી.
- ડૉ. પ્રીતિ સાવર્ડેકર

જેમને પણ ટૅટૂ બનાવવાની ઇચ્છા હોય તેમણે એક વાતનું ધ્યાન રાખવું જોઈએ કે ટૅટૂ આર્ટિસ્ટ નવી પૅક સોય વાપરે છે કે નહીં એની ખાતરી કરવી અને ટૅટૂ કિટ જૂની તો નથી એ એના પૅકિંગ પર વાંચીને પછી જ ટૅટૂની શરૂઆત કરાવડાવવી. આર્ટિસ્ટ ઍડ્વાન્સ્ડ મશીન વાપરે એ જરૂરી છે
- ડેન્ઝિલ ક્લીમેન્ટ, ટૅટૂ આર્ટિસ્ટ

ટૅટૂથી ત્વચા પર જ્યારે આકૃતિ બનાવવામાં આવે છે ત્યાર પછી એ ભાગનાં છિદ્રોને રુઝાતાં પાંચ દિવસ લાગે છે અને તેથી જ ટૅટૂ કરાવ્યા પછી પાંચ દિવસ દરમ્યાન ત્વચાના ખુલ્લા ઈજાગ્રસ્ત ભાગમાંથી કોરોના વાઇરસ પ્રવેશવાની શક્યતા વધી જાય છે.
- ડૉ. પ્રીતિ સાવર્ડેકર, ડર્મેટોલૉજિસ્ટ

life and style bhakti desai