ચહેરા પરના વાળ રેઝરથી દૂર કરવાના ટ્રેન્ડમાં પડવા જેવું નથી

26 March, 2024 07:19 AM IST  |  Mumbai | Heena Patel

ભલે ઇન્ફ્લુઅન્સરો કહે કે ફેશ્યલ રેઝરથી ફાયદો થાય છે, પણ..

પ્રતીકાત્મક તસવીર

ચહેરા પરની અનિચ્છનીય રુવાંટી હટાવવાથી મેકઅપ અને સ્કિન-પ્રોડક્ટ્સ સારી રીતે ત્વચામાં ઊતરે છે એવું કહેવાય છે. જોકે વાળ હટાવવા માટે થ્રેડિંગ અથવા તો વૅક્સિંગનો સહારો લેતી મહિલાઓએ પણ હવે પુરુષોની જેમ રેઝરથી ચહેરા પર શેવિંગ કરવાનું શરૂ કરી દીધું છે ત્યારે નિષ્ણાત પાસેથી જાણીએ કે આ ટ્રેન્ડ ચહેરાની નાજુક ત્વચા માટે સેફ અને ફાયદાકારક છે કે નહીં

ચહેરાના અનિચ્છનીય વાળને હટાવવા માટે રેઝરથી શેવિંગ કરવાનું ચલણ મહિલાઓમાં વધ્યું છે. સોશ્યલ મીડિયા પર પણ તમને ઢગલો એવા ફૅશન-ઇન્ફ્લુઅન્સર મળી જશે જેઓ શેવિંગથી થતા ફાયદા ગણાવીને ચહેરાના અનિચ્છનીય વાળ હટાવવા માટે આ રીત અપનાવવાની શિખામણ આપી રહ્યા છે. એટલું જ નહીં, કઈ રીતે ફેસ પર શેવિંગ કરી શકાય એની ગાઇડલાઇન્સ પણ આપશે. એના સૌથી મોટા ફાયદાઓમાંનો એક છે શેવિંગ કરવાથી ઍન્ટિ-એજિંગ ઇફેક્ટ ચહેરા પર મળે છે. એવું કહેવાય છે કે ત્વચા પરના વાળ સ્મૂધલી નીકળી જતા હોવાથી ત્વચાને ટાઇટ રાખતું કોલૅજનનું પ્રોડક્શન સારું રહે છે. કોલૅજન જેટલું સુરક્ષિત રહે અને એનું પ્રોડક્શન ચાલતું રહે તો ત્વચા પર કરચલીઓ પડતી નથી. આ દાવા સાંભળીને જો રખેને તમને એવું લાગે કે સાવધાની રાખીને શેવિંગ કરી નાખીશું તો વાંધો નહીં આવે તો એવું જરાય નથી. ચહેરા પર રેઝર વાપરવાનું વિચારતા પણ હો તો આવા અખતરા અજમાવતાં પહેલાં આ વિશે આપણે એક્સપર્ટ પાસેથી જાણી લેવું જોઈએ, નહીંતર ફાયદો થવાને બદલે નુકસાન થવાનું જોખમ રહે. 

ફેસ-શેવિંગનો ટ્રેન્ડ કઈ રીતે શરૂ થયો?


સૌથી પહેલાં તો એ સમજી લઈએ કે પુરુષો માટેનું રેઝર અને સ્ત્રીઓ માટેનું ફેશ્યલ રેઝર એ બે જુદી પ્રોડક્ટ છે. ચહેરા પર જે પાતળી બ્લેડવાળું રેઝર વાપરવામાં આવે છે એ આ વિશે વિગતવાર સમજાવતાં ડર્મેટોલૉજિસ્ટ આકાંક્ષા સંઘવી કહે છે, ‘રેઝર જેવા દેખાતા એક સ્પેશ્યલ ઇન્સ્ટ્રુમેન્ટનો યુઝ કરીને ફેસના હેર રિમૂવ કરવાની જે પ્રોસેસ છે એને ડર્માપ્લેનિંગ કહેવાય છે અને એની શરૂઆત અબ્રૉડના ડૉક્ટર્સ અને ડર્મેટોલૉજિસ્ટે શરૂ કરી હતી. એ પછી ખબર પડવા માંડી કે એક પાતળી બ્લેડવાળા રેઝર જેવા દેખાતા ઇન્સ્ટ્રુમેન્ટથી એક પ્રકારનું એક્સફોલિયેશન થાય છે અને એને કારણે સ્કિનના વાળ સાથે સ્કિનના ડેડ સ્કેલ પણ નીકળી જાય. ડેડ સ્કિન નીકળે એટલે પછી આપોઆપ સ્કિન સ્મૂધ થઈ જાય, ચહેરો ચમકદાર થઈ જાય, સ્કિન કૅર પ્રોડક્ટ સારી રીતે ઍબ્ઝૉર્બ થાય. એ પછી હૉલીવુડની અભિનેત્રીઓ અને ફૅશન-ઇન્ફ્લુન્સરે રેઝરથી ફેસના વાળ હટાવવાનો ટ્રેન્ડ સોશ્યલ મીડિયા પર શરૂ કર્યો અને બીજી બાજુ રેઝર ઍક્સેસિબલ થતા લોકોએ પણ ઘરે શેવિંગ કરવાનું શરૂ કરી દીધું.’

કેટલું અસરકારક?
રેઝરથી ફેસ શેવિંગ કરવાથી કેટલો ફાયદો થાય છે એ વિશે જણાવતાં આકાંક્ષા સંઘવી કહે છે, ‘ડર્માપ્લેનિંગ અને શેવિંગ બન્નેમાં બ્લેડ યૂઝ થાય છે, પણ શેવિંગ સ્કિન ટોન બ્રાઇટર કરવાનું કામ અને એક્સફોલિયેશન એટલું ઇફેક્ટિવલી નથી કરતું જેટલું ડર્માપ્લેનિંગ કરે છે. ઘરમાં ફેસ શેવિંગ કરવો હોય તો રેઝરનો કઈ રીતે યુઝ કરવો એ તમને આવડવું જોઈએ, નહીંતર ચહેરા પર કટ્સ થવાનું જોખમ રહે છે. બીજું એ કે જેમની સ્કિન ખૂબ જ સેન્સિટિવ હોય અથવા ત્વચા સંબંધિત કોઈ રોગ હોય તો તેમણે તો રેઝરથી શેવિંગ કરવાથી દૂર જ રહેવું જોઈએ. ડર્માપ્લૅનિંગમાં ડૉક્ટર હળવા હાથથી સારી રીતે હેર રિમૂવ કરવાનું કામ કરે, જેનાથી તમને સ્કિનમાં કટ્સ થવાના ચાન્સિસ ન હોય તેમ જ જે ઇન્સ્ટ્રુમેન્ટ હોય એ પણ સ્ટરિલાઇઝ્ડ હોય જેથી ઇન્ફેક્શનનું જોખમ પણ ન રહે. સેફેસ્ટ ઑપ્શન છે હેર રિડક્શન લેઝર ટ્રીટમેન્ટ કરાવી લેવી. આ ટ્રીટમેન્ટના ૭થી ૮ સેશન પછી તમારા ૮૦ પર્સન્ટ વાળ પર્મનન્ટલી રિમૂવ થઈ જાય. તમારે લાઇફ લૉન્ગ થ્રેડિંગ, વૅક્સિન કે શેવિંગની જરૂર જ નહીં પડે.’

થ્રેડિંગ, વૅક્સિંગ અને શેવિંગમાંથી શું બેસ્ટ?
મહિલાઓ ચહેરા પરના વાળ હટાવવા માટે થ્રેડિંગ, વૅક્સિંગ અથવા શેવિંગ કરતી હોય છે ત્યારે આ ત્રણેયમાંથી કઈ રીત સારી છે એ વિશે જણાવતાં આકાંક્ષા સંઘવી કહે છે, ‘અમે વૅક્સિંગ તો કોઈને રેકમન્ડ નથી કરતાં, કારણ કે તમારા ફેસની સ્કિન ખૂબ ડેલિકેટ હોય અને ઉપરથી એની જે પ્રોસેસ છે એમાં તમારી ચામડી બળી જવાના, ચામડી છોલાઈ જવાના, ચહેરા પર ડાઘ-ધબ્બા થઈ જવાનું જોખમ વધુ હોય છે. તમે થ્રેડિંગ કરાવી શકો, પરંતુ એ પછી પણ પોસ્ટ કૅર ક્રીમનો યુઝ કરવો જરૂરી છે. સ્કિનમાંથી જ્યારે વાળ ખેંચીને કાઢવામાં આવે ત્યારે ઍક્ને કે ફૉલિક્યુલાઇટિસ થવાનું રિસ્ક છે, ખાસ કરીને જો તમારા હેર-રૂટ ખૂબ જાડાં હોય અથવા તમને હૉર્મોનલ ઍક્નેની ટેન્ડસી હોય તો. થ્રેડિંગ અને વૅક્સિંગની સરખામણીમાં શેવિંગ પેઇનલેસ અને સેફ છે, પણ ચહેરા પર વારંવાર વાળ ન આવે એ માટે શેવિંગ બાદ લેઝર હેર રિડક્શન ટ્રીટમેન્ટ કરાવી લો તો સારું, જેથી તમને વારંવાર શેવિંગ કરવાની જરૂર ન પડે.’

columnists life and style fashion